Mon Apr 27 2026

Logo

જેલમાં બેઠાં બેઠાં ખંડણી માટે ગોળીબાર કરાવનારા ગુનેગારને 10 વર્ષની કેદ

2026-04-26 18:20:13
Author: યોગેશ સી પટેલ
Article Image

થાણે: ઉત્તર પ્રદેશની જેલમાં પુરાયેલા ગુનેગારે 2015માં થાણેના બિઝનેસમૅનને ખંડણી માટે ધમકી આપવા સહિત તેના પર ગોળીબારનું સૂત્રસંચાલન કર્યું હોવાનું સાબિત થયું હતું. થાણે કોર્ટે યુપીની જેલમાં જનમટીપની સજા ભોગવી રહેલા ગુનેગારને 10 વર્ષની સખત કેદની સજા સંભળાવી હતી.

ભિવંડીના એડિશનલ સેસન્સ જજ એન. એલ. કાળેએ આરોપી આઝાદ માસૂક અલી અન્સારી ઉર્ફે ઈજાઝ બટલાને (44) થાણેના બિઝનેસમૅન પર ખંડણી માટે ધમકી આપવાના કેસમાં કસૂરવાર ઠેરવ્યો હતો. આ કેસમાં પ્રયાગરાજની નૈની સેન્ટ્રલ જેલમાંથી બર્ચ્યુઅલ સુનાવણી કરવામાં આવી હતી.

ફરિયાદ પક્ષ અનુસાર અન્સારી જનમટીપ ભોગવી રહ્યો છે. આ કેસનો સહઆરોપી નવેમ્બર, 2015માં તેને નૈની જેલમાં મળ્યો હતો અને તેમણે ગુનાહિત કાવતરું ઘડી કાઢ્યું હતું.અન્સારીની સૂચનાને અનુસરીને તેના ગ્રૂપે વેપારી સંતોષ શેટ્ટી પાસેથી પચીસ લાખ રૂપિયાની ખંડણી માગી હતી. વેપારીએ નાણાં ન આપતાં તેના પર ગોળીબાર કરાવ્યો હતો.

કોર્ટે ભારતીય દંડ સંહિતાની કલમ 307 (હત્યાનો પ્રયાસ) અને 120-બી (ગુનાહિત કાવતરું) હેઠળ કસૂરવાર ઠેરવ્યો હતો. કોર્ટે તેને 10 વર્ષની સખત કેદ અને 4000 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.
આ કેસના અન્ય ત્રણ આરોપી જામીન પર છે અને સુનાવણી માટે કોર્ટમાં હાજર રહ્યા નહોતા. કોર્ટે આ ત્રણેય આરોપી સામે અલગથી કેસ ચલાવવાના નિેર્દેશ આપ્યા હતા. (પીટીઆઈ)