સાહિત્યિક દ્રોહ જેણે વિશ્વના વારસાને સમૃદ્ધ કર્યો!
- અભિમન્યુ મોદી
કોઈ પણ સામાન્ય માણસ જ્યારે મૃત્યુ પામે છે ત્યારે તેની પાછળ મુકાયેલી વસિયત કે તેની અંતિમ ઇચ્છાને કાયદો અને સમાજ બંને પવિત્ર માને છે. જો કોઈ પિતા પોતાની સંપત્તિ વિશે કોઈ આદેશ આપીને જાય તો વારસદારો માટે તે શિલાલેખ બની જાય છે, પરંતુ જ્યારે એ સંપત્તિ, બૅન્ક-બૅલૅન્સ કે જમીન ન હોય, પણ કોઈ મહાન લેખકના અપ્રકાશિત લખાણો હોય ત્યારે એક બહુ જ મોટો અને જટિલ નૈતિક પ્રશ્ન ઊભો થાય છે. જો કોઈ સર્જક મૃત્યુ પહેલાં એવી વસિયત કરે કે `મારા મૃત્યુ પછી મારી તમામ અપ્રકાશિત નવલકથાઓ, ડાયરીઓ કે હસ્તપ્રતોને વાંચ્યા વિના જ બાળી નાખવી', તો શું કરવું? એ કાગળોને નષ્ટ કરી દેવા એ સર્જકની અંતિમ ઇચ્છાનું સન્માન છે, પરંતુ કદાચ એ કાગળોમાં દુનિયાની કોઈ મહાન વાર્તા છુપાયેલી હોય તો તેને સળગાવી દેવી એ વિશ્વસાહિત્ય અને માનવજાતના વારસા સાથેનો સૌથી મોટો ગુનો નથી? લેખકની ગોપનીયતા અને દુનિયાના કળા-પ્રેમ વચ્ચેની આ મથામણ કલા જગતનો સૌથી વજનદાર વિવાદ છે.
આ નૈતિક દ્વિધા સમજવા માટે ઇતિહાસનો સૌથી પ્રખ્યાત અને ક્લાસિક દાખલો ફ્રાન્ઝ કાફકાનો લેવો પડે. વીસમી સદીના આ વિચક્ષણ સર્જક જ્યારે માત્ર ચાલીસ વર્ષની વયે મૃત્યુશય્યા પર હતા ત્યારે તેમણે પોતાના પરમ મિત્ર મેક્સ બ્રોડને બોલાવીને એક કડક આદેશ આપ્યો હતો. કાફકાએ કહ્યું હતું કે `મારા મૃત્યુ પછી મારી તમામ ડાયરીઓ, હસ્તપ્રતો અને અધૂરી વાર્તાઓ કોઈને પણ વાંચવા દીધા વિના સીધી જ આગમાં હોમી દેવી.'
મેક્સ બ્રોડ માટે આ ધર્મસંકટ હતું. એક તરફ પરમ મિત્રને આપેલો શબ્દ હતો અને બીજી તરફ એ કાગળોમાં ધરબાયેલું કાફકાનું અસાધારણ સર્જન હતું. અંતે મેક્સ બ્રોડે મિત્ર સાથે `દ્રોહ' કર્યો અને એ કાગળો બાળવાને બદલે તેને પ્રકાશિત કર્યા. આજે કાફકાનું જે મહાન સાહિત્ય (જેમાં `ધ ટ્રાયલ' જેવી માસ્ટરપીસ સામેલ છે) દુનિયા વાંચી રહી છે, તે મેક્સ બ્રોડના એ દ્રોહને આભારી છે.
મેક્સ બ્રોડનો તર્ક એવો હતો કે કાફકાની પ્રતિભા માત્ર કાફકાની જાગીર નહોતી, તે સમગ્ર માનવજાતની સંપત્તિ હતી.
