નવી દિલ્હી/મુંબઈઃ મહારાષ્ટ્ર સરકારે નવી દિલ્હી સ્થિત મહારાષ્ટ્ર સદનમાં ઉપયોગમાં લેવાતા જૂના સરકારી વાહનોને બદલવા અને નવા વાહનો ખરીદવાની મંજૂરી આપી છે. સરકારી આદેશ મુજબ, મહારાષ્ટ્ર સદનના નિવાસી કમિશનર અને સચિવની કચેરીઓ દ્વારા હાલમાં ઉપયોગમાં લેવાતી એક બુલેટપ્રૂફ અને બે અન્ય ગાડીઓની હરાજી કરવામાં આવશે.
નવા વાહનોની ખરીદી રાજ્ય સરકારની સ્થાપિત પ્રક્રિયાઓ, નાણાકીય માર્ગદર્શિકા અને સરકારી ખરીદી નીતિ અનુસાર કરવામાં આવશે. આમાંથી, મુખ્ય પ્રધાનના ઉપયોગ માટે એક બુલેટ પ્રૂફ વાહન ખરીદવામાં આવશે.
સરકારે સ્પષ્ટતા કરી છે કે મુખ્ય પ્રધાન માટે ખરીદેલા વાહનને બુલેટપ્રૂફ કરવાનો ખર્ચ પણ સંબંધિત સરકારી ભંડોળમાંથી ઉઠાવવામાં આવશે. મુખ્ય પ્રધાનની સુરક્ષા અને વાહન નિયમોને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.
આ નિર્ણય તાજેતરની બેઠકમાં લેવામાં આવ્યો હતો. આ એક નિયમિત પ્રક્રિયા છે, જે સુરક્ષા એજન્સીઓની સલાહ અને સૂચનો પછી હાથ ધરવામાં આવે છે. જણાવી દઈએ કે પ્રોટોકોલ મુજબ મુખ્ય પ્રધાન અને રાજ્યપાલ માટે બુલેટપ્રુફ ગાડીઓનો જ ઉપયોગ કરવામાં આવે છે.