Sun May 10 2026

Logo

ઈરાન 'સંકટ'માંઃ સ્ટોરેજ ફૂલ થતા દરિયામાં ઓઈલ છોડવાની નોબત, પર્યાવરણ પર  'જોખમ'

WASINTON DC   2026-05-10 20:33:12
Author: Kshitij Nayak
Article Image

ખાર્ગ દ્વીપ પાસે 120 ચોરસ કિમીમાં ફેલાયા ઓઈલના કાળા ધબ્બા; સ્ટોરેજ ફુલ થતા ઈરાનની હાલત કફોડી

વોશિંગ્ટન/તહેરાનઃ અમેરિકા અને ઈઝરાયલના સંયુક્ત યુદ્ધને કારણે ઈરાનની હાલત કફોડી થઈ રહી છે, જેમાં દુનિયાભરમાં ઓઈલનું ગંભીર સંકટ ઊભું થયું છે, ત્યારે ઈરાનના દરિયામાં નવી સમસ્યા આકાર લઈ રહી છે. ઈરાન રોજના 30 લાખથી વધુ ઓઈલનું ઉત્પાદન કરે છે, જ્યારે તેનો મોટા ભાગનો હિસ્સો ખાર્ગ દ્વીપ (Kharg Island) સ્થિત તેના મુખ્ય એક્સપોર્ટ ટર્મિનલમાં મોકલવામાં આવે છે, પરંતુ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ અને ઈરાનના પોર્ટ પર અમેરિકન સેનાની નાકાબંધીને કારણે ફારસની ખાડીમાં ઓઈલના જહાજો બહાર નીકળી શકતા નથી. 

આ જ કારણથી ઈરાન પોતાનું ઓઈલ અન્ય દેશમાં મોકલી શકતું નથી અને ઉત્પાદન ચાલુ હોવાને કારણે તેની પાસે તેલ સ્ટોર કરવાનો પણ વિકલ્પ બચ્યો નથી. હવે વાયરલ તસવીરોમાં ખાર્ગ દ્વીપ નજીક દરિયાની સપાટી પર ઓઈલના કાળા ધબ્બા જોવા મળી રહ્યા છે, જેને લઈ હવે એવી શંકા વ્યક્ત કરાઈ રહી છે કે ઈરાન જે સ્ટોક જમા કરી રહ્યું નથી તે દરિયામાં છોડી રહ્યું છે. જો એમ હોય તો મોટા સંકટનું નિર્માણ થઈ રહ્યું હોવાની નિષ્ણાતોએ શંકા વ્યક્ત કરી હતી.

દરિયામાં ઓઈલ છોડવાની કેમ આવી નોબત?

એપ્રિલ મહિનાના મધ્યમમાં અમેરિકન નાકાબંધી હોવા છતાં સૌથી પહેલા ખાર્ગ દ્વીપના ઓનશોર સ્ટોરેજમાં ટેન્ક ભરાઈ ગયા હતા એના પછી ઈરાનએ જૂના તેલના ટેન્કરો પણ એક્ટિવ કરીને દરિયામાં ફ્લોટિંગ સ્ટોરેજ તરીકે ઉપયોગ કર્યો હતો. આ જૂના જહાજોમાં વધુ ઓઈલ જમા કરવામાં આવ્યું હોવાથી તેલ ઉત્પાદન બંધ કરવામાં આવે નહીં. પરંતુ લાંબા સમય સુધી કુવાઓને બંધ રાખવાથી ભૂગર્ભ તેલ ભંડારને પણ નુકસાન થઈ શકે છે.

કુવા પણ ઘણા સમયથી બંધ હોવાથી મુશ્કેલી

જો તેલ ઉત્પાદન રોકી દેવામાં આવે તો પથ્થરોમાં પાણી અને ગેસ ભરવાનું પણ જોખમ ઊભું થઈ શકે છે. પાઈપલાઈન બંધ થઈ શકે એના પછી ઉત્પાદન કરવાનું પણ વધારે મોંઘું પડી શકે છે. તેલના કુવાઓ ઘણા સમયથી બંધ છે એને કારણે ઉત્પાદન પણ પહેલાની માફક થઈ શકતું નથી, તેથી ઈરાન ઓઈલનું ઉત્પાદન રોકી શકતું નથી, પરંતુ સામે પક્ષે અમેરિકન નાકાબંધીને નિકાસ પણ કરી શકતું નથી. આ જ કારણ તેલ સ્ટોર કરવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

