Tue Oct 06 2026

Logo

વ્હેંત છેટો મોતનો ઓછાયો - પ્રકરણ-28

2026-09-06 08:14:00
Author: Anil Rawal
વ્હેંત છેટો મોતનો ઓછાયો - પ્રકરણ-28

 

સમંદર શા માટે આવ્યો હશે? અબ્બુ-અમ્મી વિશે પૂછશે તો શું કહીશ? એ મારા વિશે શું જાણતો હશે? 

સન્ડે ધારાવાહિક - અનિલ રાવલ

‘મૈં સમંદર ખાન...’ સાંભળીને ઝૈનાબનું હૈયું બે ધબકારા ચૂકી ગયું. ક્યારેક કાન બરાબર સાંભળે, છતાં મન માનવા તૈયાર નથી હોતું.

‘ઝૈનાબ, મૈં સમંદર તુમ્હારા ચચેરા ભાઈ...’ ઓચિંતુ ધસી આવેલું દરિયાનું મોજું કિનારે પછડાય એમ સમંદરનો અવાજ ઝૈનાબના કાને ફરી અફળાયો. ભયાનક ધ્વનિ ચૂરચૂર થઈને રૂમમાં ફરી વળ્યો. ઝૈનાબની ચકિત આંખ એને જોઈ રહી હતી... એ આંખોમાં ભય પણ ભળેલો હતો. એણે આંખો મીંચી દીધી. આંખો મીંચાય ત્યારે વિચારોની ઝડપ વધે છે. કઈકેટલાંય દૃશ્યો એની નજર સામેથી પસાર થઈ ગયાં... એણે હળવેથી આંખો ખોલી. થોડીવાર પહેલાં એના ફિક્કા પડી ગયેલા ચહેરા પર થોડું સાવચેતીપૂવર્કનું અને વધુ ગણતરીપૂર્વકનું સ્મિત ફરક્યું... અમ્મીનો પત્ર એના કાનમાં શોર મચાવવા લાગ્યો.

‘ઝૈનાબ બેટા, મૈં તુમ્હારે સામને સચ કા પીટારા ખોલ રહી હું. હમારા ફૅમિલી તેરે પૈદા હોને સે પહેલે લાહોર સે હિન્દુસ્તાન આ ગયા થા... એક લંબે અરસે કે બાદ તેરે અબ્બુ કા ભાઈ અઝીઝુલ રહમાન પાકિસ્તાન સે નીકલ કર બાંગ્લાદેશ મેં સેટલ હુઆ... 
ઉસકા બેટા સમંદર ખાન બાંગ્લાદેશ ઔર વેસ્ટ બંગાલ કી બૉર્ડર પર ચલ રહે ટેરરિસ્ટ કૅમ્પ મેં રહ ચુકા હૈ ઔર આજ ભી ઍક્ટિવ હૈ. સમંદર આઇએસઆઇ સે જુડા હુઆ હૈ... બાપ-બેટા દોનોં હિન્દુસ્તાન કે ખિલાફ ટેરરિસ્ટ ઍક્ટિવિટી કર રહે હૈ... દોનોંને મિલકર તેરે અબ્બુ કો ઝાંસે મેં લિયા... હિન્દુસ્તાન કે ખિલાફ ઝહર ઘૌલ દિયા... ફિર વહાં સે બડા પૈસા આને લગા... મૈં બહક ગઈ... હમ બહક ગયે... મુઝે માફ કરના. અઝીઝુલ ઔર સમંદર કી તસવીરેં આલબમ મેં હૈ... આલબમ અબ્બુ કી અલમારી મેં હૈ... મૈં યે બાત બહુત પહેલે તુઝે બતાને વાલી થી, લેકિન તેરે અબ્બુને મુઝે રોક રખા થા... હો સકે તો હમેં માફ કરના.’

આલ્બમમાં જોયેલી સહેજ ઝાંખી પડી ગયેલી તસવીર એક જીવતી જાગતી તસવીર બનીને સામે ઊભી હતી. સમંદર આલ્બમમાં જોયેલા સમંદરથી બિલકુલ જુદો નહતો. ખુંખાર ચહેરો, ઝેર આંજેલી આંખો... સમંદર શા માટે આવ્યો હશે? અબ્બુ-અમ્મી વિશે પૂછશે તો શું કહીશ...? એ મારા વિશે શું જાણતો હશે? કોઈ પણ ઘડીએ ટોનીનો ફોન આવશે તો શું થશે...? સવાલના જવાબ સામે સવાલ કરવાથી અથવા આશ્ર્ચર્ય દર્શાવવાથી મળતા હોય છે.   

‘ભાઈજાન, લેકિન અબ્બુ ઔર અમ્મીને કભી તુમ્હારે બારે મેં બતાયા નહીં. એના બોલવામાં લાડલી બહેનનું થોડું ભોળપણ અને ઘણુબધું આશ્ર્ચર્ય હતું.

