Mon Apr 27 2026

Logo

વીમા કંપનીના અધિકારીના સ્વાંગમાં સાયબર ઠગે ચાર વર્ષમાં 64 લાખ રૂપિયા પડાવ્યા

2026-04-26 19:04:40
Author: યોગેશ સી પટેલ
Article Image

થાણે: વીમા કંપનીના અધિકારીના સ્વાંગમાં સાયબર ઠગોએ છેલ્લાં ચાર વર્ષમાં નવી મુંબઈના સિનિયર સિટીઝન પાસેથી 64 લાખ રૂપિયા પડાવ્યા હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.
નવી મુંબઈની સાયબર પોલીસે નોંધેલી ફરિયાદ અનુસાર 62 વર્ષના ફરિયાદીને છેતરવાની શરૂઆત જાન્યુઆરી, 2022થી થઈ હતી. ફરિયાદીને વૉટ્સઍપ કૉલ કરનારા શખસે પોતાની ઓળખ વીમા કંપનીના અધિકારી તરીકે આપી હતી.

કૉલ કરનારા શખસે વીમા પૉલિસીની પાકતી રકમ કઢાવી આપવાનું વચન આપ્યું હતું. જોકે આની સામે વિવિધ ખાનગી વીમા કંપનીઓ પાસેથી નવી વીમા પૉલિસીઓ લેવી પડશે, એવું જણાવ્યું હતું.ફરિયાદીએ નવી પૉલિસી લેવાની હામી ભરતાં બે વર્ષ સુધી ઉપરી અધિકારીઓ દ્વારા પ્રારંભિક ચુકવણી માટે કૉલ કરવામાં આવ્યા હતા. પછી એજન્ટ કોડ રિમૂવલ ફી, એફડીઆર ફી અને સ્ટેટ લેવલ ટૅક્સ સહિતના વિવિધ બોગસ ચાર્જીસ બતાવીને ઠગ ટોળકીએ ફરિયાદી પાસેથી નાણાં પડાવ્યાં હતાં. ફરિયાદીએ 32 ટ્રાન્ઝેક્શન દ્વારા પોતાનાં અને ભાઈનાં બૅન્ક ખાતાંમાંથી 64 લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા.

ફરિયાદ અનુસાર સિનિયર સિટીઝનને નવાં બૅન્ક ખાતાં ખોલાવીને એટીએમ કાર્ડ્સ ઈન્દ્રપુરમ્, ગાઝિયાબાદને સરનામે મોકલવાનું કહેતાં આ રૅકેટ સામે આવ્યું હતું. વળી, કેરલમના યશવંથપુર પોલીસ સ્ટેશનમાંથી ફરિયાદીના ખાતાંનો ઉપયોગ ગુનાહિત પ્રવૃત્તિઓ માટે થયો હોવાની નોટિસ મળી હતી. પોતે છેતરાયા હોવાની જાણ થતાં ફરિયાદીએ પોલીસનો સંપર્ક સાધ્યો હતો. પોલીસ મોબાઈલ નંબરો, ઈમેઈલ આઈડી અને ફરિયાદીએ જે બૅન્ક ખાતાંમાં નાણાં ટ્રાન્સફર કર્યાં હતાં તેની વિગતોને આધારે તપાસ કરી રહી છે. (પીટીઆઈ)