કેન્યાના રનરે પોતાના જ દેશના સદગત દોડવીરનો વર્લ્ડ રેકૉર્ડ તોડ્યો
લંડનઃ મુંબઈ મૅરથન સહિત વિશ્વના અનેક શહેરોમાં યોજાતી મૅરથનમાં રવિવારે નવો ઇતિહાસ રચાયો હતો જેમાં ફુલ મૅરથન (42.195 કિલોમીટર) પહેલી જ વખત બે કલાકની ઓછા સમયમાં પૂરી કરી નાખવામાં આવી હતી અને આ સિદ્ધિ કેન્યાના સબાસ્ટિયન સાવે (Sebastian Sawe)એ મેળવી હતી. તેણે લંડન ફુલ મૅરથન એક કલાક, 59 મિનિટ અને 30 સેક્નડમાં પૂરી કરીને નવો ઇતિહાસ રચ્યો હતો. એ પહેલાં, ક્યાંય પણ કોઈ મૅરથનમાં રનરે મુખ્ય દોડ બે કલાકથી ઓછા સમયમાં પૂરી નહોતી કરી. ખરેખર તો રવિવારે ફુલ મૅરથન પૂરી કરવા માટેનું બે કલાકનું વિઘ્ન બે વખત તૂટ્યું હતું.
સબાસ્ટિયને પોતાના જ દેશ કેન્યા (Kenya)ના કેલ્વિન કિપ્ટમનો ત્રણ વર્ષ જૂનો વિશ્વવિક્રમ તોડી નાખ્યો છે. કમનસીબે, કેલ્વિન કિપ્ટમ પોતાના જ દેશના સબાસ્ટિયનની મહાન સિદ્ધિ જોવા માટે હવે હયાત નથી. સબાસ્ટિયને કિપ્ટમ કરતાં એક મિનિટ વહેલી મૅરથન (Marathon) પૂરી કરી.
અગાઉના રેકૉર્ડધારક કેલ્વિનનું બે વર્ષ પહેલાં મૃત્યુ થયું
કેલ્વિન કિપ્ટમનું 2024માં 24 વર્ષની ઉંમરે કાર અકસ્માતમાં મૃત્યુ થયું હતું. તેણે 2023માં શિકાગો મૅરથનમાં ફુલ મૅરથન બે કલાક અને 35 સેક્નડ (2ઃ00ઃ35)માં પૂરી કરી હતી. જોકે હવે તેના જ દેશ કેન્યાનો સબાસ્ટિયન મૅરથન જગતમાં ચમકી ગયો છે અને સબાસ્ટિયને રવિવારે સિદ્ધિ મેળવીને કેલ્વિનને યાદ કરીને તેને અંજલિ આપી હતી.
સબાસ્ટિયને રેસ પહેલાં જ આગાહી કરેલી
સબાસ્ટિયને લંડનની રેસ પહેલાં જ એક જાણીતી વેબસાઇટના પત્રકારને કહ્યું હતું કે `બે કલાકથી ઓછા સમયમાં ફુલ મૅરથન પૂરી કરવાનો રેકૉર્ડ મોડા વહેલો નોંધાશે જ. બની શકે કે એ સિદ્ધિ કદાચ હું જ મેળવીશ.'
એક રેસમાં બે વખત બે કલાકનું બૅરિયર તૂટ્યું
લંડન મૅરથનમાં સબાસ્ટિયને 1ઃ59ઃ30ના રેકૉર્ડ-બે્રક ટાઇમિંગ સાથે ફુલ મૅરથનની રેખા પાર કરી એની થોડી ક્ષણો બાદ ઇથિયોપિયાના યૉમિફ કેયેલ્ચાએ પણ બે કલાકનું બૅરિયર તોડ્યું હતું. તેણે ફુલ મૅરથન 1ઃ59ઃ41ના ટાઇમિંગમાં પૂરી કરી હતી. જોકે તે બીજા નંબરે રહ્યો હતો. ત્રીજું સ્થાન યુગાન્ડાના જૅકબ કિપ્લિમોએ મેળવ્યું હતું. તેણે આ રેસ 2ઃ00ઃ35ના ટાઇમિંગમાં પૂરી કરીને કિપ્ટમના ત્રણ વર્ષ જૂના વિક્રમની બરાબરી કરી હતી.
મહિલાઓમાં રનરે પોતાનો જ વિશ્વવિક્રમ તોડ્યો
લંડન મૅરથનમાં મહિલાઓના વર્ગમાં ઇથિયોપિયાની ટિગ્સ્ટ અસેફા (2ઃ15ઃ41)એ ફુલ મૅરથન જીતી લીધી હતી. તેણે પોતાના જ વિશ્વવિક્રમી ટાઇમિંગને પાર કરીને નવા ટાઇમિંગ સાથે વિજય મેળવ્યો હતો.