Mon Oct 05 2026

Logo

સન્ડે ધારાવાહિક: વ્હેંત છેટો મોતનો ઓછાયો - પ્રકરણ-32

2026-10-04 08:06:00
Author: Anil Rawal
સન્ડે ધારાવાહિક:  વ્હેંત છેટો મોતનો ઓછાયો - પ્રકરણ-32

 

 

 

ચૂપ રહીને સાંભળતા રહેવાથી સામેની વ્યક્તિનું મોં વધુ ખુલતું હોય છે 

 

- અનિલ રાવલ

 

‘કામ બતાઓ, ક્યા કરના હૈ....?’ ઝૈનાબને સાંભળીને અજમલ ખડખડાટ હસ્યો.

 

‘મુઝે પાગલ સમજ રખ્ખા હૈ કી તુમ પર ભરોસા કરું...’ અજમલે હાસ્ય રોકીને કહ્યું. ઝૈનાબ ચોંકી ઊઠી. એ કાઈ બોલી નહીં. આ એની વ્યૂહાત્મક પ્રતિક્રિયા હતી. ચૂપ રહીને સાંભળતાં રહેવાથી સામેની વ્યક્તિનું મોં વધુ ખૂલતું હોય છે. 

 

‘ભરોસા... ભરોસા બૈઠના ચાહિયે તુમ પર... યે કોઈ રબડી જિલેબી ખાને જૈસી બાત નહીં હૈ... ભરોસા દિલાઓ...’ અજમલ બોલ્યો.

 

‘સમંદર ભાઇજાન કો ભરોસા થા ઇસલિયે મુઝે ભેજા હૈ યહાં...’ ઝૈનાબ બોલી.          

 

‘તુમ્હારે ઉસી ભાઇજાનને મુઝે અભી ભરોસે કી બાત કી હૈ...’

 

‘ભરોસા દિલાને કે લિયે મૈં ક્યા કરું... મેરે અબ્બુ-અમ્મી આપ લોગોં કે લિયે કામ કરતે થે ક્યા ઇતના કાફી નહીં હૈ...? ઉન કી કુરબાની કાફી નહીં હૈ...? મૈં કુરબાની કે લિયે તૈયાર હું ઇતના કાફી નહીં હૈ?’ અવાચક બનીને અજમલ ઝૈનાબની આંખોમાં બદલાની આગ ખોજતો હતો... ઝૈનાબ હજી કાંઈ બોલે... એની આંખોમાં ખન્નસ ઊતરી આવે... એની બોલીમાંથી આગ ઝરે કદાચ એવું અજમલ ઇચ્છતો હતો.

 

‘જો તય હુઆ હૈ... વો ખતમ કરો ઔર નીકલો યહાં સે... વેસે ભી હમ અપને એક બંદે અનવરૂલ અઝીમ કો ખો ચુકે હૈ...’ સાંભળીને અજમલ હબક ખાઈ ગયો.

 

‘અનવરૂલ કે બારે મેં તુમ્હે કૈસે પતા ચલા...?’ અજમલે ઝૈનાબને લમણે રિવૉલ્વર તાકતાં પૂછ્યું...

 

ઝૈનાબે રિવૉલ્વર  હટાવતાં કહ્યું: ‘મૈં બહુત કૂછ જાન કર આઇ હું ઔર હાં, મૈં ઉસ અબ્બુ અમ્મી કી બેટી હું જિસને તુમ્હે પનાહ દી થી... મૈં ઉનકી મૌત કા બદલા લેને આઇ હું... ભરોસા દિલાને કે લિયે નહીં... તુમ બોલો તો રુકતી હું, વર્ના મૈં ચલી...’

 

અજમલ એને ચૂપચાપ સાંભળતો રહ્યો, પછી ઝૈનાબને રિવૉલ્વર આપતાં કહ્યુ: ‘યે રખ લો... કામ આયેગી.’ 

 

‘નહીં, તુમ કામ બોલો....’ ઝૈનાબ બોલી.

 

‘ઝરૂરત પડેગી... કામ કી બાત ભી કરુંંગા... રો કે કૂછ લોગ યહાં ઍક્ટિવ હૈ...’

 

‘મુઝે ઝરૂરત નહીં પડેગી... હાં ઉનકે કૂછ લોગ હોંગે તો ક્યા... હમ ઍક્ટિવ હૈ તો વો લોગ ભી તો હોંગેં... મઝા તબ હૈ જબ દોનો સાઇડ કે લોગ ઍક્ટિવ હો... તુમ કામ બતાઓ...’ ઝૈનાબ ફરી ફરીને આ એક વાક્ય બોલતી હતી... જેથી અજમલને શંકા જવા લાગી.

 

‘કામ બતાઉંગા... થોડા સબર કરો...’ અજમલ આટલું જલદી ઝૈનાબને કામ સોંપવાના મૂડમાં કદાચ નહતો.

 

‘સબર કરુંગી... લેકિન કહીં એસા ના હો કી હમારા હસ્ર અનવરૂલ અઝીમ જેસા હો ઔર હમારા પ્લાન અધૂરા રહ જાયે...’

 

‘એસા હરગીઝ નહીં હોગા...’ અજમલે કહ્યું.

 

‘દુશ્મન કો હલકે મેં નહીં લેને કા... વો તુમ્હારે બારે મેં ભી જાન ચુકે હોંગે ઔર અબ... શાયદ મેરે બારે મેં ભી... અલ્લાહ હાફિઝ,’ ઝૈનાબ બોલીને નીકળી ગઈ.

***

ઝૈનાબ ધરમશાળા પહોંચી ત્યારે રાધા અને રાઘવ એની રાહમાં બેચેન બેઠાં હતાં. 

 

રાઘવે ઝૈનાબનો જીવ જોખમમાં હોવાની પણ શંકા વ્યક્ત કરી, એની તપાસ કરવાનું પણ કહ્યું, પણ રાધા માની નહીં. રાધા બારીની બહાર જોતી રહેતી હતી.

 

રાઘવ, ઝૈનાબ આવી રહી છે. રાધા અચાનક બોલી. રાઘવ મોં પર બુકાની બાંધી બહાર નીકળી ગયો... નીચે ઊતરીને ઝૈનાબની નજરથી બચીને બાજુમાંથી પસાર થઈ ગયો. એની નજર ઝૈનાબ જે રસ્તે આવી હતી એ રસ્તા પર હતી. કોઈ ઝૈનાબનો પીછો કરતું નથી એની ખાતરી કરતો એ ક્યાંય સુધી ઊભો રહ્યો. ઝૈનાબ રાધાના રૂમમાં પહોંચી. રૂમમાં ઘૂસતાં જ એણે ઊંડો શ્વાસ લીધો. રાધા ઝૈનાબના બોલવાની રાહ જોતી હતી. 

 

‘અજમલે એનો પ્લાન કહ્યો નહીં...’ ઝૈનાબ બોલી.

 

‘તારા પર શંકા ગઈ...?’ રાધાએ પૂછ્યું.

 

‘લાગતું નથી કે મારા પર કોઈ શંકા ગઈ હોય... પણ એ એનો પ્લાન મને જરૂર કહેશે, એણે કહેવો પડશે...’

 

રાઘવે નીચેથી રાધાની રૂમની બારી પર નજર કરી... રૂમની લાઇટ ડીમ હતી. એ આસપાસ નજર ફેરવીને ઉપર ગયો. દરવાજે બે ટકોરા માર્યા. ઝૈનાબ ચોંકી ઊઠી.

 

‘ડોન્ટ વરી... આપણો જ માણસ છે,’ રાધાએ બોલીને દરવાજો ખોલ્યો. 

 

રાઘવને જોઈને ઝૈનાબ બોલી: ‘આ દૂધવાળો અહીં...?’

 

‘રાઘવ છે... એટીએસ કમાન્ડો... ગુજરાત,’ રાધાએ ધીમા અવાજે ઓળખાણ કરાવી.

 

‘અજમલે શું કહ્યું?’ રાઘવે પૂછ્યું. 

