Thu Oct 08 2026

Logo

ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, અમદાવાદમાં મોડી સાંજે ધોધમાર ઝાંપટા

2026-09-12 19:39:00
Author: Pooja Shah
ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, અમદાવાદમાં મોડી સાંજે ધોધમાર ઝાંપટા

Viral Rathod


અમદાવાદઃ ગુજરાતમાં 12થી 15 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદની આગાહી વચ્ચે અમદાવાદમાં મોડી સાંજે જોરદાર ઝાંપટા પડ્યા હતા. શહેરમાં આખો દિવસ વાદળછાયું વાતાવરણ રહ્યું હતું અને સખત બફારો અનુભવાતો હતો. સાંજે સાત વાગ્યા બાદ શહેરના ઘણા વિસ્તારોમાં ધોધમાર વરસાદી ઝાંપટાએ ગરમીથી મુક્તિ આશા જગાવી છે. 

સૌરાષ્ટ્રના અમુક ભાગોમાં બે દિવસથી ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે. શનિવારે સાંજ સુધીમાં કુલ 70 કરતા વધારે તાલુકામાં વરસાદ નોંધાયો હતો. પંચમહાલના મોરવા હડફમાં સૌથી વધુ 2.5 ઇંચ, ડાંગના સુબીરમાં 1.81 ઇંચ, ડાંગમાં 1.57 ઇંચ, દાહોદના લીમખેડામાં 1.46 ઇંચ, નર્મદાના સાગબારામાં 1.46 ઇંચ, છોટાઉદેપુરના કડવાલમાં 1.42 ઇંચ, છોટા ઉદેપુરના પાવી જેતપુરમાં 1.18 ઇંચ, સાંખેડામાં 1.3 ઇંચ, પંચમહાલના હાલોલમાં 1.1 ઇંચ વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત તાપી, અરવલ્લી, મહીસાગર, વડોદરા જિલ્લામાં પણ વરસાદ વરસ્યો હતો. આ સાથે સૌરાષ્ટ્રના ગીર સોમનાથમાં પણ વરસાદ વરસ્યો હતો. 

આ ઉપરાંત હવામાન વિભાગની આગાહી અનુસાર 13 સપ્ટેમ્બરના રોજ ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી માટે ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.  દરમિયાન, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત અને તાપીમાં યલો એલર્ટ રહેશે; રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને બોટાદના સૌરાષ્ટ્રના જિલ્લાઓ અને દીવમાં પણ નોંધપાત્ર વરસાદની આગાહી કરવામાં આવી છે. આ જ રીતે 14મી સપ્ટેમ્બરે પણ મોટાભાગના જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. જયારે 15મી સપ્ટેમ્બરે સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, પોરબંદર, દ્વારકા, જૂનાગઢમાં સારા વરસાદની શક્યતા છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતના ઘણા જિલ્લાઓમાં વરસાદની સારી એવી ઘટ છે અને પીવાના તેમ જ સિંચાઈના પાણી માટે સારા વરસાની તાતી જરૂર છે. સૌરાષ્ટ્રના ઘણા જિલ્લાઓ, જ્યારે સમગ્ર કચ્છ અને ઉત્તર તેમ જ મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં સારા વરસાદની જરૂર છે ત્યારે આગામી બે ત્રણ દિવસમાં સારા વરસાદની આશા ખેડૂતો સહિત સામાન્ય નાગરિકોમાં જાગી છે.