Mon Oct 05 2026

Logo

ભારતને તીરંદાજીમાં વધુ એક ગોલ્ડ, હારના મુખમાંથી બહાર આવી આવી સાહિલ-ચિકિતાએ જીત્યો ગોલ્ડ

2026-09-30 12:47:00
Author: Mumbai Samachar Team
ભારતને તીરંદાજીમાં વધુ એક ગોલ્ડ, હારના મુખમાંથી બહાર આવી આવી સાહિલ-ચિકિતાએ જીત્યો ગોલ્ડ

 

ભારતે તીરંદાજીમાં વધુ એક ગોલ્ડ મેડલ જીતી લીધો છે. સાહિલ જાધવ અને ચિકિતા તાનીપાર્થીએ તીરંદાજીની કમ્પાઉન્ડ મિક્સ્ડ ટીમ ઈવેન્ટમાં શૂટ-ઓફ સુધી ચાલેલા રોમાંચક મુકાબલામાં દક્ષિણ કોરિયાને હરાવીને ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો છે. આ 2026 એશિયન ગેમ્સમાં ભારતનો સુવર્ણ ચંદ્રક છે. ચારેય સેટ પૂરા થવા સુધી બંને ટીમો 157-157થી બરાબરી પર હતી, પરંતુ શૂટ-ઓફમાં ભારતે 20-19થી જીત મેળવીને કમાલ કરી બતાવી.

પ્રથમ 2 સેટ પછી ભારતે 80-78ની લીડ મેળવી લીધી હતી, પરંતુ ત્રીજા સેટમાં ભારતની લીડ ઘટીને માત્ર એક પોઈન્ટની રહી ગઈ, જેથી કુલ સ્કોર 118-117 પર આવી ગયો. છેલ્લા સેટમાં કોરિયાએ પરફેક્ટ 20નો સ્કોર કર્યો, જેના કારણે સાહિલ અને ચિકિતા પર દબાણ આવી ગયું. દબાણ હેઠળ ચિકિતા 9નો સ્કોર જ કરી શકી. ભારત હારની અણીએ હતું, કારણ કે જો સાહિલે છેલ્લા શૉટમાં 10નો સ્કોર ન કર્યો હોત, તો તેમણે સિલ્વર મેડલથી જ સંતોષ માનવો પડત.

સાહિલ જાધવે નિરાશ ન કર્યા અને છેલ્લા પ્રયાસમાં 10નો સ્કોર કર્યો, આ રીતે મુકાબલો 157-157થી બરાબરી પર આવી ગયો. આવી સ્થિતિમાં પરિણામ માટે શૂટ-ઓફનો સહારો લેવામાં આવ્યો, જ્યાં બંને ટીમોને 2-2 શૉટ મળ્યા. ભારત અને દક્ષિણ કોરિયા તરફથી પહેલો શૉટ 10 લાગ્યો. સાહિલે પણ 10નો સ્કોર કર્યો, પરંતુ દક્ષિણ કોરિયાની મહિલા ખેલાડીનો શૉટ મિડલ પોઈન્ટની વધુ નજીક હતો, જ્યારે ભારતીય ખેલાડીઓનો શૉટ મિડલ પોઈન્ટથી દૂર હતો.

આવી સ્થિતિમાં સૌની નજર દક્ષિણ કોરિયાના પુરુષ ખેલાડી પર ટકેલી હતી. જો ચોઈ 10નો સ્કોર પણ કરી લેત તો ગોલ્ડ મેડલ તેમના નામે થઈ જાત, પરંતુ દબાણ હેઠળ તેઓ 9નો સ્કોર જ કરી શક્યા. આ રીતે હારના મુખમાંથી બહાર આવીને સાહિલ અને ચિકિતાએ એશિયન ગેમ્સમાં ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો.

જો શૂટ-ઓફમાં બંને ટીમોનો સ્કોર સરખો રહે, તો નિર્ણય મિડલ પોઈન્ટના આધારે કરવામાં આવે છે. જેણે મિડલ પોઈન્ટની સૌથી નજીક શૉટ માર્યો હોય, તેને વિજેતા જાહેર કરવામાં આવે છે.