‘લગતા હૈ... તુમ્હારે અબ્બુ-અમ્મીને અપને બારે મેં કૂછ નહીં બતાયા... આટલું બોલીને સમંદર અટક્યો. શબ્દો ગોઠવીને કહેવા માગતો હોય એમ બોલ્યો:   

‘મૈં ઔર તેરે અબ્બુ પાકિસ્તાન છોડ સકે, લેકિન પાકિસ્તાન કો દિલ સે કભી નહીં નિકાલ પાયે... ઉન્હોને અપને મુલ્ક કે લિયે કુરબાની દી હૈ.’ ઝૈનાબ એના લાગણીના છીછરા વહેણમાં તણાય છે કે નહીં એ જોવા એ ગળગળો થઈ ગયો.    

‘દોનોં કો ઇન્ટેલિજન્સ બ્યૂરો કે ચીફ રાઠૌડને સેફ હાઉસ મેં ખતમ કિયા.’ નાટકના આખરી સંવાદમાં એ ભાંગી પડ્યો. 

‘ઇન્ટેલિજન્સ બ્યૂરો, રાઠૌડ, સેફ હાઉસ... ભાઈજાન, યે આપ ક્યા કહ રહે હો. મેરી સમજ મેં નહીં આ રહા...’ ઝૈનાબે મોટું આશ્ર્ચર્ય બતાવ્યું... આંસુ સાર્યાં... ચહેરા પર રોષ લાવી...

‘મૈં તુમ્હે સબ સમઝાતા હું.’ ત્યાર બાદ સમંદર ખાને અબ્બુ અને અમ્મીની પોતાના પૈદાઇશી મુલ્ક પાકિસ્તાન પ્રત્યેની વફાદારી... ભારતમાં આતંક ફેલાવવામાં પોતાની ભૂમિકા, ભારતમાંના સ્લીપર સેલને અનેકવાર કરેલી મદદ, અજમલને આપેલી પનાહ, અબ્બુ-અમ્મીની કુરબાની સહિતની બધી માંડીને વાત કરી. ચૂપચાપ સાંભળી રહેલી ઝૈનાબ એની પોતાની ભૂમિકામાં ઓતપ્રોત હતી. આંખે ગ્લિસરીન આંજ્યા વિના એની આંખમાંથી આંસુ વહેવા લાગ્યાં. એણે મગરમચ્છનાં આંસુ વધારે સાર્યા વિના મોઢાના હાવભાવ બદલ્યા. 

‘ભાઈજાન, મુઝે અબ્બુ-અમ્મી કી લાશ તક નહીં મિલી. બસ, એક ફોન આયા ઔર કહા કી દોનોં કો અપને પાપો કી સઝા મિલ ચૂકી હૈ... ઉનકો ઢૂંઢને કી કોશિશ ભી મત કરના. તુમ અપના મુંહ બંધ રખના... વર્ના તુમ્હારા હશ્ર ભી અબ્બુ-અમ્મી જેસા હોગા... તબ સે મૈં ડરી હુઈ હૂં.’ પછી અચાનક ઝૈનાબના તેવર બદલાઈ ગયા ‘ભાઇજાન, મૈં અબ્બુ-અમ્મી કી મૌત કા બદલા લુંગી.’ 

‘નહીં તુ ઇન સબ સે દૂર હી હો, બદલા મૈં લુંગા. ગોપાલશ્ર્વર મેં લાશે બીછા દુંગા. મૈંને ડૉ. અજમલ કો ગોપાલેશ્ર્વર ભેજ દિયા હૈ.’ સમંદર બોલ્યો.

ઝૈનાબે ગોપાલેશ્ર્વરનું પહેલીવાર નામ સાંભળ્યું હોવા છતાં આશ્ર્ચર્ય વ્યક્ત ન કર્યું, પણ અજમલ ત્યાં ગયો છે એ જાણીને ચોંકી ઊઠી.

‘નહીં ભાઈજાન, મૈંને ઠાન લી હૈ, મુઝે બદલા લેના હૈ...’ એ શબ્દોમાં ખુન્નસ લાવી... અવાજમાં ધગધગતો લાવા લાવી. સમંદર લાગણીભીના દાણા વેરીને ઝૈનાબને તૈયાર કરી હતો અને ઝૈનાબ વધુને વધુ માહિતી કઢાવવા સમંદરે વેરેલા દાણા ચગળી રહી હતી. જેથી આઇબી ચીફનું કામ સરળ બને. બેઉ બાજુ તરફ અભિનય હતો. સમંદર સ્ક્રિપ્ટ તૈયાર કરીને આવેલો ને ઝૈનાબ તત્કાળ સંવાદ બોલતી હતી.  

