Thu Oct 08 2026

Logo

ભાવનગરમાં નકલી દારૂની ફેક્ટરી ઝડપાઈ, ત્રણ આરોપીની ધરપકડ

2026-09-13 20:35:58
Author: Chandrakant Kanoja
ભાવનગરમાં નકલી દારૂની ફેક્ટરી ઝડપાઈ, ત્રણ આરોપીની ધરપકડ

ભાવનગર: ભાવનગર જિલ્લામાં થયેલા લઠ્ઠાંકાંડમાં 14 ના મોત બાદ પણ બુટલેગરો હજુ બેફામ છે. શહેરમાંથી વધુ એક નકલી દારૂની ફેક્ટરી ઝડપાઈ હતી. લોકલ ક્રાઇમ બ્રાન્ચએ ભાવનગર પરા વિસ્તારમાં આવેલા રેલવે ક્વાર્ટરમાં નકલી વિદેશી દારૂ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ કરી રેલવે કર્મચારી સહિત ત્રણ શખસોને રૂ 1,00,940 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા.

કેમિકલ્સ અને  નકલી વિદેશી દારૂની બોટલો જપ્ત કરી 

પોલીસે સ્થળ પરથી કેમિકલ્સ, નકલી વિદેશી દારૂની બોટલો, જાણીતી કંપનીઓના ડુપ્લિકેટ સ્ટીકરો તથા બોટલોને સીલ કરવા માટેનાં સાધનો કબજે કર્યા છે. આ પ્રકરણમાં અન્ય સાત શખસોની સંડોવણી બહાર આવતાં તેમની ધરપકડ કરવા માટે શોધખોળ હાથ ધરવામાં આવી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ ભાવનગર પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે, ચિત્રા વિસ્તારમાં રહેતો અને રેલવેમાં નોકરી કરતો અક્ષયરાજસિંહ ગોહિલ ભાવનગર પરા, રેલવે કોલોની, લોકો ટાંકી પાસે આવેલા ક્વાર્ટર નંબર ૭૦/એમાં પોતાના બે સાગરીતો સાથે મળી કેમિકલ્સનો ઉપયોગ કરીને નકલી વિદેશી દારૂ બનાવી રહ્યો છે. આ બનાવટી દારૂની બોટલો ઉપર જાણીતી કંપનીઓના નામ તથા ‘ફોર સેલ ઇન પંજાબ ઓન્લી’ લખાણવાળા બોગસ સ્ટીકરો લગાવી તેને અસલી વિદેશી દારૂ તરીકે વટાવવાની પ્રવૃત્તિ ચાલી રહી હોવાની બાતમીના આધારે એલસીબી ટીમે દરોડો પાડ્યો હતો.

પોલીસે દરોડો પાડતાં ક્વાર્ટરમાંથી અક્ષયરાજસિંહ પ્રદિપસિંહ ગોહિલ, વિજય ઉર્ફે મયંક રાજુભાઇ મકવાણા અને જીતેન્દ્ર દિલીપભાઇ ખાવડિયા મળી આવતાં ત્રણેયને ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસે સ્થળની તપાસ દરમિયાન નકલી વિદેશી દારૂની ૧૮૦ એમ.એલ.ની ૧૭ સીલપેક બોટલો, જેની કિંમત રૂ. ૨,૮૯૦ થાય છે, કબજે કરી હતી. આ ઉપરાંત બોટલો પર લગાડવાના આગળ-પાછળના કુલ ૨૩૧ સ્ટીકરો તથા ઢાંકણાં ઉપર લગાડવાના ૧૫૧ સીલ સ્ટીકરો મળી આવ્યા હતા.

બોટલોને બનાવટી રીતે સીલ કરવા માટે ઉપયોગમાં લેવાતું ‘એએમઆઈઆરઆઈ’ લખેલું લોખંડનું મશીન, સ્ટીલનું ઢાંકણાં ફિટ કરવાનું પ્રેશર મશીન, કેમિકલ્સ ભરેલા તથા ખાલી કેરબા અને પાંચ મોબાઇલ ફોન સહિતનો મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યો હતો. મોબાઇલ ફોનની કિંમત રૂ. ૯૫,૦૦૦ દર્શાવવામાં આવી છે. આમ, પોલીસે કુલ રૂ. ૧,૦૦,૯૪૦નો મુદ્દામાલ જપ્ત કરી નકલી દારૂ બનાવવાના કારખાનાને ઝડપી પાડ્યું હતું.

આ પ્રકરણમાં ઝડપાયેલા આરોપીઓમાં અક્ષયરાજસિંહ પ્રદિપસિંહ ગોહિલ (ઉંમર ૩૨, ધંધો રેલવેમાં નોકરી, રહે. સુખસાગર સોસાયટી-૧, ચિત્રા, ભાવનગર), વિજય ઉર્ફે મયંક રાજુભાઇ મકવાણા (ઉંમર ૩૩, ધંધો મજૂરી, રહે. માધવાનંદ સોસાયટી, ચિત્રા-સિદસર રોડ, ભાવનગર) તથા જીતેન્દ્ર દિલીપભાઇ ખાવડિયા (ઉંમર ૪૦, ધંધો કડિયાકામ, રહે. ક્વાર્ટર નંબર ૭૦/એ, રેલવે કોલોની, ભાવનગર પરા)નો સમાવેશ થાય છે.

કૌભાંડમાં અન્ય સાત શખસોની સંડોવણી પણ બહાર આવી 

પોલીસ તપાસમાં આ કૌભાંડમાં અન્ય સાત શખસોની સંડોવણી પણ બહાર આવી છે. જેમાં રામદેવસિંહ ઘનશ્યામસિંહ ઝાલા, રહે. મોરબી, અર્જુનસિંહ સોઢા, સૂર્યપ્રતાપસિંગ રાઠોડ, રહે. બ્યાવર, રાજસ્થાન, અજીતસિંગ ઉર્ફે બન્ના રાઠોડ, રહે. રાજસ્થાન, શક્તિસિંહ ચકુભા રાયજાદા, રહે. ખાંટડી, તા. ઘોઘા, ભાવનગર, ભાવેશ સોલંકી, રહે. ઘોઘા રોડ, ભાવનગર અને શરદ લીંબાભાઇ ચાવડા, રહે. ચિત્રા, ભાવનગરનો સમાવેશ થાય છે. આ સાતેય આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા શોધખોળ ચાલુ રાખવામાં આવી છે.

પોલીસ દ્વારા  આરોપીઓની પૂછપરછ 

આ સમગ્ર મામલે ભાવનગરના બોરતળાવ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. એલસીબી અને બોરતળાવ પોલીસ દ્વારા ઝડપાયેલા આરોપીઓની પૂછપરછ કરી નકલી દારૂ બનાવવા માટે કેમિકલ્સ અને ડુપ્લિકેટ સ્ટીકરો ક્યાંથી મેળવવામાં આવતાં હતાં. આ દારૂનું ઉત્પાદન કેટલા સમયથી ચાલતું હતું, બનાવટી દારૂ ક્યાં-ક્યાં પહોંચાડવામાં આવતો હતો તથા આ કૌભાંડમાં અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે તે સહિતની દિશામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.