 

‘કાંઈ નહીં... ઝૈનાબ ખભા ઉછાળતાં બોલી.

 

‘આટલીવાર વાત કરી અને કાંઈ બોલ્યો નહીં...?’ રાઘવે પૂછ્યું.

 

‘મતલબ એણે પોતાનો પ્લાન કહ્યો નહીં... ઝૈનાબે કહ્યું.’ 

 

‘નક્કી એને શંકા ગઈ હોવી જોઇએ...’ રાઘવે કહ્યું.

 

‘તારા વિશે કાંઈ પૂછ્યું...?’ રાધાએ પૂછ્યું.

 

‘હા, હું ક્યાં ઊતરી છું એ જાણવા માગ્યું...’

 

‘તેં શું કહ્યું...?’ રાઘવે પૂછ્યું.

 

‘મેં ધરમશાળાનું નામ કહ્યું.’ 

 

‘શંકા ગઈ એટલે જ એણે પોતાનો પ્લાન કહ્યો નહીં...’ રાઘવે ગુસ્સામાં આંખ મીંચીને મુઠ્ઠીઓ વાળી. રાધા, ઝૈનાબની સામે જોતી ઊભી રહી.

 

‘રાધા, હું કહું છું કે એને ભરબજારે ગોળી મારીને કહાની ખતમ કરવી જોઈએ...’ રાઘવ ગુસ્સામાં હતો.

 

‘નહીં રાઘવ, ભગવાનના દરબારમાં એ શક્ય નથી...’ રાધાએ કહ્યું.

 

‘એ અહીં ધરમશાળામાં તપાસ કરશે... તું પણ અહીં રહે છે. મામલો એકદમ બગડી જવાના ચાન્સ છે,’ રાઘવે કહ્યું. રાધા ઊંડા વિચારમાં પડી ગઈ.

 

‘આપણે હવે કોઈ ચાન્સ નહીં લઈ શકીએ ઝૈનાબ... આપણે શિફ્ટ થવું પડશે...’ રાધા બોલી.

 

‘તમે બંને બાબુજીના ફાર્મ પર શિફ્ટ થઈ જાવ...’ રાઘવે કહ્યું.

 

 ‘નહીં, અજમલની આટલી નજીક પહોંચી ગયા પછી દૂર રહેવા નથી જવું...’ દેવીપ્રસાદજીનું ઘર છે... એણે કૉલ લગાડ્યો. 

 

‘દેવીપ્રસાદજી, અમે ધરમશાળાની રૂમ ખાલી કરીને હમણાં જ તમારે ત્યાં આવીએ છીએ...’

 

‘કોઈ પ્રોબલમ...? બાકી મેં વિશ્ર્વનાથજી સાથે વાત કરી લીધી છે...’ દેવીપ્રસાદજી બોલ્યા.

 

‘પ્રોબલમ નથી, પણ ઇમર્જન્સી છે....’ રાધાએ કૉલ કટ કર્યો.

 

‘હું અહીં જ રહીશ...’ ઝૈનાબે ચોંકાવનારી વાત કરી. ‘એ મને અહીં આવશે અને હું નહીં મળું તો એને શંકા જશે ને એનો પ્લાન જાણવાનો આપણો પ્લાન ફેલ થઈ જશે...’ એણે કહ્યું.

 

‘ઓહ યેસ, ઝૈનાબની વાત સાચી છે...’ રાઘવે કહ્યું.

 

‘બટ યુ બી કૅરફુલ ને એની સાથેની વાતચીતમાં બહુ સંભાળજે,’ રાધાએ કહ્યું.  

* * *

અમરબાબુએ શંકરના મંદિરની પાછળ જઈને ખાડામાંથી મશીનગનો, રિવૉલ્વરો અને હૅન્ડગ્રેનેડ સહિતનો થોડો શસ્ત્રસરંજામ કાઢીને બૅગમાં મૂક્યો. ગોપાલેશ્ર્વર ધામની બજારમાં શંકર જ્યાં કામ કરતો હતો ત્યાં ગયો. 