સમંદર પોતે વેરેલા દાણા હજમ થયા હોવાની ખાતરી થતાં બોલ્યો: ‘તૂ ગોપાલેશ્ર્વર-બેજલમેડ ચલી જા. વહાં તુજે અજમલ મિલેગા. જા લે લે અપને અબ્બુ-અમ્મી કી મૌત કા બદલા.’ 
*******
અજમલ પાગલ બનીને બેજલમેડ ગામમાં પ્રવેશ્યો. સામાન્ય રીતે લોકો ભાગ્યે જ પાગલને વતાવે કે સતાવે છે. અને આમેય બેજલમેડના જગપ્રસિદ્ધ ગોપાલેશ્ર્વર મંદિરમાં દર્શન કરવા આવતા ભાવિકોને દર્શન સિવાય ભાગ્યે જ બીજી કોઈ બાબતમાં રસ પડે છે. અજમલે આ જ ફાયદો ઉઠાવ્યો હતો. એને બેજલમેડ, ગોપાલશ્ર્વર મંદિર અને મંદિર પરિસરના નકશાનો અભ્યાસ હતો. એ અમરબાબુની લૉજની નીચે જઈને ઊભો રહ્યો. અમરબાબુ લૉજમાંથી બહાર આવ્યો કે તરત જ આતંક આંજેલી આંખોએ એકબીજાને ઓળખી લીધાં. 

‘શંકર શંભો...’ અજમલ બોલ્યો. 

‘જયગોપાલા...’ અમરબાબુએ એને ત્રાંસી આંખે નીરખી લીધો હતો. 

‘નહીં... શંકર શંભો બોલ... શંકર શંભો... જલધારી મેં પાની નહીં હૈ... બીલીપત્ર સુખા હૈ... લકડી જલ કે ખાખ હો ગઈ... ભોલે બાબા કી આંખેં લાલ કર ગઈ... બોલ, શંકર શંભો...’

‘શંકર શંભો...’ અમરબાબુ એને બાજુના સ્ટૉલ પરથી પુરીભાજી અપાવતાં બોલ્યો.

‘નહીં, જયગોપાલા બોલ... જયગોપાલા...’ અજમલ હવે ખી... ખી... હસતાં બોલ્યો... પાગલ પોતાના પાગલપણાનો આનંદ લેતો હશે કે નહીં ખબર નહીં, પણ અજમલને કદાચ મજા પડતી હતી.

‘પાગલ કે સાથ બહસ કરના ઠીક નહીં હૈ...’  અમરબાબુ બનાવટી પાગલની નાદે નહીં લાગવાના ઇરાદે નીકળી ગયો.
******** 
સમંદરે ઝૈનાબને ગોપાલેશ્ર્વર જવાની વાતમાં વિમાસણમાં નાખી દીધી હતી. ઝૈનાબને આવા પરિણામની અપેક્ષા નહતી. અબ્બુ અમ્મીના મોતનો બદલો લેવાનું નાટક કરીને સમંદરમાં ઝંપલાવી તો દીધું, પણ સમંદરના ઊંડાણનો ખયાલ એને પછી આવ્યો હતો. એનો મૂળ આશય અબ્બુ-અમ્મીના કબાટમાંથી મળેલી ચોંકાવનારી માહિતીથી આઇબી ચીફને વાકેફ કરવાનો હતો. એની પાસે અજમલ ગોપાલેશ્ર્વરમાં હોવાની ચોંકાવનારી માહિતી આવી ગઈ હતી. બહુ સલુકાઈથી એણેે સમંદરનો પાસેથી કોન્ટેક્ટ નંબર માગી જોયો, પણ એ મૈં ખુદ તુમ્હારા કૉન્ટેકટ કરુંગા કહીને આખીય વાત ગળી ગયો હતો.  

સમંદરે અચાનક પ્રવેશ કરીને આખાય માહોલને વધુ રોમાંચક બનાવી નાખ્યો હતો, આખી વાર્તાને નવો ખોફનાક વળાંક આપ્યો હતો. ઝૈનાબ વહેલામાં વહેલી તકે આઇબી ચીફને સ્ફોટક માહિતીથી વાકેફ કરવા માગતી હતી. એ ચીફને કૉલ કરવાનું વિચારતી હતી ત્યાં ડોરબેલ વાગી. ઝૈનાબને ધ્રાસ્કો પડ્યો. કોણ હશે... સમંદર તો પાછો નહીં આવ્યો હોય? એ થોડી ડરી ગઈ. 

‘કોણ?’ દરવાજા પાસે પહોંચીને એણે પૂછ્યું. 

