અમદાવાદઃ અમદાવાદમાં 8 વર્ષના છોકરાએ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. માત્ર 1 મિનિટમાં 156 પ્લેન્ક જૅક્સ કર્યા હતા. 8 વર્ષના છોકરાની નોંધ ‘વર્લ્ડ રેકોર્ડ્સ ઈન્ડિયા’ દ્વારા લેવામાં આવી છે.
અમદાવાદની એક જાણીતી સ્કૂલમાં ધોરણ-2માં ભણતા 8 વર્ષના જયબીર સિંઘ ગુરુદત્તે 1 મિનિટમાં 156 પ્લેન્ક જૅક્સ કરીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. તેની આ સિદ્ધિને ‘વર્લ્ડ રેકોર્ડ્સ ઈન્ડિયા’ દ્વારા માન્યતા મળી હતી. જયબીર 7 વર્ષની ઉંમરથી જ આ અંગેની તાલીમ લેતો હતો. આ રેકોર્ડ બનાવવા માટે તે દરરોજ બે કલાક આકરી મહેનત કરતો હતો. તે સવારે શરીરની તાકાત, સ્ટેમિના અને ફ્લેક્સિબિલિટી વધારવાની કસરતો કરતો હતો. જ્યારે સાંજે માર્શલ આર્ટ્સ, પંચિંગ અને કિકિંગની તાલીમ લેતો હતો. તે કસરતની સાથે પ્રોટીનયુક્ત અને પૌષ્ટિક ખોરાક પણ લે છે. જયબીરનું મોટું સપનું ભવિષ્યમાં ઓલિમ્પિક્સ, કોમનવેલ્થ અને એશિયન ગેમ્સ જેવી મોટી સ્પર્ધાઓમાં ભારત તરફથી રમીને દેશ માટે મેડલ જીતવાનું છે.

પ્લેન્ક જૅક્સ જેવી કસરતમાં શ્વાસ પર કાબૂ, શરીરનું સંતુલન અને યોગ્ય તકનીક સૌથી મહત્વની બાબત છે. કોચના જણાવ્યા મુજબ, જયબીરે આ માટે ખૂબ લગનથી તૈયારી કરી છે. તાલીમની સાથે તેના શારીરિક વિકાસ અને રમતગમતના પ્રદર્શનને ધ્યાનમાં રાખીને તેને પ્રોટીનયુક્ત અને સંપૂર્ણ સંતુલિત આહાર પણ આપવામાં આવે છે.
પોતાની આ સફળતાથી જયબીર ખૂબ ખુશ છે અને તે અહીં અટકવા માંગતો નથી. તેનું અંતિમ લક્ષ્ય ઓલિમ્પિક્સ, કોમનવેલ્થ ગેમ્સ અને એશિયન ગેમ્સ જેવી વિશ્વસ્તરીય સ્પર્ધાઓમાં ભારત દેશનું પ્રતિનિધિત્વ કરીને દેશ માટે ગોલ્ડ મેડલ જીતવાનું છે.