સેટેલાઈટ તસવીરોમાં જોવા મળ્યા ઓઈલ સ્લિક્સ

યુરોપિયન સ્પેસ એજન્સીના સેન્ટિનલ સેટેલાઈટ ડેટા અને અમેરિકન મીડિયા રિપોર્ટ્સ અનુસાર ફારસની ખાડી અને હોર્મુઝ સ્ટ્રેટની આસપાસ પાણીની સપાટી પર તેલના પોપડા (ઓઈલ સ્લિક્સ) જોવા મળ્યા છે. પાંચમી માર્ચના કુવૈતના દરિયાકિનારા, 10 એપ્રિલના લાવન દ્વીપ, 22 એપ્રિલના કેશમ દ્વીપની નજીક અને છઠ્ઠી મેના ખાર્ગ દ્વીપના પશ્ચિમના દરિયાની સપાટી પર ઓઈલના ધબ્બા જોવા મળ્યા હતા. 

એક હિસ્સો 120 વર્ગ કિલોમીટરના ક્ષેત્રમાં ફેલાયો હતો

અહીં એ જણાવવાનું કે ખાર્ગ દ્વીપ નજીક જોવા મળેલા એક કાળો ધબ્બો લગભગ 120 વર્ગ કિલોમીટરના ક્ષેત્રમાં ફેલાયેલો હતો, જે કોઈ મોટા શહેરના આકાર બરાબર હતો. નિષ્ણાતોએ જણાવ્યું છે કે રડાર ડેટાની મદદથી એનું વિશ્લેષણ કર્યું હતું. દરિયાની સપાટી પર તરતા તેલની લહેરો શાંત કરે છે, જેનાથી રડારની તસવીરોમાં કાળા અને ચિકણા ભાગ જોવા મળ્યા હતા. પ્રોસેસ્ડ તસવીરોમાંથી એવા સંકેતો મળ્યા છે કે ઓઈલ લિકેજ અથવા તેલ છોડવાની સંભાવના છે.

હોર્મુઝ બ્લોકેડની ભારત સહિત દુનિયા પર ગંભીર જોખમો

સ્ટ્રેટ ઓફ હોર્મુઝ દુનિાયના સૌથી મહત્ત્વના ઊર્જા પરિવહન પૈકીનો એક કોરિડોર છે. દુનિયાનું 20 ટકા તેલ અને ગેસનો પુરવઠો આ જ માર્ગેથી પસાર થાય છે. ભારત સહિત અન્ય દેશ પણ પોતાની ઓઈલ-ઊર્જાની જરુરિયાત પણ આ વિસ્તાર પર નિર્ભર છે. નાકાબંધી અને તણાવને કારણે વૈશ્વિક ઓઈલના ભાવમાં વધારો થયો છે, જ્યારે ઈંધણ, પરિવહન અને રોજિંદી ચીજવસ્તુઓ પણ મોંઘી થઈ છે. 

વધતા સંકટો વચ્ચે હવે ઈરાન ગુપ્ત રીતે નિકાસ કરી રહ્યું છે, જેમાં ઈન્ડોનેશિયા અને ચીનમાં મોકલી છે. નકારાત્મક સંજોગો વચ્ચે ઈરાન પણ વધારાનું ઓઈલ દરિયામાં છોડી રહ્યું છે. એના મુદ્દે ઈરાનના અધિકારીઓએ કોઈ ટિપ્પણી કરી નથી, પરંતુ નિષ્ણાતો માને છે કે ઓઈલના કાળા ધબ્બા ક્ષતિગ્રસ્ત જહાજો અને તેલ ફેસિલિટીઝ લીક થવાથી મુશ્કેલી ઊભી થઈ છે. એક વાત સ્પષ્ટ છે કે ઈરાનની પાસે ઉપલબ્ધ સ્ટોરેજ ક્ષમતા ઓછી છે, જે દરિયામાં જોવા મળતા કાળા ધબ્બા એના પુરાવા છે. વધુ પડતો સ્ટોક હોવાથી ઈરાન દરિયામાં છોડે છે.