નાગોયાઃ જાપાનમાં ચાલી રહેલી એશિયન ગેમ્સમાં ભારતીય ખેલાડીઓનું પ્રભાવશાળી પ્રદર્શન યથાવત છે. 28 સપ્ટેમ્બર સુધીમાં એશિયન ગેમ્સમાં ભારતે 4 ગોલ્ડ, 20 સિલ્વર અને 21 બ્રોન્ઝ મેડલ સાથે કુલ 45 મેડલ જીત્યા હતા. આ સાથે ભારત મેડલ ટેલીમાં 12 ક્રમ પર છે. ચીન 130 ગોલ્ડ, 53 સિલ્વર અને 45 બ્રોન્ઝ સહિત કુલ 228 મેડલ સાથે ટોચ પર છે.
ભારત તરફથી પુરુષોમાં ભાલાફેંકમાં યશવીરે 85.72 મીટરના થ્રો સાથે સિલ્વડ મેડલ જીત્યો હતો જ્યારે રોહિત યાદવે 84.35 મીટરના થ્રો સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. યુવા શૂટર ઈશા સિંહ, દોડવીર ગુલવીર સિંહ અને લાંબી કૂદના ખેલાડી મુરલી શ્રીશંકરે આજે એશિયન ગેમ્સમાં ભારત માટે સિલ્વર મેડલ જીત્યા હતા.
ભારતીય મહિલા શૂટર ઈશા સિંહ આજે એશિયન ગેમ્સમાં મહિલા 25 મીટર પિસ્તોલ વ્યક્તિગત ઇવેન્ટમાં એક ખોટા શોટ મારવાને કારણે ગોલ્ડ મેડલથી ચૂકી ગઈ હતી પરંતુ પીડા, થાક અને દબાણ વચ્ચે પાંચ રાઉન્ડના રોમાંચક શૂટ-ઓફ પછી સિલ્વર મેડલ મેળવવામાં સફળ રહી હતી.
જ્યારે વિદ્યા રામરાજે મહિલાઓની 400 મીટર હર્ડલ્સમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણીએ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો, જેમાં પીટી ઉષાનો ચાર દાયકાથી વધુ જૂનો રાષ્ટ્રીય રેકોર્ડ તોડ્યો હતો. રામરાજે 54.75 સેકન્ડનો સમય લઈને ઉષાનો 1984ના લોસ એન્જલસ ઓલિમ્પિકમાં સ્થાપિત 55.42 સેકન્ડનો રેકોર્ડ તોડ્યો હતો. તે સિવાય લાંબા અંતરની દોડવીર પારુલ ચૌધરી પોતાના ગોલ્ડ મેડલનો બચાવ કરી શકી ન હતી, પરંતુ મહિલાઓની 5000 મીટર દોડની ફાઇનલમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
Vithya Ramraj creates history in Nagoya, breaking the 42-year-old national record in the women’s 400m hurdles. Her time of 54.75s improves P.T. Usha’s 55.42s mark by 0.67 seconds. Vithya also secured Asian Games bronze, becoming the fastest Indian woman in the event.… pic.twitter.com/BO34ePDP5s
— DD News (@DDNewslive) September 28, 2026
31 વર્ષીય પારુલ 15 મિનિટ 14.61 સેકન્ડનો સમય સાથે ત્રીજા સ્થાને રહી હતી. બહેરીનની વિનફ્રેડ યાવીએ 15 મિનિટ 10.18 સેકન્ડના સમય સાથે ગોલ્ડ મેડલ જીત્યો, જ્યારે જાપાનની નોઝોમી તનાકાએ 15 મિનિટ 11.65 સેકન્ડના સમય સાથે સિલ્વર મેડલ જીત્યો.
ચાલુ એશિયન ગેમ્સમાં પારુલનો આ બીજો મેડલ છે, તેણે 2023માં હાંગઝોઉમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. તેણે રવિવારે મહિલાઓની 3000 મીટર સ્ટીપલચેઝમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. મહિલાઓની 10,000 મીટર દોડમાં બ્રોન્ઝ મેડલ જીતનાર સીમા 15 મિનિટ 15 સેકન્ડના સમય સાથે છઠ્ઠા સ્થાને રહી હતી
મુરલી શ્રીશંકરે લાંબી કૂદમાં હાંગઝોઉ ગેમ્સમાંથી પોતાનો સિલ્વર મેડલ જાળવી રાખ્યો. તેણે બીજા પ્રયાસમાં 8.07 મીટર કૂદકો માર્યો હતો પરંતુ ચોથા પ્રયાસમાં પગની ઘૂંટીમાં ઈજાને કારણે છેલ્લા બે પ્રયાસ પૂર્ણ કરી શક્યો નહતો.
ગુલવીર સિંહ 10,000 મીટરમાં પહેલાથી જ સિલ્વર મેડલ જીત્યો હતો, તેણે પુરુષોની 1500 મીટરમાં 3:36.72 સેકન્ડના વ્યક્તિગત શ્રેષ્ઠ સમય સાથે બીજો સિલ્વર મેડલ જીત્યો હતો. કુરાશ ખેલાડી પીકી બલહારાએ અંડર-78 કિગ્રા કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ જીતીને બધાને આશ્ચર્યચકિત કર્યા. એશિયન ગેમ્સમાં આ તેનો બીજો મેડલ છે. તેણીએ અગાઉ 2018માં સિલ્વર મેડલ જીત્યો હતો, જેના કારણે તે ગેમ્સમાં સૌથી સફળ ભારતીય કુરાશ ખેલાડી બની હતી.
જોકે, તીરંદાજીમાં ભારતને મોટો ફટકો પડ્યો હતો કારણ કે મહિલા વ્યક્તિગત કમ્પાઉન્ડ ચેમ્પિયન જ્યોતિ સુરેખા ક્વાર્ટર ફાઇનલમાંથી બહાર થઈ ગઈ હતી. મનુ ભાકર 25 મીટર મહિલા પિસ્તોલ ઇવેન્ટમાં ટીમ અથવા વ્યક્તિગત શ્રેણીમાં સારું પ્રદર્શન કરવામાં નિષ્ફળ જવાને કારણે મેડલ વિના ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે.