ઔર યે મૌસમ હંસીં... - દેવલ શાસ્ત્રી
એક સમય બધાને યાદ હશે, વેકેશન પડતું એટલે મોસાળ કે વતનમાં ગામડે રહેવા જતા. થોડા સમય પહેલા હું ગામડે ગયો હતો. મારો હેતુ હતો કે જે ગામોમાં બધા મામા અથવા કાકાઓ હોય એ ગમતા ગામની હાલત આજે કેવી છે એ જોઉં તો ખરો...
આધુનિક યુગમાં શહેરોમાં પ્રદૂષણ, ટ્રાફિક અને અશાંતિ છે, ચોવીસ કલાક ઇન્ડસ્ટ્રી અને વિકાસની વાતો વચ્ચે જમીનમાંથી નીકળતું પાણી લાલ કલરનું પ્રદૂષિત થવા લાગ્યું છે. ગામડાની સ્વચ્છ હવાપાણી અમૂલ્ય વરદાન જેવા લાગ્યા. હવા અને પાણી કરતાં એ ધરતીની માટીને સ્પર્શવું વધુ ગમ્યું. વર્ષો પછી હાથમાં ઢેફું લઈને વહાલ કર્યું. થોડા દિવસ અગાઉ કોઈ સ્વામીજી માટી બચાવો આંદોલન કરી રહ્યા હતા એ માટી હાથમાં લીધી ત્યારે એનું મહત્ત્વ સમજાયું.
હજુ કળાના નામ પર જે કંઈ કારીગરી બચી છે એ માટલા, ઘડા, કૂંડા કે દીવડા બનાવવામાં જોવા મળી છે એ જોઈને ગમ્યું. હજુ થોડું ઘણું સચવાયેલું છે એની ખુશી થઇ. હા, નજર સામે બનેલા ઘડામાં પાણી વધુ સમય ઠંડું રહેતું હોય એવી લાગણી થઇ કદાચ પાણી કરતાં માટલામાં મને વધુ મીઠાશ હોય એવી અનુભૂતિ થઇ. જોકે આ કળા પણ હવે ખતમ થઇ રહી છે.
અને હા, પાણીની ઠંડક વચ્ચે ગામનું સૌંદર્યને વધારનારા હતા દેશી વૃક્ષો. આમલી, લીમડો, પીપળો અને વડ... આ બધાંં વૃક્ષો ગામના ખભે ઊભાં રહીને પેઢીઓથી છાયા અને આશ્રય આપે છે. ઉનાળાની તપતી બપોરે જ્યારે સૂર્યકિરણો આગ વરસાવતા હોય ત્યારે આ વૃક્ષોની છાયામાં બેસવાની મજા અલગ હતી. ઘરના વડવાઓ સાથે બપોરે કોઈ ઝાડ નીચે ખાટલા પર બેઠા હોય એવું યાદ આવે છે? લીમડાના પાંદડાની તાજી સુગંધ, આમલીના પાકેલા ફળની મજા અને પીપળા કે વડની વિશાળ છાયા આશ્રમમાં બેઠા હોય એવું લાગતું, હકીકત એ છે કે છેલ્લા દાયકાની અસહ્ય ગરમીમાં આ મોજ ગાયબ થવા લાગી છે.
હા, એક આટો માર્યો, તળાવકિનારે. તળાવ કિનારા પર ઊભા રહીને દૂર સુધી પથ્થર નાખવો. તળાવના કિનારે ઊભા રહો તો હજુ પણ ઠંડો અને ભીનો પવન ચહેરા પર વહી જાય છે, એરક્ધડીશન્ડ હવા કરતાં વધુ મીઠડો અને તાજગીભર્યો હતો. સમસ્યા એ જોવા મળી કે હવે દિવસમાં તળાવ કિનારે કોઈ જોવા મળતું નથી. ઘણાખરા ઘરોમાં એસીની હવા છે. હા, એવા પણ ઘર છે જ્યાં છાપરા પર તાડપત્રીનો સહારો છે.
એ ઘર સમય સાથે આગળ વધ્યા નથી પણ ત્યાં જ ઊભા છે જ્યાં એમને દાયકાઓ પહેલા છોડ્યા હતા.
વેકેશનમાં તળાવ કિનારે એકાદ કલાક બેસીને એ સ્મરણો અને વડીલોને યાદ કરવા જેવા છે. તળાવકિનારા પર ગામના દેવીની સ્થાપના હોય, કદાચ નવી પેઢીને ખબર નહીં હોય. દરેક ગામમાં ગ્રામ્યદેવી હોય, મોટેભાગે ગામના પ્રવેશ પર હોય અથવા તળાવકિનારા પર નાનકડી દેરી હોય. હા, આજે પણ મંદિરોના નાના- મોટા સ્થાપત્યો બચ્યા છે, પણ મોટાભાગના મંદિરો કે ધાર્મિક સ્થાનો પર પૂજાપાઠ કરવા માટે લાયક વ્યક્તિઓ પણ નથી રહી. સવારની આરતી અને ગીતો ફક્ત ફિલ્મોમાં જ બચ્યા છે. આરતી માટે પણ ભંડોળની ક્ષમતા મુજબ મશીનની વ્યવસ્થા થવા લાગી છે.
