Fri Oct 09 2026

Logo

ક્રૂડ તેલના ભાવ ઘટતાં ડૉલર સામે રૂપિયામાં 17 પૈસાનું બાઉન્સબૅક

2026-10-09 19:37:37
Author: Ramesh Gohil
ક્રૂડ તેલના ભાવ ઘટતાં ડૉલર સામે રૂપિયામાં 17 પૈસાનું બાઉન્સબૅક

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)

મુંબઈઃ
આગામી નવેમ્બર મહિનાની મધ્યસત્રની ચૂંટણી પૂર્વ ઈરાન પર લશ્કરી કાર્યવાહી નહીં કરવામાં આવે એવું અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પે નિવેદન કર્યું હોવાના અહેવાલ સાથે વૈશ્વિક બજારમાં આજે ડૉલર ઈન્ડેક્સ અને બે્રન્ટ ક્રૂડ તેલના ભાવમાં સાધારણ નરમાઈનું વલણ અને સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં ઘટ્યા મથાળેથી સુધારો આવ્યો હોવાથી સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આજે ડૉલર સામે રૂપિયામાં 17 પૈસાનું બાઉન્સબૅક જોવા મળ્યું હતું અને 96.71ની સપાટીએ બંધ રહ્યો હતો. 

આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો સુધારાના અન્ડરટોને 96.74ના મથાળે ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં 96.77 અને ઉપરમાં 96.51 સુધી મજબૂત થયા બાદ અંતે ગઈકાલના બંધ સામે 17 પૈસાના સુધારા સાથે 96.71ના મથાળે બંધ રહ્યો હતો. નોંધનીય બાબત એ છે કે ગાઈકાલે ડૉલર સામે રૂપિયામાં 13 પૈસાનું ધોવાણ થયું હતું. 

સતત ત્રણ સત્ર દરમિયાન ડૉલર સામે રૂપિયામાં ધોવાણ થયા બાદ આજે ભારત સહિતનાં એશિયન ઈક્વિટી માર્કેટમાં સુધારાતરફી વલણ ઉપરાંત ક્રૂડ તેલના ભાવ પણ ઘટી આવતા રૂપિયામાં સુધારો જોવા મળ્યો હોવાનું એચડીએફસી સિક્યોરિટીઝનાં વિશ્લેષક દિલીપ પરમારે જણાવતાં ઉમેર્યું હતું કે અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પે વચગાળાની ચૂંટણી પૂર્વે ઈરાન પર લશ્કરી કાર્યવાહી કરવામાં નહીં આવે એવું જણાવવાને કારણે પણ રૂપિયાના સુધારાને ટેકો મળ્યો હતો. અમારા મતાનુસાર આગામી ટૂંકા સમયગાળામાં રૂપિયા માટે 95.30ની સપાટી ટેકાની સપાટી અને 97ની સપાટી પ્રતિકારક સપાટી પુરવાર થાય તેવી શક્યતા જણાય છે. 

દરમિયાન આજે વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંધ સામે 0.04 ટકા ઘટીને 102.09 આસપાસ અને બે્રન્ટ ક્રૂડ તેલના વાયદામાં ભાવ 1.28 ટકાના ઘટાડા સાથે બેરલદીઠ 102.95 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. તેમ જ સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટી અનુક્રમે 879.09 પૉઈન્ટ અને 288.65 પૉઈન્ટના સુધારા સાથે બંધ રહ્યા હતા. જોકે, ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. 12,943.58 કરોડની ચોખ્ખી વેચવાલી રહી હોવાથી રૂપિયામાં સુધારો મર્યાદિત રહ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.