નવી દિલ્હીઃ દસમી ઓક્ટોબરે જાહેર કરેલા વિરોધ પ્રદર્શનને લઈ દિલ્હી પોલીસે એક એલર્ટ જાહેર કરી દીધું છે. કોક્રોચ જનતા પાર્ટી (CJP) તરફથી દિલ્હીમાં વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. આ વિરોધ પ્રદર્શનને ગંભીરતાથી લઈને મેટ્રો સ્ટોશન અને મુખ્ય રસ્તાઓ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યા છે. આ સમગ્ર નિર્ણય પર સુપ્રીમ કોર્ટે વાંધો ઊઠાવ્યો છે અને દિલ્હી પોલીસને સવાલો કર્યાં હતા.
આ સમગ્ર કેસ અંગે સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે આજે જણાવ્યું હતું કે, કાયદો અને વ્યવસ્થા બનાવી રાખવી, જાળવી રાખવી અને સતત તેનું મોનિટરિંગ કરવું એ સરકારની જવાબદારીમાં આવે છે. પણ આના કારણે કોઈ સામાન્ય માણસની અવરજવરને મુશ્કેલી પડે એવું બિલકુલ ન કરી શકાય. લોકોની અવરજવર બંધ થવી જોઈએ નહીં.
સ્થિતિને જોતા નિર્ણય લેવાશે
સુપ્રીમ કોર્ટે સરકારને બંધ કરેલા મેટ્રો સ્ટેશનની સંખ્યામાં ઘટાડો કરવા તથા રસ્તા પર લગાવવામાં આવેલા બેરિકેડની સમીક્ષા કરવા અંગે સ્પષ્ટ વાત કહી દીધી છે. આ કેસમાં આગામી સુનાવણી સોમવારે થવાની છે. આ સુનાવણી દરમિયાન અરજી કરનારાએ કોર્ટને જણાવ્યું હતું કે, દિલ્હીમાં વિરોધ પ્રદર્શનને ગંભીરતાથી લઈને કેટલાય મેટ્રો સ્ટેશન બંધ કરી દેવામાં આવ્યા છે.
વકીલ કપિલ સિબ્બલે જણાવ્યું હતું કે, કેટલીક ટ્રેન પણ બંધ કરી દેવામાં આવી છે. કેટલીક ટ્રેનને શરૂઆતના સ્ટેશનેથી જ રોકી દેવામાં આવી છે. આ સમગ્ર મુદ્દા પર ચીફ જસ્ટિસે સવાલ કર્યો હતો કે, શું સમગ્ર મેટ્રો સ્ટેશન સંપૂર્ણ રીતે બંધ રાખવાની યોજના છે? સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું હતું કે, સ્થિતિ સામાન્ય થવા સુધી સ્ટેશનને બંધ રાખવામાં આવ્યા છે. સરકાર સમયાંતરે આ સ્થિતિની સમીક્ષા કરતી રહેશે. આ પછી જે તે સ્થિતને ધ્યાને લઈને નિર્ણય લેવામાં આવશે.
મેટ્રો બંધનો મુદ્દો ચિંતાજનક
CJI સૂર્યકાંતે જણાવ્યું હતું કે, બંધ કરવામાં આવેલા મેટ્રો સ્ટેશનનો મુદ્દો ચિંતાજનક છે. આના પર વિચારણા કરવી જોઈએ. બંધ કરાયેલા મેટ્રો સ્ટેશનની સંખ્યા ઘટાડવી જોઈએ. આના પર ફરીથી વિચારણા થઈ શકે એમ છે. બાળકો, સિનિયર સિટિઝન, નાગરિકો તથા દૈનિક ધોરણે મેટ્રોમાં યાત્રા કરનારા લોકોની સુવિધાનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. સુરક્ષા માટે એટલા જ પગલાં લેવા જોઈએ જે ખરેખર જરૂરી હોય. કાયદો અને વ્યવસ્થા જાળવવી એ તમારા એરિયામાં આવે છે.
