Thu Apr 23 2026

Logo

રિતેશ અને જેનેલિયા બન્યા MSRTCના બ્રાન્ડ એમ્બેસેડરઃ આટલા વર્ષ માટે સંભાળશે જવાબદારી

2026-04-22 18:04:09
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈ: હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કેટલાક વર્ષોથી સક્રિય અભિનેતા દંપતી રિતેશ દેશમુખ અને જેનેલિયા દેશમુખને રાજ્ય સરકાર હસ્તક માર્ગ પરિવહન સંસ્થા મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (એમએસઆરટીસી)ના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

એક યાદીમાં કોર્પોરેશને જણાવ્યું હતું કે રિતેશ અને જેનેલિયા આગામી પાંચ વર્ષ માટે બ્રાન્ડ એમ્બેસેડર તરીકે રહેશે અને માર્ગ સલામતી, મુસાફરોની જાગૃતિ અને સામાજિક સંદેશા અંગેના કોર્પોરેશનના અભિયાનમાં સહભાગી થશે.

રાજ્ય સચિવાલય, મંત્રાલય ખાતે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને પરિવહન પ્રધાન તેમ જ એમએસઆરટીસીના અધ્યક્ષ પ્રતાપ સરનાઈકની હાજરીમાં તેમની નિમણૂકને ઔપચારિક બનાવતા કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. રિતેશ - જેનેલિયા એમએસઆરટીસી ઝુંબેશમાં સક્રિયપણે ભાગ લે તેવી અપેક્ષા છે.

એમએસઆરટીસીએ 2023માં જાણીતા મરાઠી અભિનેતા મકરંદ અનાસપુરેને બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કર્યા હતા, પરંતુ તેઓ જાહેર પરિવહન સંસ્થાના કાર્યક્રમોમાં ભાગ્યે જ જોવા મળતા હતા. 

સ્વર્ગસ્થ અભિનેતા વિક્રમ ગોખલે બે દાયકા પહેલા કોર્પોરેશનના બ્રાન્ડ એમ્બેસેડર હતા. એમએસઆરટીસી દેશનું સૌથી મોટું રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન છે જેમાં 16 હજારથી વધુ બસનો કાફલો અને 86,000 કર્મચારીઓ છે. દરરોજ પંચાવન લાખથી વધુ મુસાફરો બસમાં મુસાફરી કરે છે. 
(પીટીઆઈ)