 

‘તુમ્હારે પિતાજી સેં હંમેશાં સીધા સામાન ખરીદતા થા... બહુત દુ:ખ હુઆ જાન કર અબ વો નહીં રહે..’ અમરબાબુએ ગુપ્તાજીના દીકરા નંદુ પાસે ખરખરો કર્યો.

 

‘ક્યા સેવા કર સકતા હું મૈં આપકી...?’ નંદુએ પૂછ્યું. 

 

‘સેવા તો ગોપાલેશ્વર કી કરની હૈ....’ અમરબાબુએ લિસ્ટ કાઢીને આપ્યું.

 

નંદુએ લિસ્ટ વાંચવાની શરૂઆત કરી. દરમિયાન અમરબાબુએે દુકાનની પાછળના કોઠારમાં નજર કરી. લિસ્ટ વાંચ્યા પછી નંદુએ અમરબાબુને ઉપરથી નીચે સુધી જોયો.

 

‘ક્યા હુઆ...?’ અમરબાબુએ પૂછ્યું.

 

‘ઇતની બડી સેવા શાયદ અબતક કિસીને નહીં કી હોગી...’ નંદુ બોલ્યો.

 

‘ઇતના સારા સામાન આપ કેસે લે જાયેગેં...? મેરે પાસ કોઈ લડકા નહીં હૈ.’ નંદુએ કહ્યું. 

 

‘જાનતા હું શંકર ભી અબ નહીં રહા... વો કામ કા આદમી થા...’ અમરબાબુએ કહ્યું.

 

‘આપ ઉનકો ભી જાનતે થે...?’ નંદુ બોલ્યો.

 

‘હાં બહુત અચ્છી તરહા...’ થોડી ક્ષણો પછી બોલ્યો: ‘મુઝે અભી નીકલના હૈ, સામાન કે લિયે મેરા આદમી આયેગા... ઇસ કા પૈસા મૈં ચુકા દેતા હું...’ કહીને એણે રોકડા રૂપિયા ચૂકવ્યા. લિસ્ટ લઈને એની પર પેઇડ લખ્યું.

 

‘યે લો, જો આયેગા વો યહ અમાઉન્ટ બોલેગા ઉસે સામાન દેના... ઔર યે લિસ્ટ ભી...’ અમરબાબુ નંદુ અને કોઠારને જોતો નીકળી ગયો. નંદુ સામાન જોખવા લાગ્યો. 

***

અજમલ બપોરે સામાન લઈ જાવા માટે એક રેકડીવાળાને લઈને દુકાને આવ્યો...

 

‘સામાન તૈયાર હૈ...?’ અજમલે અમાઉન્ટ કહીને પૂછ્યું.

 

‘સબ તૈયાર હૈ...’ નંદુએ સામાનની સાથે લિસ્ટ પાછું આપ્યું... અજમલ માલ લઈને નીકળી ગયો. અમરબાબુ લૉજમાં બેસીને અજમલની રાહ જોતો હતો. થોડીવાર પછી બેલ વાગી. અમરબાબુએ દરવાજો ખોલ્યો. અજમલે રેકડીવાળા પાસેનો સામાન રૂમના એક ખૂણામાં મુકાવ્યો. રેકડીવાળાને પૈસા ચૂકવ્યા.

 દરવાજો બંધ કરીને બંને ખડખડાટ હસ્યા.

 

‘અબ આયેગા મઝા...’ અમરબાબુ બોલ્યો.

 

‘તુમ અપના સામાન લાયે...?’ અજમલે પૂછ્યું.

 

‘સબ તૈયારી હૈ... ઉસ લડકી કો પ્લાન બતા દિયા...?’ અમરબાબુએ બૅગ બતાવતાં પૂછ્યું.

 

‘મૈંને ઉસકે લિયે કૂછ ઓર સોચા હૈ... લડકી ચાલાક હૈ...’ અજમલે કહ્યું.

 

‘દેખ લેના ભરોસે કા સૂર કહીં ખતરે કી ઘંટી ન બન જાયે’ અમરબાબુએ કહ્યું.               

 

                       (ક્રમશ:)