તહેરાન: મિડલ ઈસ્ટમાં અમેરિકા અને ઈરાન વચ્ચે સતત તણાવ વધી રહ્યો છે. ત્યારે ઇરાને અમેરિકાના યુદ્ધવિરામના પ્રસ્તાવનો જવાબ આપ્યો છે. ઈરાને પાકિસ્તાનને આ જવાબ મોકલાવ્યો છે. જેમાં કાયમ માટે યુદ્ધને સમાપ્ત કરવા અંગે વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે.
પરમાણુ કાર્યક્રમના મુદ્દા પર પછીથી ચર્ચા કરવા પ્રસ્તાવ
ઈરાનના મીડિયા અહેવાલ મુજબ ઈરાન લેબનોન સહિત તમામ મોરચે યુદ્ધનો અંત લાવવા અને શિપિંગની સલામતી સુનિશ્ચિત કરવા માંગે છે. અમેરિકાના તાજેતરના પ્રસ્તાવમાં યુદ્ધનો અંત લાવવા, હોર્મુઝ સ્ટ્રેટને ફરીથી ખોલવા અને ઈરાનના પરમાણુ કાર્યક્રમને પાછો ખેંચવા માટે કરાર કરવાની માંગ કરવામાં આવી હતી. જોકે, ઈરાન હાલમાં પરમાણુ કાર્યક્રમના મુદ્દા પર પછીથી ચર્ચા કરવા માંગે છે.
વ્હાઇટ હાઉસ તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા નહિ
જોકે, ઈરાનના જવાબ પર વ્હાઇટ હાઉસ તરફથી કોઈ તાત્કાલિક સત્તાવાર પ્રતિક્રિયા આવી નથી. તેમજ સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકન રાજદૂત માઈક વોલ્ટ્ઝ કહે છે કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ કોઈપણ પ્રકારની લશ્કરી કાર્યવાહી પહેલાં રાજદ્વારી સ્તરે સંપૂર્ણ તક આપવા માંગે છે.
યુદ્ધ જેવી પરિસ્થિતિનો અંત લાવવાનો ઉદ્દેશ
આ ઉપરાંત અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષને કાયમી ધોરણે ઉકેલવા માટે પ્રયત્નશીલ છે. આ વાટાઘાટોનો મુખ્ય ઉદ્દેશ બંને રાષ્ટ્રો વચ્ચે યુદ્ધ જેવી પરિસ્થિતિનો અંત લાવવાનો અને વૈશ્વિક સ્તરે શાંતિ પુનઃસ્થાપિત કરવાનો છે.
કાયમી સમજૂતી પણ શક્ય
મીડિયા અહેવાલ મુજબ બંને દેશો વચ્ચે 14 મુદ્દાઓ ચર્ચા ચાલી રહી છે. આ કરારથી કોઇ નક્કર પરિણામ આવે તેવી સંભાવના છે. જેમાં યુદ્ધવિરામને લંબાવવા અને મુદ્દાઓ પર કાયમી સમજૂતી પણ શક્ય છે. જેમાં પણ પરમાણુ કરાર અને હોર્મુઝ સ્ટ્રેટ મહત્વના મુદ્દાઓ છે.