Mon Oct 05 2026

Logo

પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝને માલ પરિવહનમાં રચ્યો નવો વિક્રમ, ગાંધીધામથી 95 લોંગ હોલ ટ્રેનો દોડાવી

2026-10-02 15:35:50
Author: Chandrakant Kanoja
પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝને માલ પરિવહનમાં રચ્યો નવો વિક્રમ, ગાંધીધામથી 95 લોંગ હોલ ટ્રેનો દોડાવી

ભુજ: પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે માલ પરિવહન ક્ષેત્રે પોતાની ઉત્કૃષ્ટ કામગીરીનું પુનરાવર્તન કરતાં સપ્ટેમ્બર માસ દરમિયાન રૂ. 636.18 કરોડની વિક્રમજનક આવક મેળવી પોતાના જૂના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. કંડલા અને મુંદરા જેવા બે મોટા આંતરરાષ્ટ્રીય બંદરો ધરાવતા કચ્છ જિલ્લાના ગાંધીધામ ક્ષેત્રે આ અભૂતપૂર્વ સફળતામાં સિંહફાળો આપ્યો છે.

સત્તાવાર વિગતો અનુસાર, સપ્ટેમ્બર માસમાં સમગ્ર ડિવિઝનમાંથી કુલ ૧૧૮ લોંગ હોલ ટ્રેનો દોડાવવામાં આવી હતી, જે ગત વર્ષના સમાન સમયગાળાની 78 ટ્રેનોની સરખામણીએ 51.28  ટકાની જંગી વૃદ્ધિ દર્શાવે છે.

95 લોંગ હોલ ટ્રેનો માત્ર ગાંધીધામ વિસ્તારમાંથી જ સંચાલિત કરાઈ 

આ પૈકીની 95 લોંગ હોલ ટ્રેનો માત્ર ગાંધીધામ વિસ્તારમાંથી જ સંચાલિત કરાઈ હતી. આ ઉપરાંત, ડિવિઝને સિંગલ ડે લોડિંગમાં 899  વેગનનો સર્વોચ્ચ આંકડો નોંધાવ્યો હતો. જેમાં ગાંધીધામ વિસ્તારમાંથી ૬૩ રેક (2789 વેગન) અને અમદાવાદ વિસ્તારમાંથી 27 રેક (1110 વેગન)નું લોડિંગ થયું હતું.

મીઠું અને ઔદ્યોગિક મીઠામાં 7.97 ટકાની વૃદ્ધિ

જ્યારે વિવિધ ચીજવસ્તુઓના પરિવહનમાં ખાતરના લોડિંગે નવી ઊંચાઈ હાંસલ કરી છે. ખાતરમાં 61.19 ટકાના વધારા સાથે દૈનિક સરેરાશ 698.23  વેગનનું લોડિંગ નોંધાયું હતું. આ સાથે મીઠું અને ઔદ્યોગિક મીઠામાં 7.97 ટકાની વૃદ્ધિ સાથે પ્રતિદિન 304.03  વેગન, ઓટોમોબાઇલમાં 5.03  ટકા વૃદ્ધિ સાથે દૈનિક 117.37  વેગન, અન્ય ચીજવસ્તુઓમાં 47.77  ટકાના વધારા સાથે 136.20 વેગન તથા કોલસા ક્ષેત્રે દૈનિક સરેરાશ 76.97  વેગનનું માલ પરિવહન થયું હતું.

મહારાષ્ટ્રના મિરજ માટે પ્રથમ કન્ટેનર રેકનું સફળતાપૂર્વક લોડિંગ 

ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને નવીન પહેલ ક્ષેત્રે પણ રેલવેને નવી સફળતા સાંપડી છે. ભચાઉ તાલુકાના શિવલખા સ્થિત ગતિશક્તિ કાર્ગો ટર્મિનલ પરથી કેએમટી એન્જિનિયરિંગ પ્રા.લિ. દ્વારા મહારાષ્ટ્રના મિરજ માટે પ્રથમ કન્ટેનર રેકનું સફળતાપૂર્વક લોડિંગ કરાયું હતું. 8 સપ્ટેમ્બરે રવાના થયેલી આ રેકથી રેલવે તંત્રને રૂ. 32.32 લાખની આવક થઈ હતી.

સામખિયાળી ખાતે નવું સીએમએસ કિયોસ્ક પણ કાર્યરત

તેમજ કર્મચારીઓ અને સંચાલનની સુગમતા વધારવા માટે 23 સપ્ટેમ્બરના રોજ સામખિયાળી ખાતે નવું સીએમએસ કિયોસ્ક પણ કાર્યરત કરવામાં આવ્યું છે. ગાંધીધામ અને અમદાવાદના સુદ્રઢ સમન્વયથી અમદાવાદ ડિવિઝને માલવાહક ક્ષમતામાં એક નવો સીમાચિહ્ન પ્રસ્થાપિત કર્યો છે.

(ઉત્સવ વૈધ)