મુંબઈઃ ભારતીય સિનેમામાં પોતાના બુલંદ અવાજ અને દમદાર અભિનયથી અનોખી છાપ છોડનાર દિગ્ગજ અભિનેતા નાના પાટેકરને રંગમંચથી લઈને સિલ્વર સ્ક્રીન સુધી પહોંચાડવામાં અનેક લોકોનો હાથ રહ્યો છે. પરંતુ તેમની કરિયરના બે સૌથી મોટા ટર્નિંગ પોઈન્ટ પાછળ બે ગુજરાતી ડિરેક્ટર્સ મેહુલ કુમાર અને અનીસ બાઝમીની પારખુ નજર રહેલી છે. શું તમને ખબર છે કે, નાના પાટેકરે મેહુલ કુમાર અને અનીસ બાઝમી સાથે કેટલી ફિલ્મોમાં કામ કર્યું છે? ચાલો વિગતે જાણીએ..
જ્યાં એક ગુજરાતી ડિરેક્ટરે તેમને 'એંગ્રી યંગ મેન' અને દેશભક્ત તરીકે પ્રસ્થાપિત કરી નેશનલ એવોર્ડ અપાવ્યો, તો બીજા ગુજરાતી ડિરેક્ટરે એક ગંભીર કલાકારમાંથી તેમને બોક્સ ઓફિસના 'કોમેડી કિંગ' બનાવી દીધા હતાં. અત્યારે પણ આમની ફિલ્મોની બોલિવુડની બેસ્ટ ફિલ્મોમાં ગણના થાય છે. નાના પાટેકર ખૂબ જ ઉમદા અભિનેતા હતા.
મેહુલ કુમારે નાના પાટેકરને બનાવ્યા 'ક્રાંતિવીર' અને સુપરસ્ટાર
ગુજરાતના જામનગરમાં જન્મેલા અને ગુજરાતી સિનેમાથી પોતાની સફર શરૂ કરનાર પ્રખ્યાત નિર્દેશક મેહુલ કુમારે (Mehul Kumar) 90ના દાયકામાં નાના પાટેકરની કરિયરને એક નવી ઊંચાઈ આપી હતી. 1992માં રિલીઝ થયેલી ફિલ્મ 'તિરંગા' તો બધાને યાદ હશે. તેના ડાયલોગ આજે પણ લોકોને કંઠસ્થ હશે. તે સમયે નાના પાટેકર એક આર્ટ સિનેમા અને ગંભીર અભિનેતા તરીકે ઓળખાતા હતા. મેહુલ કુમારે એક મોટું જોખમ લઈને રાજ કુમાર સાથે નાના પાટેકરને ઇન્સ્પેક્ટર શિવાજીરાવ વાગલેના રોલમાં કાસ્ટ કર્યા. આ જોડી અને નાના પાટેકરના કડક ડાયલોગ્સે થિયેટરોમાં ધૂમ મચાવી દીધી.
મેહુલ કુમારના નિર્દેશનમાં બનેલી અને 1994માં રિલીઝ થયેલી 'ક્રાંતિવીર' ફિલ્મે નાના પાટેકરને રાતોરાત દેશના ઘરમાં જાણીતા બનાવી દીધા. ફિલ્મના 'પ્રતાપ નારાયણ તિલક'ના પાત્ર માટે તેમને 'શ્રેષ્ઠ અભિનેતાનો નેશનલ એવોર્ડ' અને 'ફિલ્મફેર એવોર્ડ' મળ્યો હતો. ‘આ હિન્દુનું લોહી, આ મુસ્લિમનું લોહી... બતાવ આમાંથી કયું હિન્દુનું છે ને કયું મુસ્લિમનું?’ ક્રાંતિવીર ફિલ્મનો આ સંવાદ આજે પણ લોકોને કંઠસ્થ છે. આ ઉપરાંત મેહુલ કુમારે 2009માં 'કોહરામ' ફિલ્મમાં અમિતાભ બચ્ચન અને નાના પાટેકરને સાથે લાવીને ફરી એકવાર બોક્સ ઓફિસ પર ધમાકો કર્યો હતો.
ગંભીર અભિનેતામાંથી બનાવ્યા કલ્ટ કોમેડી આઇકોન 'ઉદય શેટ્ટી'
ગુજરાતના મોડાસામાં જન્મેલા અને બોલીવુડના ટોચના લેખક-નિરદેશક અનીસ બાઝમીએ (Anees Bazmee) વર્ષ 2007માં નાના પાટેકરની એક સાવ અલગ જ ઇમેજ પ્રેક્ષકો સામે રજૂ કરી હતી. નાના પાટેકરને લોકો માત્ર ગંભીર, ગુસ્સાવાળા કે દેશભક્તિના રોલમાં જ જોતા આવ્યા હતા. પરંતુ અનીસ બાઝમીએ તેમની અંદર રહેલા કોમિક ટાઇમિંગને ઓળખ્યો અને 2007માં આલેલી ‘વેલકમ’ ફિલ્મમાં નાના પાટેકરને ડન 'ઉદય શેટ્ટી' ના રોલમાં કાસ્ટ કર્યા હતાં. તે પછી તો ‘વેલકમ’ અને ત્યારબાદ ‘વેલકમ બેક’ (2015) માં અનિલ કપૂર (મજનું ભાઈ) સાથે નાના પાટેકરની જોડીએ ઇતિહાસ રચી દીધો. ‘ભગવાન કા દિયા સબ કુછ હૈ... દૌલત હૈ, શોહરત હૈ, ઈજ્જત હૈ...’ અને ‘કંટ્રોલ મજનું કંટ્રોલ!’ જેવા સંવાદો આજે પણ સોશિયલ મીડિયા પર કલ્ટ મીમ્સ તરીકે ભારે લોકપ્રિય છે.