લખનઉ: ઉત્તર પ્રદેશની 10 રાજ્યસભા બેઠકો માટે ભાજપના 8 અને સમાજવાદી પાર્ટીના બે ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા છે. આ ચૂંટણી પ્રક્રિયા દરમિયાન બે અપક્ષ ઉમેદવારોના ઉમેદવારી પત્ર રદ થવા અને કોઇપણ ઉમેદવારે ઉમેદવારી પત્ર પરત ન ખેંચતા 10 બેઠકો બિનહરીફ થઇ હતી. જેના પગલે 16 ઓકટોબરના રોજ યોજનારું મતદાન બિનજરૂરી બન્યું છે.
ધનરાજ નથવાણી સાંસદ તરીકે ચૂંટાયા
આ ચૂંટાયેલા ભાજપના સભ્યોમાં રાજ્યકક્ષાના મંત્રી ધરમપાલ સિંહ, પાર્ટીના ઓબીસી મોરચાના વડા પ્રકાશ પાલ, શ્રુતિ ગંગવાર, વિદ્યાસાગર સોનકર, પ્રિયંકા સિંહ રાવત, રાધાકાંત ઓઝા, ગોપી કૃષ્ણ પાંડે અને રામ પ્રતાપ સિંહ ચૌહાણનો સમાવેશ થાય છે. સમાજવાદી પાર્ટીમાંથી વરિષ્ઠ નેતા રામ ગોપાલ યાદવ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ધનરાજ નથવાણી ચૂંટાયા હતા.
ભાજપે રાજયસભામાં સંખ્યાબળ મજબૂત કર્યું
જેમાં સમાજવાદી પાર્ટી તરફથી પક્ષના વરિષ્ઠ નેતા રામગોપાલ યાદવ અને ધનરાજ પરિમલ નથવાણી કોઈપણ વિરોધ વિના રાજ્યસભામાં પહોંચ્યા છે. તો બીજી તરફ ભાજપે પણ ઉત્તર પ્રદેશમાંથી પોતાના આઠ ઉમેદવારોની બિનહરીફ પસંદગી સુનિશ્ચિત કરીને રાજ્યસભામાં પોતાની સંખ્યાબળની સ્થિતિ મજબૂત કરી. મતદાનની જરૂરિયાત વિના જ સમગ્ર પ્રક્રિયા પૂર્ણ થતાં યુપીમાંથી રાજ્યસભાની ચૂંટણીનો આ તબક્કો સમાપ્ત થયો છે.
રાજ્યસભાની ચૂંટણી અંગે ધનરાજ નથવાણીએ ખુશી વ્યક્ત કરી
સમાજવાદી પાર્ટીની ટિકિટ પર રાજ્યસભા માટે બિનહરીફ ચૂંટાયેલા ધનરાજ નથવાણીએ 'X' પર પોતાની ખુશી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું, ઉત્તર પ્રદેશમાંથી રાજ્યસભામાં મારી પસંદગી બદલ હું સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવનો આભાર અને કૃતજ્ઞતા વ્યક્ત કરું છું.