સવારના સમયે જ્યારે સૂર્યના પહેલા કિરણો ગામ પર પડે ત્યારે બળદગાડાના પૈડાંનો ઘરઘરાટ અને ખેડૂતોની હાક પાડવાનો અવાજ સંભળાતો હતો. સાંજ પડતાં ગાયો ઘરે પાછી ફરતી અને તેમની ગળામાં બંધાયેલી ઘંટડીઓનો મીઠો અવાજ ગામની ગલીઓમાં ફેલાઈ જતો. ગામમાં એક પવિત્ર વાતાવરણ ઊભું થતું. આ બધું ફક્ત સિનેમામાં જોવા મળે. આજે પણ અવાજોમાં ફરક છે. ફરક એટલો જ થયો છે કે એ મોબાઈલની રિંગટોન અને ટ્રેક્ટરની હોર્નમાં વટલાઈ ગયાં છે. આધુનિકતા આવી છે, પણ ગામડાઓએ આવકારી છે. ગાય અને ભેંસ લુપ્ત થવા લાગ્યા છે એ ચિંતાનો વિષય છે.
એકવાર કોલેજમાં ભણતા યુવાનોને ચરોતરમાં એક ગામની ડેરીમાં લઇ ગયો હતો, જ્યાં દૂધ જમા કરાવવા લોકો આવે. ફેટ મુજબ દરેકના ખાતામાં પૈસા આવે એવી ચર્ચા વચ્ચે મોટાભાગના આ યુવાનોને પહેલીવાર ખબર પડી કે દૂધ આ રીતે જમા કરાવવાનું હોય, એમને એવો જ ખ્યાલ હતો કે દૂધ ફેકટરીમાં બનતું હોય છે.
હા, ગામનું હૃદય હોય છે નાનકડું બસસ્ટેન્ડ. લગભગ એ જ હાલતમાં છે. સાદી, છતવાળી બેન્ચ, પાણીની ટાંકી અને ધૂળિયા રસ્તાની બાજુમાં આવેલું આ બસસ્ટેન્ડ ગામની આજેય લાગણીનું મથક છે. સવારથી જ હલચલ ચાલુ થાય પણ બપોર સુધી અહીં એક વડીલની ભજિયાની નાનકડી દુકાન વર્ષોથી ચાલે છે. વર્ષોથી આ જ જગ્યાએ બેસીને ગરમાગરમ ભજિયા તળે છે; કડક, મસાલેદાર અને સુગંધથી ભરપૂર તેમના હાથમાં જાદુ છે. એક પ્લેટ ભજિયા સાથે ચાનો કપ ભલભલા તણાવને દૂર કરવા સક્ષમ છે. ખેડૂતો ખેતરેથી પાછા આવતાં સાઈકલ કે ટ્રેક્ટર પરથી ઊતરીને અહીં ઊભા રહી જાય છે. બહારગામથી આવતા અમારા જેવા વતની પણ ભજિયા માટે પેટમાં થોડી જગા રિઝર્વ રાખી મૂકે.
આ બસસ્ટેન્ડ પર માત્ર ભજિયા જ નહીં, લાગણીઓની પણ એક અલગ જ દુનિયા બનાવે છે. અહીં વર્ષોથી વડીલો બાંકડે કે ચોતરે બેસીને વેકેશનમાં પોતાના સ્વજનની રાહ જોતા હોય છે. કોઈના દીકરા-વહુ કે પછી દીકરી શહેરથી વેકેશન ગાળવા આવવાના હોય, તેમની આંખોમાં ઉત્સાહ અને અધીરાઈ છલકાતી દેખાતી હોય. જ્યારે બસ આવે અને તેમના પરિવારના સભ્યો ઊતરે ત્યારે તેમના ચહેરા પર જે ખુશી છવાઈ જાય છે, તે જોવા જેવી હોય છે. ઊભા થઈને આવ્યા? બાળકો ક્યાં છે? હવે બસમાં આવનારાની સંખ્યા ઘટવા લાગી છે.
નાની-નાની લાગણીઓ જ અમારા બસસ્ટેન્ડને જીવંત બનાવી દે છે. સાંજ પડતાં જ આ જ બસસ્ટેન્ડનો ચહેરો બદલાઈ જાય છે. ભજિયાની દુકાન સમેટાઈ જાય છે અને તેની જગ્યાએ એક આધુનિક, રંગબેરંગી મંચુરિયન અને નુડલ્સ સાથે ચાઇનીસ લારી આવીને ગોઠવાઈ
જાય છે.
ધ એન્ડ:
તમે જ્યાં છો ત્યાંથી શરૂઆત કરો, જે છે તેનો ઉપયોગ કરો અને જે કરી શકો છો એ જ કરો. (વિખ્યાત ટેનિસ ખેલાડી આર્થર એશ)