આવો જ એક બીજો વિવાદ તાજેતરમાં જ નોબેલ પારિતોષિક વિજેતા લેખક ગેબ્રિયલ ગાર્સિયા માર્કેઝના કિસ્સામાં સામે આવ્યો છે. માર્કેઝ જ્યારે જીવનના અંતિમ વર્ષોમાં હતા ત્યારે તેમની સ્મૃતિ સાથ છોડી રહી હતી (ડિમેન્શિયા). તે અવસ્થામાં તેમણે એક નવલકથા લખેલી. તેમણે પોતાના દીકરાઓને સ્પષ્ટ કહી દીધું હતું કે `આ નવલકથા બકવાસ છે. આમાં મારું ધાર્યું કામ નથી થયું. મારા ગયા પછી આને કચરાપેટીમાં નાખી દેજો.' પણ માર્કેઝના મૃત્યુના દાયકા પછી તેમના દીકરાઓએ પિતાની ઇચ્છા વિરુદ્ધ જઈને એ નવલકથા પ્રકાશિત કરી દીધી! દીકરાઓની દલીલ એવી હતી કે પિતાની યાદશક્તિ જતી રહી હોવાથી તે પોતાની જ કૃતિનું સાચું મૂલ્યાંકન કરી શકે તેવી માનસિક સ્થિતિમાં નહોતા.
આવું જ વ્લાદિમીર નાબોકોવની અધૂરી નવલકથા સાથે પણ થયેલું, જેને બાળી નાખવાના આદેશ છતાં તેમના દીકરાએ છાપી મારી. અહી પ્રશ્ન એ થાય છે કે શું વારસદારો ખરેખર કળાને બચાવવા માગે છે કે પછી મહાન લેખકના નામનો ઉપયોગ કરીને બજારમાંથી આર્થિક ફાયદો ઉઠાવવા માગે છે? એ પાતળી ભેદરેખા કોણ નક્કી કરશે?
કોઈ પણ લેખક પોતાની જ કૃતિને નષ્ટ કરવા કેમ માગતો હોય છે તેનું મનોવિજ્ઞાન બહુ રસપ્રદ છે. દરેક સાચા સર્જકને પરફેક્શનીઝમ-સંપૂર્ણતાનો અતિરેક હોય છે. જે લખાણ અધૂરું છે, જેના પર છેકછાક થયેલી છે કે જેમાં વાક્યોને હજુ મઠારવાં બાકી છે, તે લખાણ કોઈની સામે આવવું એ લેખક માટે જાહેરમાં નગ્ન ઊભા રહેવા સમાન છે. અપ્રકાશિત ડાયરીઓ કે કાચાં લખાણોમાં લેખકની નબળાઈઓ, તેના ભ્રમ અને તેની બૌદ્ધિક ખામીઓ છુપાયેલી હોય છે. લેખક ક્યારેય નથી ઇચ્છતો કે દુનિયા તેને તેની નબળાઈઓ સાથે જુએ, છતાં ફિલોસોફી એમ પણ કહે છે કે કળા જ્યારે સર્જાય છે ત્યારે તે એક જીવંત અસ્તિત્વ બની જાય છે. જેમ કોઈ માતા-પિતા બાળકને જન્મ આપ્યા પછી માત્ર એટલા માટે તેને મારી ન શકે કે બાળક સંપૂર્ણ નથી તેમ કોઈ સર્જક પણ પોતાની કલાકૃતિને નષ્ટ કરવાનો નિરપેક્ષ અધિકાર ધરાવતો નથી. સર્જન એકવાર કાગળ પર ઊતરી જાય પછી તે બ્રહ્માંડની માલિકીનું બની જાય છે.
એક વાચક તરીકે આપણે અત્યંત સ્વાર્થી છીએ. આપણે મેક્સ બ્રોડના એ દ્રોહને માફ કરી દઈએ છીએ, કારણ કે તેના ગુનાના ફળસ્વરૂપે આપણને કાફકાનું અદ્ભુત સાહિત્ય વાંચવા મળ્યું, પણ જ્યારે આપણે આવી કોઈ અપ્રકાશિત કે અધૂરી કૃતિ વાંચીએ છીએ ત્યારે ક્યાંક અંદરખાને એક અપરાધભાવ પણ હોવો જોઈએ કે આપણે કોઈની અંગત સરહદમાં ગેરકાયદે પ્રવેશ કરી રહ્યા છીએ. કળાના વારસાને બચાવવાની અને મૃત વ્યક્તિને આપેલા વચનને પાળવાની આ નૈતિક મથામણમાં કોઈ અંતિમ સત્ય નથી. કદાચ મહાન સાહિત્યની કરુણતા જ એ છે કે કેટલીક વાર તેને જીવંત રાખવા માટે, વારસદારોએ કોઈકના વિશ્વાસની હત્યા કરવી પડે છે. લેખકની એ અંતિમ ઇચ્છા ભલે કાગળ પર મટી ગઈ હોય, પણ એ પ્રકાશિત થયેલા દરેક પાનાની પાછળ એક અદૃશ્ય મૌન હંમેશાં ફરિયાદ કરતું રહે છે.