Mon Apr 27 2026

Logo

વિશ્વાશુ કર્મચારીએ દુકાનમાંથી થોડા થોડા કરીને 18 કરોડના દાગીના સેરવી લીધા!

2026-04-26 19:30:13
Author: યોગેશ સી પટેલ
Article Image

પુણેના જ્વેલર્સના કર્મચારી સહિત ત્રણની ધરપકડ: 5.24 કરોડના દાગીના હસ્તગત

પુણે: પુણેમાં જ્વેલર્સની દુકાનમાં કામ કરતા વિશ્વાશુ કર્મચારીએ જ થોડા થોડા કરીને લગભગ 18 કરોડ રૂપિયાના સોનાના દાગીના અને 72 લાખની રોકડ સેરવી લીધી હોવાની આંચકાજનક ઘટના સામે આવી હતી. ઓડિટ દરમિયાન આ હાથફેરાનો ખુલાસો થતાં પોલીસે કર્મચારી સહિત ત્રણની ધરપકડ કરી હતી.

પુણેના એન્ટિ-એક્સ્ટોર્શન સેલે પકડી પાડેલા આરોપીઓની ઓળખ પ્રશાંત કાંતિલાલ બર્મેચા (61), રમાકાંત મહાદેવ પરાળે (62) અને મધુ ઉર્ફે મહેશ્ર્વરી પરાળે (22) તરીકે થઈ હતી.
પોલીસ ફરિયાદ અનુસાર પુણેના લક્ષ્મી નગર ખાતે આવેલી એક પ્રસિદ્ધ જ્વેલર્સની દુકાનનું માર્ચ મહિનામાં ઓડિટ કરવામાં આવ્યું હતું. આખા વર્ષના ઓડિટમાં અંદાજે 18 કરોડ રૂપિયાના દાગીના અને 72 લાખની રોકડનો કોઈ તાળો મળતો નહોતો. આટલી મોટી રકમ અને દાગીના ગુમ હોવાનું જણાતાં દુકાનમાલિકને આંચકો લાગ્યો હતો. તેમણે વિશ્રામબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી.

કહેવાય છે કે આંતરિક તપાસમાં વિશ્વાશુ કર્મચારી બર્મેચા પર શંકા ગઈ હતી. બર્મેચાએ એક મહિલાની મદદથી આ હેરફેર કરી હોવાનું જણાયું હતું. પરિણામે પોલીસને આ અંગે જાણ કરાઈ હતી. કહેવાય છે કે પોલીસ તપાસનો ગાળિયો પોતાના ગળે ભેરવાતો જોઈ બર્મેચા ગાયબ થઈ ગયો હતો.આ પ્રકરણની તપાસ દરમિયાન એન્ટિ-એક્સ્ટોર્શન સેલને બર્મેચા અહિલ્યાનગર જિલ્લાના કેડગાવ ખાતે સંતાયો હોવાની માહિતી મળી હતી. પોલીસની ટીમે છટકું ગોઠવી બર્મેચા સહિત ત્રણને તાબામાં લીધા હતા. તેમની પાસેથી દાગીના અને રોકડ મળી અંદાજે 5.24 કરોડ રૂપિયાની મતા હસ્તગત કરવામાં આવી હોવાનું પોલીસે જણાવ્યું હતું.