Fri Apr 17 2026

Logo

રેલવે પરિસરમાં રોકડ રકમના ખોટા નિયમો જણાવી પૈસા ખંખેરતી ગેંગના બે ઝડપાયા

2026-03-11 20:12:18
Author: Pooja Shah
Article Image

અમદાવાદઃ અમદાવાદ રેલવે પ્રોટેક્શન ફોર્સ દ્વારા બે શખ્શને ઝડપી પાડ્યા હતા, જે મુસાફરોને રેલવેના રોકડ રકમ અંગેના ખોટા નિયમો જણાવી છેતરતા હતા. પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે આપેલી માહિતી અનુસાર આરપીએફએ અમદાવાદ રેલવે સ્ટેશન પર મુસાફરો સાથે ઠગાઈ કરનાર એક આંતરરાજ્ય ગેંગના બે સક્રિય સભ્યોને પકડીને આગળની કાર્યવાહી માટે જીઆરપી  અમદાવાદને સોંપ્યા છે. 

 બે મુસાફરોએ આરપીએફ પોસ્ટ અમદાવાદ ખાતે ફરિયાદ નોંધાવી હતી કે કેટલાક અજાણ્યા લોકોએ રેલવે પરિસરમાં રોકડ રકમ સાથે ફરવું પ્રતિબંધિત છે અને તેને રેલવે કાર્ડમાં જમા કરાવવી જરૂરી છે, તેમ કહી છેતર્યા હતા.  આ બહાને પ્રથમ ઘટનામાં એક મુસાફર પાસેથી ₹12,000 રોકડ અને એક મોબાઇલ ફોન ઠગાઈ કરીને લઈ લેવામાં આવ્યા, જ્યારે બીજી ઘટનામાં અન્ય એક મુસાફર પાસેથી ₹3,000 રોકડ, મોબાઇલ ફોન તેમજ તેના બેંક ખાતામાંથી અંદાજે ₹1,00,000ની છેતરપિંડી કરવામાં આવી.

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને એક વિશેષ ટીમ (CPDS)ની રચના કરવામાં આવી હતી. ટીમ દ્વારા સ્ટેશન પરિસરના સીસીટીવી ફૂટેજની વિગતવાર તપાસ દરમિયાન ચાર શંકાસ્પદ વ્યક્તિઓની ઓળખ કરવામાં આવી હતી, જેમની માહિતી ક્રાઇમ બ્રાંચ તથા જીઆરપી સાથે શેર કરવામાં આવી.

આરપીએફ ટીમ દ્વારા સ્ટેશન પરિસરમાં  શોધ અભિયાન હાથ ધરવામાં આવ્યું, જેમાં બે શંકાસ્પદને ઝડપી લેવામાં આવ્યા હતા. તેમની ઓળખ પરેશ કુમાર પટેલ (રહેવાસી સુરત) તથા કાઉડા (રહેવાસી ઉદયપુર) તરીકે થઈ હતી. પૂછપરછ દરમિયાન આરોપીઓએ સ્વીકાર્યું હતું કે તેઓ તેમના સાથી મિટ્ટુ સિંહ અને પ્રિન્સ સાથે મળીને અમદાવાદ, સાબરમતી, દિલ્હી, સિકંદરાબાદ, હૈદરાબાદ, જયપુર, ભોપાલ અને સુરત જેવા મોટા રેલવે સ્ટેશનો પર ખાસ કરીને ઉત્તર પ્રદેશ અને બિહાર જતાં ઓછા શિક્ષિત મુસાફરોને નિશાન બનાવતા હતા.

બંને આરોપીઓ તેમના સાથીઓ સાથે રેલવે સ્ટેશનોના બુકિંગ હોલ, પ્લેટફોર્મ વગેરે સ્થળોએ ઉભા રહી મુસાફરો પર નજર રાખતા હતા અને ખાસ કરીને બિહાર તથા ઉત્તર પ્રદેશ જતાં ઓછા શિક્ષિત મજૂર વર્ગના મુસાફરોને નિશાન બનાવતા હતા.

તેઓ મુસાફરો સાથે તેમની ભાષામાં વાતચીત કરીને વિશ્વાસ જીતતા અને ખોટી માહિતી આપતા કે રેલવેમાં રોકડ કે મોબાઇલ રાખવું પ્રતિબંધિત છે, તેથી પૈસા અને મોબાઇલ જમા કરાવી કાર્ડ બનાવવું પડશે. ત્યારબાદ તેમનો એક સાથી નકલી ₹500ના કૂપન નોટ આપીને કાર્ડ બનાવવાનું નાટક કરતો, જેથી મુસાફરને વિશ્વાસ થઈ જાય. આ રીતે વિશ્વાસમાં લઈ તેઓ મુસાફરો પાસેથી રોકડ અને મોબાઇલ લઈને ફરાર થઈ જતા અને મોબાઇલ દ્વારા પૈસાની લેવડદેવડ પણ કરી લેતા હતા. 

પકડાયેલા આરોપીઓ પાસેથી ₹1,03,150 રોકડ, 04 મોબાઇલ ફોન, 02 બેગ તેમજ 84 નકલી કૂપન નોટો જપ્ત કરવામાં આવી હોવાનુ રેલવે મંડળે જણાવ્યું હતું.  પકડાયેલા આરોપીઓને આગળની કાર્યવાહી માટે જીઆરપી અમદાવાદને સોંપવામાં આવ્યા છે, જ્યાં તેમની સામે બીએનએસ ની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી તપાસ કરવામાં આવી રહી હોવાનું પણ મંડળે જણાવ્યું હતું.