તમે સંવેદના અને સાવધાની વર્તીને નિર્ણય લઈ શકો. આ આપણા જ બાળકો છે, વિદ્યાર્થીઓ છે અને નાગરિકો છે. જે યાત્રા કરી રહ્યા છે. દૈનિક ધોરણે મેટ્રોનો ઉપયોગ કરી રહ્યા છે. એટલું નક્કી કરો કે, સામાન્ય પ્રજાની અવરજવરને કોઈ વિધ્ન ન પહોંચે. જો સરકારને એવું લાગે છે કે, આ વિરોધ પ્રદર્શનની આડમાં કોઈ અસામાજિક તત્ત્વો તથા રાષ્ટ્રવિરોધ તત્ત્વો સામેલ થઈ શકે છે તો યુદ્ધના ધોરણે તેઓ સુરક્ષા સંબંધિત ઉપાય અપનાવી શકે છે. આનો એમને પૂરતો અધિકાર છે.
સામાન્ય માણસને મુશ્કેલી ન પડે
મેટ્રો અને રેલવે સ્ટેશન પર સીસીટીવી કેમેરા છે. સરકાર પાસે સુરક્ષા માટેના બીજા પણ કેટલાક સાધનો છે. પણ સામાન્ય નાગરિકોને સ્ટેશન પહોંચવા પર મુશ્કેલી થાય અને સાર્વજનિક પરિવહન પણ ન થાય એવું ન કરી શકાય.
સાર્વજનિક પરિવહનનો ઉપયોગ કરવાનો દરેક નાગરિકને અધિકાર છે. વકીલ હરિહરને જણાવ્યું હતું કે, દરેક જગ્યાઓ પર બેરિકેડ દિલ્હી પોલીસે લગાવી દીધા છે. રસ્તા બંધ કરી દીધા છે. લોકો પાસે વાહનો હોવા છતા તેઓ કોઈ રીતે અવરજવર કરી શકતા નથી.
આના પર સુપ્રીમ કોર્ટના જજે ચોખવટ કરી છે કે, રસ્તા બંધ કરવાના મુદ્દે વૈકલ્પિક રસ્તાની જાણકારી આપવી જોઈએ. રસ્તા બંધ કરવાના મુદ્દા પર ફરી સમીક્ષા કરવી જોઈએ.
પરિવહન માટે અન્ય માર્ગનો ઉપયોગ કરી શકાય એ પ્રકારની વ્યવસ્થા કરવી જોઈએ. કોર્ટે એ પણ સ્પષ્ટતા કરી છે કે, કોર્ટ એ જાણવા માગે છે કે, આખરે ક્યા ક્યા વિસ્તારમાં પ્રતિબંધ લગાવવો જરૂરી છે. ક્યા વિસ્તારમાં ખરેખર જરૂર જ નથી. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું હતું કે, કોર્ટની ચિંતાને સરકાર સામે રાખવામાં આવશે.
અગાઉના વિરોધ પ્રદર્શનનો ચિતાર
વિરોધ પ્રદર્શન કરનારા સંસદ બાજુ જવા માગે છે. સંસદ કોઈ રાજકીય ઈમારત નથી પણ દેશની સંપ્રભુતાનું પ્રતીક છે. આ પ્રકારના આયોજને આ પહેલા પણ મર્યાદિત સમય માટે વિરોધ પ્રદર્શન કરવાની મંજૂરી માગી હતી. પણ સમય મર્યાદા પૂરી થયા બાદ પણ વિરોધ પ્રદર્શન ચાલુ રહ્યા છે. 20 જુનના રોજ સાંજે 5 વાગ્યા સુધીની મંજૂરી હતી પણ 17 દિવસ સુધી સતત વિરોધ પ્રદર્શન યથાવત રહ્યા. જેને મંજૂરી માગી હતી તેમણે લેખિતમાં વાત કહી હતી.
આ પછી વિરોધ પ્રદર્શન કરનારાઓએ સંવેદનશીલ વિસ્તારમાં પણ વિરોધ પ્રદર્શન કરવાનું શરૂ કરી દીધું હતું. આ પહેલા જે વિરોધ પ્રદર્શન થયું એમાં હિંસા થઈ હતી. 200 પોલીસ કર્મચારીઓને નાની મોટી ગંભીર ઈજા થઈ હતી. મહિલા પોલીસ કર્મચારીઓ સાથે છેડતી થઈ હતી. પોલીસને વિરોધ કરનારા ગાળો ભાંડતા હતા. પછી પોલીસે પૂરી જવાબદારી સાથે કાર્યવાહી કરી હતી.