Thu Oct 08 2026

Logo

અમદાવાદની મોટી સ્કૂલને અને ગાંધીનગર કોર્ટને બોંબથી ઉડાવી દેવાની ધમકી! પોલીસ ટીમ અને બોંબ સ્કવોડે શરૂ કર્યું સર્ચ

2026-09-10 11:51:00
Author: Mumbai Samachar Team
અમદાવાદની મોટી સ્કૂલને અને ગાંધીનગર કોર્ટને બોંબથી ઉડાવી દેવાની ધમકી! પોલીસ ટીમ અને બોંબ સ્કવોડે શરૂ કર્યું સર્ચ

અમદાવાદઃ અમદાવાદ શહેરમાં ફરી એકવાર સ્કૂલને અને કોર્ટને બોંબથી ઉડાવી દેવાની ધમકી આપતો ઈ-મેઈલ મળ્યો છે. સ્કૂલના ઈ મેઈલ આઈડી પર મેઈલ આવતા પોલીસ અને બોંબ ડિસ્પોઝલ સ્ક્વોડ યુદ્ધના ધોરણે ઘટના સ્થળ સુધી પહોંચી ગઈ હતી. અમદાવાદની મોટી સ્કૂલમાં બોંબની ધમકી મળતા સ્કૂલ ખાલી કરી દેવામાં આવી હતી. વેજલપુર વિસ્તારમાં આવેલી ઝાયડસ, બોપલ વિસ્તારમાં આવેલી ડીપીએસ સ્કૂલને, થલતેજની ઉદગમ સ્કૂલને ઈ-મેઈલ મળ્યો હતો. જેમાં બોંબની ધમકી દેવામાં આવી હતી. સુરક્ષાને ધ્યાનમાં રાખીને સમગ્ર સ્કૂલ અને સ્કૂલ પરિસર ખાલી કરાવી દેવાયું હતું. વિદ્યાર્થીઓને સુરક્ષિત રીતે ક્લાસરૂમ-લેબમાંથી બાહર બોલાવી લેવામાં આવ્યા હતા. બીજી તરફ ગાંધીનગર કોર્ટના ઈમેઈલમાં પણ બોંબની ધમકીનો મેઈલ આવતા કોર્ટ પરિસર ખાલી કરાવી દેવાયું હતું. 

વિદ્યાર્થીઓને રજા આપી દેવાઈ
પોલીસે કોર્ટ પરિસરમાં બોંબ સ્ક્વોડ સાથે સર્ચ શરૂ કર્યું હતું. સ્કૂલમાંથી વિદ્યાર્થીઓને તાત્કાલિક ધોરણે રજા આપી દેવામાં આવી હતી. જે વિદ્યાર્થીઓના વાલી એમને લેવા-મૂકવા માટે આવે છે એમને ફોન-કોલથી જાણ કરીને વિદ્યાર્થીઓને લઈ જવા માટે જાણ કરવામાં આવી હતી. ધમકીનો મેસેજ મળતાની સાથે જ પોલીસ ટીમ અને બોંબ સ્કોવોડ ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. સ્કૂલના પરિસરમાં તથા ક્લાસરૂમમાં તપાસ શરૂ કરવામાં આવી હતી. ઝાયડસ અને ડીપીએસ સ્કૂલમાં બોંબની ધમકી મળતા જ પોલીસ ટીમે તપાસ શરૂ કરી દીધી હતી. લેબથી લઈ ક્લાસરૂમ સુધી તપાસ કરવામાં આવી હતી. આ સાથે જ સ્કૂલના ધાબા અને લેબમાં પણ તપાસ કરાઈ હતી. વારંવાર આવતી આવી ધમકીના પગલે વિદ્યાર્થીઓ અને વાલીમાં ભય ફેલાઈ રહ્યો છે. બીજી તરફ ગાંધીનગર કોર્ટમાં પણ કર્મચારીઓને થોડા સમય માટે પરિસર ખાલી કરવા સૂચના આપી દેવામાં આવી હતી. 

DEO શાળા સંચાલકોને કરી અપીલ
ગાંધીનગર કોર્ટમાં ધમકી આપતો ઈમેઈલ મળતા પરિસર ખાલી કરાવી દેવામાં આવ્યું હતું. ગાંધીનગર પોલીસ ટીમ અને બોંબ સ્ક્વોડ ટીમે પરિસરના દરેક ખૂણામાં તપાસ કરી હતી. આખરે સ્કૂલ અને કોર્ટ પરિસરમાંથી કોઈ જ શંકાસ્પદ વસ્તુ ન મળતા તંત્રએ અને લોકો રાહતના શ્વાસ લીધા હતા. અમદાવાદ ફાયર બ્રિગેડ કંટ્રોલરૂમમાં પણ બોમ્બ થ્રેટ અંગેનો મેસેજ મળતા પ્રહલાદનગર ફાયર સ્ટેશનની ગાડીઓ પણ સ્થળ પર ઉપર પહોંચી હતી. આ સમગ્ર મામલે અમદાવાદ DEO રોહિત ચૌધરીએ જણાવ્યું હતું કે, તમામ સ્કૂલમાં તપાસના આદેશ આપવામાં આવ્યા છે. જે સ્કૂલમાં ધમકીનો ઈમેઈલ આવ્યો હતો એ સ્કૂલે પણ પોલીસને જાણ કરી હતી. હવેથી આવું થાય તો જે પણ સ્કૂલમાં ઈમેઈલ આવ્યો હોય તે સ્કૂલના સંચાલકે પોલીસને જાણ કરવાની રહેશે. શાળાઓએ પણ પોલીસને તપાસમાં સહાકર આપવાનો રહેશે. ઝાયડસ સ્કૂલ પર પોલીસની કાર અને ફાયર વિભાગની ટીમનો કાફલો પહોંચી ગયો હતો.