‘ટોની... સાંભળતાં જ એણે કપાળ પર હથેળી દાબી. સમંદર થોડીવાર પહેલાં જ ગયો હતો... ટોની થોડો વહેલો આવ્યો હતો તો શું થાત એની કલ્પના કરતાં એણે ઝટ દઈને દરવાજો ખોલી નાખ્યો. ટોની એની આંખોમાં જોતાં પ્રવેશ્યો. સામાન્ય રીતે આંખોમાં આંખો નાખીને જોવું એને શંકાની નજર કહેવાય છે. ઝૈનાબે બહાર બંને બાજુ જોઈને દરવાજો બંધ કર્યો. બહાર કોઈ નથી એની ખાતરી થતાં એણે ઊંડો શ્ર્વાસ લીધો, પણ ટોનીની અચાનક એન્ટ્રીથી તેજ થયેલા ધબકારા હજી નૉર્મલ થયા નહતા. ટોની સોફા પર બેસીને આસપાસ નજર ફેરવતો હતો.

‘બાત કૂછ એસી થી કી રૂબરૂ મિલના જરૂરી થા.’ એની નજર ટેબલ પરના બૉક્સ પર જઈને અટકી. 

‘સર, મૈં જાન સકતી હું ઇસ મેં ક્યા હૈ?’

‘નહીં.....તુમ્હારે લિયે યે જાનના ઝરૂરી નહીં...યે બૉક્સ તુમ્હે ખુદ બેજલમેડ જા કર રાધા કો દેના હૈ.’ 

‘બેજલમેડ...’ સમંદરના મોઢે સાંભળી ચૂકેલી ઝૈનાબનો ચહેરો પીળો પડી ગયો... પેટમાં ફાળ પડી... છાતીના ધબકારા તેજ બન્યા.   

‘બેજલમેડ-ગોપાલેશ્ર્વર...’ એનાથી બફાઈ ગયું. ટોનીએ ભૃકુટી તાણી અને એના કપાળ પર ત્રણ સળ ઊપસી આવી.

‘તુમકો કેસે પતા ચલા ગોપાલશ્ર્વર કા...?’ એણે પૂછ્યું.

‘મેરી એક કલીગ વહાં દર્શન કરને ગઈ થી, ઉસને બતાયા થા... ઉદયપુર સે કૂછ એક દેઢ ઘંટે દૂર હૈ...’ ઝૈનાબે કવર-અપ કરતાં કહ્યું. ટોનીની આંખોના ભંવાં નીચે આવ્યા ને કપાળ પરની સળ નૉર્મલ થઈ.

‘બેજલમેડ મેં રાધા કહાં મિલેગી?’  

‘યમુના ધરમશાલા મેં...’ 

‘મુઝે વહાં રુકના હોગા કિ...’ ઝૈનાબ આગળ બોલે તે પહેલાં જ ટોનીએ કહ્યુ:

‘વો રાધા બતાયેગી...’

‘કબ જાના હોગા...?’

‘આજ રાત લક્ઝરી બસ મેં બૈઠ જાઓ... સુબહ જલદી બેજલમેડ ઉતાર દેગી.

‘યે લો ટિકિટ.’ ટોનીએ પ્રિન્ટેડ ટિકિટ આપી. ઝૈનાબે ટિકિટ વાંચી.

‘યામિની લખતરિયા...’ ઝૈનાબને ટિકિટ પર પોતાનું નવું નામ વાંચીને આશ્ર્ચર્ય ન થયું. એણે થોડીવાર પહેલાં પીળા પડેલા ચહેરાને ગુલાબી કરવાની કોશિશમાં માત્ર હળવું સ્મિત કર્યું.

‘તૂમ તો અચ્છીખાસી ગુજરાતી બોલ લેતી હો...’ .ટોનીએ હેટ પહેરીને જવાનો સંકેત આપ્યો. ઝૈનાબે આગળ જઈને દરવાજો ખોલ્યો, બંને બાજુ નજર કરીને ટોનીને બહાર નીકળવાનો ઇશારો કર્યો. ટોનીને સાવચેતી રાખવાનો ઝૈનાબનો અંદાજ પસંદ પડ્યો. ઝૈનાબે દરવાજો અંદરથી ડબલ લૉક કર્યો, પછી ક્યાંય સુધી પીઠ ટેકવીને વિચારતી ઊભી રહી. 

આઇબી ચીફ રાઠૌડ અને સમંદર ખાન-બંને મારી કસોટી કરી રહ્યા છે કે શું. એક ગામ બેજલમેડ-ગોપાલશ્ર્વર, બે શખ્સિયત- રાધા અને અજમલ, ઝાંબાઝ આઇબી ચીફ રાઠૌડ અને આઇએસઆઇનો ખુનખાર સમંદર ખાન. ઝૈનાબને થયું કે પોતે બંને દેશ વચ્ચેની સરહદે ઊભી છે... ગોળી કોઈ પણ બાજુથી છૂટે, એનું મોત નક્કી છે.

 (ક્રમશ:)