નોઇડાઃ ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લેતા જેવર ખાતે નિર્માણધીન નોઈડા ઈન્ટરનેશનલ એરપોર્ટનું નામ બદલવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. હવે આ એરપોર્ટને 'નરેન્દ્ર મોદી ઈન્ટરનેશનલ એરપોર્ટ, નોઈડા-જેવર' તરીકે જાહેર કરવાનો પ્રસ્તાવ મંજૂર કરવામાં આવ્યો છે.
કેબિનેટ બેઠક બાદ મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે આ અંગે માહિતી આપી હતી. હવે નામકરણની આ પ્રક્રિયા કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રાલય સમક્ષ આખરી મંજૂરી માટે મોકલવામાં આવશે.
મોદીના વિઝન અને ઉત્તર પ્રદેશના વિકાસને સમર્પિત
આ મામલે મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે જણાવ્યું કે, આ એરપોર્ટ ઉત્તર પ્રદેશના આર્થિક અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસમાં માઈલસ્ટોન સાબિત થશે. રાજ્ય સરકારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દૂરદર્શી નેતૃત્વ અને 'વિકસિત ભારત 2047'ના સંકલ્પ પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો.
પબ્લિક-પ્રાઈવેટ પાર્ટનરશિપ (PPP) મોડેલ પર તૈયાર થઈ રહેલું આ એરપોર્ટ દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પરનું પેસેન્જર ભારણ ઘટાડશે. ક્ષમતા અને વિતરણની વાત કરીએ તો, પ્રથમ તબક્કામાં 1 રનવે અને ટર્મિનલ સાથે વાર્ષિક 1.2 કરોડ મુસાફરોની ક્ષમતા રહેશે, જેને ભવિષ્યમાં વધારીને 7 કરોડ મુસાફરો સુધી પહોંચાડવાનું આયોજન છે.
યોગી કેબિનેટમાં મંજૂર થયેલા અન્ય 8 પ્રમુખ પ્રસ્તાવો
કેબિનેટમાં પાસ થયેલા અન્ય પ્રસ્તાવોની વાત કરવામાં આવે તો, રાજ્યના ઔદ્યોગિક વિકાસ સત્તામંડળોમાં 'મોડેલ બિલ્ડિંગ રેગ્યુલેશન્સ-2026' (આદર્શ મકાન બાંધકામ નિયમો) લાગુ કરવા માટે મંજૂરી આપવામાં આવી છે.
ખરીફ માર્કેટિંગ વર્ષ 2026-27 માટે લઘુત્તમ ટેકાના ભાવ (MSP) પર ડાંગરની ખરીદી કરવા અંગેની નીતિને આખરી ઓપ આપવામાં આવ્યો છે. આ સાથે 'ઉત્તર પ્રદેશ સ્ટાર્ટઅપ પરચેઝ સ્કીમ-2026' (સ્ટાર્ટઅપ ખરીદી યોજના) માટે મંજૂરી આપવામાં આવી છે.
नोएडा इंटरनेशनल एयरपोर्ट का नाम 'नरेन्द्र मोदी इंटरनेशनल एयरपोर्ट'... https://t.co/EPejVecayd
— Yogi Adityanath (@myogiadityanath) October 9, 2026
રાજ્યમાં 'ઉત્તર પ્રદેશ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ મિશન' (UP-AIM) ની સ્થાપના અને સંચાલન માટે મંજૂરી, રાજ્યના આંગણવાડી કાર્યકરો અને સહાયકોને વધારાની સાડી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો, ભદોહી જિલ્લાનું નામ બદલીને 'સંત રવિદાસ નગર ભદોહી' કરવાના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે.
આ સાથે મૈનપુરીમાં શિકોહાબાદ-ભોગાંવ સ્ટેટ હાઈવે નંબર-84 ને ચાર લેન સુધી બનાવવા અને મજબૂત બનાવવા માટે સુધારેલી વહીવટી અને નાણાકીય મંજૂરી આપવામાં આવી છે. સાથે 'ઉત્તર પ્રદેશ વ્યાજ માફી યોજના-2026' લાગુ કરવાના પ્રસ્તાવને પણ કેબિનેટ દ્વારા મંજૂરી આપી દેવામાં આવી છે.