મુંબઈ: મહારાષ્ટ્રમાં છેલ્લા કેટલાંક વર્ષોથી રાષ્ટ્રપતિ મેડલ એનાયત થવા છતાં મેડલની પ્રતીક્ષા કરી રહેલા પોલીસ કર્મચારીઓને આખરે રાહત મળી છે. મહારાષ્ટ્રના રાજ્યપાલ જિષ્ણુ દેવ વર્માએ શુક્રવારે લોકભવન ખાતે યોજાયેલા સમારોહમાં વર્ષ 2022 થી 2024 દરમિયાન મેડલ માટે પસંદ કરાયેલા 103 પોલીસ કર્મચારીઓને મેડલ એનાયત કર્યા હતા.
લોકભવનના પ્રાંગણમાં યોજાયેલા આ સમારોહમાં ગૃહ રાજ્યપ્રધાન (ગ્રામીણ) ડૉ. પંકજ ભોયર, ગૃહ વિભાગનાં અધિક મુખ્ય સચિવ મનીષા મ્હૈસકર અને રાજ્યના પોલીસ મહાનિર્દેશક સદાનંદ દાતે ઉપસ્થિત રહ્યા હતા. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ નામ જાહેર ન કરવાની શરતે જણાવ્યું હતું કે અગાઉ પણ જાણ કરવામાં આવી હતી કે વરસાદની ઋતુ પૂરી થયા બાદ મેડલ વિતરણ સમારોહ યોજવામાં આવશે, કારણ કે લોકભવનના ખુલ્લા મેદાનમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે.
શુક્રવારે મેડલ મેળવનાર 103 પોલીસ કર્મચારીઓમાં બેને રાષ્ટ્રપતિ પોલીસ શૌર્ય મેડલ, 18 ને શૌર્ય મેડલ, ત્રણને વિશિષ્ટ સેવા માટે રાષ્ટ્રપતિ પોલીસ મેડલ, ચારને વિશિષ્ટ સેવા મેડલ, 40 ને પોલીસ મેડલ અને 36 ને પ્રશંસનીય સેવા મેડલ એનાયત કરવામાં આવ્યા હતા.
https://t.co/eDngPRSnTN
— Jishnu Dev Varma (@Jishnu_Devvarma) October 9, 2026
મેડલ મેળવનારા અગ્રણી અધિકારીઓમાં મીરા-ભાઈંદર, વસઈ-વિરારના પોલીસ કમિશનર નિકેત કૌશિક, પિંપરી-ચિંચવડના પોલીસ કમિશનર વિનય કુમાર ચૌબે, ટ્રાફિક વિભાગના અધિક પોલીસ મહાનિર્દેશક પ્રવીણ સાળુંખે, વહીવટ વિભાગના અધિક પોલીસ મહાનિર્દેશક મધુકર પાંડે, વીઆઈપી સુરક્ષાના પોલીસ મહાનિરીક્ષક પ્રવીણ કુમાર પડવળ અને તાલીમ તથા વિશેષ એકમોના પોલીસ મહાનિરીક્ષક નિશિથ મિશ્રાનો સમાવેશ થાય છે.
નિયમ મુજબ દર વર્ષે પ્રજાસત્તાક દિવસ અને સ્વતંત્રતા દિવસની પૂર્વસંધ્યાએ રાષ્ટ્રપતિ પોલીસ, અગ્નિશમન સેવા, હોમગાર્ડ અને સુધારાત્મક સેવાઓના કર્મચારીઓ માટે સેવા મેડલ તેમજ સશસ્ત્ર દળો અને કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો માટે શૌર્ય મેડલ મંજૂર કરે છે. શૌર્ય મેડલ રાષ્ટ્રપતિ દ્વારા ઔપચારિક રીતે એનાયત કરવામાં આવે છે, જ્યારે સેવા મેડલ સંબંધિત રાજ્યોના રાજ્યપાલો દ્વારા આપવામાં આવે છે.
મહારાષ્ટ્રમાં પોલીસ કર્મચારીઓને છેલ્લે વર્ષ 2022 માં સેવા મેડલ એનાયત કરવામાં આવ્યા હતા. ત્યારબાદથી કુલ 298 પોલીસ કર્મચારીઓને મેડલ માટે પસંદ કરવામાં આવ્યા છે. તેમાં ઓગસ્ટ 2023માં 43, જાન્યુઆરી 2024માં 44, ઓગસ્ટ 2024માં 42, જાન્યુઆરી 2025માં 43, ઓગસ્ટ 2025માં 42, જાન્યુઆરી 2026 માં 44 અને આ વર્ષે સ્વતંત્રતા દિવસની પૂર્વસંધ્યાએ 40 પોલીસ કર્મચારીઓનો સમાવેશ થાય છે.
શુક્રવારે 103 પોલીસ કર્મચારીઓને મેડલ એનાયત થયા હોવા છતાં વર્ષ 2024 થી 2026 દરમિયાન મેડલ માટે પસંદ કરાયેલા આશરે અડધા કર્મચારીઓને હજુ સુધી મેડલ મળવાના બાકી છે. આથી, મેડલની લાંબી પ્રતીક્ષા બાદ પણ વિતરણ પ્રક્રિયા સંપૂર્ણપણે પૂર્ણ થઈ નથી.