Mon Oct 05 2026

Logo

...એમ દીકરીના અધિકારો નષ્ટ ન કરી શકાય !

2026-09-20 09:43:00
Author: Najmuddin Meghani
...એમ દીકરીના અધિકારો નષ્ટ ન કરી શકાય !

 

મિલકતની નોંધપોથી - નજમુદ્દીન મેઘાણી (એડવોકેટ)


પ્રવર્તમાન સમયમાં જમીન-મિલકતોના હકક, અધિકાર બાબતે સગા-સંબંધીઓમાં ખૂબ મોટા પ્રમાણમાં તર-તકરારો, દાવા-દુવીના પ્રકરણો સામે આવી રહ્યાં છે. ખાસ કરીને દાદા યા પિતા તરફથી આવતી વડીલોપાર્જિત મિલકતને લઈને દીકરા-દીકરીઓ વચ્ચે હિસ્સાની તકરાર, દાવાનાં પ્રકરણો જોવા મળે છે.

જયારે કોઈ વ્યક્તિ વિલ કર્યા વિના યાને બિનવસિયતી મૃત્યુ પામે ત્યારે તેની સ્થાવર તેમ જ જંગમ મિલકતો કોના ભાગે કેટલી વહેંચાય- મિલકતોમાં કોનો કેટલો હકક લાગે અને કોનો હકક નહીં લાગે- મરનાર વ્યક્તિના સીધીલીટીના વારસદારોમાં કોણ ગણાય- તેમનો કેટલો હિસ્સો ગણાય વગેરે બાબતનું  સામાજિક પરંપરા અને પ્રણાલિકા મુજબ અમલીકરણ કરવામાં આવતુ હતું.

`હિન્દુ વારસાહકક અધિનિયમ-1956'ના કાયદામાં સ્પષ્ટતા કરેલ છે કે દીકરીને દીકરા જેટલું જ વારસાઈ હકક પ્રાપ્ત થાય છે યાને સમાન વારસ હકક મળે છે. પિતાની મિલકતમાંથી દીકરાને જેટલો ભાગ મળે તેટલો જ ભાગ દીકરીને પણ મળે આ કાયદાથી કોઈ બાળક તેની માતાના ગર્ભમાં હોય, યાને હજુ જન્મેલ પણ ન હોય તેવા ગર્ભમાં રહેલા બાળકનો હકક આપવામાં આવે છે.

હિન્દુ વારસાહકક અધિનિયમમાં સને-2005માં થયેલા સુધારા મુજબ પણ કુટુંબની વડીલોપાજીર્ત મિલકતમાં દીકરાઓની જેમ દીકરીઓને પણ દીકરાઓ જેટલો જ સહીયારી માલીકી તરીકે હકક, અધિકાર મળે છે. દીકરીઓને પણ હવે દીકરાઓ જેટલો જ સરખો હિસ્સો મળે છે.

હિન્દુ વારસાહકક અધિનિયમમાં 9 સપ્ટેમ્બર, 2005માં થયેલા સુધારા હેઠળના હક્કો હયાત પુત્રીને લાગુ પડે છે, ભલે પછી એ ગમે ત્યારે જન્મી હોય. માત્ર હયાત સમાંશિતોની હયાત દીકરીઓ જ વડીલોપાર્જિત મિલકતમાં હિસ્સાની માગણી કરવા હક્કદાર રહેશે. હિન્દુ વારસા અધિનિયમ હેઠળ દીકરીઓ સરખો હિસ્સો તો જ માંગી શકે, જો તેમના પિતા અને પોતે 2005 ના સુધારાની તારીખે હયાત રહ્યા હોય.

જોકે હિન્દુ વારસા અધિનિયમનો વર્ષ 2005નો સુધારો અમલી બનવાના સમયે દીકરી હયાત હોય તો  તેણી સહમાલિક તરીકેના સમાન અધિકારની હકકદાર છે, તેવો અધિકાર દીકરી જન્મથી જ પ્રાપ્ત કરે છે ભલે પછી પિતાનું મૃત્યુ ગમે ત્યારે થયું હોય. ઉપરાંત દીકરીના આવા કાયદાકીય અધિકારને સમયમર્યાદાના આધારે નષ્ટ કરી શકાય નહીં, ખાસ કરીને જયારે વિભાજનનું હુકમનામું આખરી બન્યું ન હોય ત્યારે.

(સંદર્ભ: મલ્લેશ્વરી વિ. કે. સુગુણા - નામદાર સુપ્રીમ કોર્ટ)