નવી દિલ્હી: દેશમાં ચોમાસાની વિદાય સાથે મચ્છરજન્ય રોગોમાં વધારો થયો છે. જેમાં પણ ખાસ કરીને ડેન્ગ્યુના કેસોમાં દિલ્હી, ગુજરાત અને છેક તમિલનાડુ સુધી વધારો થયો છે. જેમાં ઓકટોબર માસના આઠ દિવસોમાં ડેન્ગ્યુના કેસો વધતાં હોસ્પિટલમાં લોકોની ભીડ વધી રહી છે.
ગુજરાતમાં 50 થી વધારે સુરક્ષા કર્મીઓને ડેન્ગ્યુ
જેમાં પણ તમિલનાડુ અને ગુજરાતમાં પ્રકાશમાં આવેલા આંકડાઓએ ચિંતા વધારી છે. આ ઉપરાંત દિલ્હી એનસીઆરમાં ઓકટોબર માસના પ્રથમ સપ્તાહમાં 100 થી વધુ કેસ નોંધાયા છે. તમિલનાડુમાં આ વર્ષે ઓકટોબર 7 સુધી 21 હજાર જેટલા કેસ નોંધાયા છે. જ્યારે 10 લોકોના મોત થયા છે. જ્યારે ગુજરાતના ગાંધીનગરમાં એકતા દિવસની પરેડમાં હાજર 50 થી વધારે સુરક્ષા કર્મીઓને ડેન્ગ્યુ થયો છે. જેમાંથી 43 જવાન હોસ્પિટલમાં દાખલ છે.
દિલ્હીમાં ડેન્ગ્યુના 286 મેલેરિયાના 124 કેસ નોંધાયા
આ ઉપરાંત સપ્ટેમ્બર મહિનામાં દિલ્હીમાં ડેન્ગ્યુના 286 અને મેલેરિયાના 124 કેસ નોંધાયા હતા. આ આંકડા ચાલુ વર્ષે અત્યાર સુધીમાં બંને રોગો માટે નોંધાયેલી માસિક સંખ્યામાં સૌથી વધુ છે. ઓક્ટોબર મહિનામાં અત્યાર સુધી દિલ્હીમાં ડેન્ગ્યુના 98 અને મેલેરિયાના 23કેસ નોંધાયા છે.આ વર્ષે મેલેરિયાના કુલ કેસની સંખ્યા 266 પર પહોંચી ગઈ છે.
તમિલનાડુમાં ડેન્ગ્યુને કારણે 10 લોકોના મોત થયા
જોકે, છેલ્લા કેટલાક અઠવાડિયાઓથી તમિલનાડુના અનેક શહેરોમાં ડેન્ગ્યુની સ્થિતિ ગંભીર બની છે.
જ્યારે તમિલનાડુના આરોગ્ય મંત્રી કે.જી. અરુણરાજે ગુરુવારે જણાવ્યું હતું કે ચેન્નાઈમાં ડેન્ગ્યુના કેસો હાલમાં સ્થિર છે. જોકે, તેમણે લોકોને અપીલ કરી હતી કે ડેન્ગ્યુના જોખમોને ધ્યાનમાં રાખીને મચ્છરોનો ઉપદ્રવ અટકાવવા માટે તમામ જરૂરી પગલાં લે. આ વર્ષે અત્યાર સુધીમાં રાજ્યમાં ડેન્ગ્યુને કારણે 10 લોકોના મોત થયા છે.