નવી દિલ્હીઃ ઉત્તરાખંડમાં સ્વાતંત્ર્ય સેનાની આશ્રિત કોટા હેઠળ બોગસ પ્રમાણપત્રો રજૂ કરીને MBBSમાં પ્રવેશ મેળવવાના ગંભીર મામલે પોલીસ અને તબીબી શિક્ષણ વિભાગ દ્વારા કડક પગલાં લેવામાં આવ્યા છે. આ કેસમાં ચાર વિદ્યાર્થીનીઓ સહિત કુલ પાંચ લોકો સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને સંબંધિત મેડિકલ યુનિવર્સિટી દ્વારા ચારેય છાત્રાઓના MBBS એડમિશન તાત્કાલિક અસરથી રદ કરી દેવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.
પ્રાથમિક તપાસમાં દસ્તાવેજો શંકાસ્પદ લાગતા થયો પર્દાફાશ
દેહરાદૂન તંત્રને બનાવટી પ્રમાણપત્રો અંગે ફરિયાદો મળતાં જિલ્લા મેજિસ્ટ્રેટ આશિષ ચૌહાણે ચીફ ડેવલપમેન્ટ ઓફિસર અને એડિશનલ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટની સંયુક્ત તપાસ સમિતિની રચના કરી હતી. તપાસ સમિતિએ રજૂ કરાયેલા દસ્તાવેજો અને સર્ટિફિકેટ્સની ચકાસણી કરતાં તે પ્રાથમિક દ્રષ્ટિએ જ શંકાસ્પદ અને અપૂર્ણ હોવાનું માલૂમ પડ્યું હતું. આ ઉપરાંત, પ્રમાણપત્રમાં દર્શાવેલા સરનામાનું વેરીફિકેશન પણ થઈ શક્યું નહોતું, એટલે કે પ્રમાણપત્રમાં જે સરનામાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, તે ખોટો હોવાનું સાબિત થયું હતું.
ફરિયાદ બાદ ચારેય વિદ્યાર્થિનીઓનું એડમિશન રદ્દ
જિલ્લા પ્રશાસને પોતાનો આ રિપોર્ટ તબીબી શિક્ષણ નિયામક ડૉ. આશુતોષ સયાનાને સોંપ્યો હતો, જેના આધારે દેહરાદૂનની એચએનબી મેડિકલ એજ્યુકેશન યુનિવર્સિટીએ ચારેય વિદ્યાર્થીનીઓનું એડમિશન રદ કરી દીધું હોવાનું જાણવા મળ્યું છે. વિદ્યાર્થીની તૃપ્તિ અને તેની માતા ઉમા દેવી સામે બનાવટી સ્વાતંત્ર્ય સેનાની આશ્રિત સર્ટિફિકેટ મેળવવા બદલ FIR દર્જ કરવામાં આવી છે. બોગસ પ્રમાણપત્રો માટે અરજી કરવા અને રજૂ કરવાના મામલે ખુશી, પરી અને સ્વાતિ નામની ત્રણ અન્ય વિદ્યાર્થીનીઓ સામે રાયપુર પોલીસ સ્ટેશનમાં અલગથી FIR નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે.