Sat Apr 25 2026

Logo

ભારતની પ્રથમ ઑલિમ્પિક હૉકી બ્રૉન્ઝ વિજેતા ટીમના ખેલાડી ગુરબક્ષ સિંહનું હાર્ટ અટૅક બાદ નિધન

2026-04-25 16:35:05
Author: Ajay Motiwala
Article Image

ચંડીગઢઃ ભારતના ઑલિમ્પિક હૉકી-મેડલિસ્ટ ખેલાડી ગુરબક્ષ સિંહ ગ્રેવાલનું અહીં નજીકના ઝિરાકપુરમાં શુક્રવારે હાર્ટ અટૅકથી અવસાન થયું હતું. તેઓ 84 વર્ષના હતા. 1968માં ભારત ઑલિમ્પિક્સ (Olympics)માં પહેલી વખત હૉકીનો બ્રૉન્ઝ મેડલ જીત્યું હતું અને ગુરબક્ષ સિંહ એ વિજેતા ટીમમાં હતા.

1968ની ઑલિમ્પિક્સ મેક્સિકો શહેરમાં યોજાઈ હતી અને ભારત એમાં ફીલ્ડ હૉકીમાં ત્રીજા સ્થાને રહ્યું હતું. પાકિસ્તાને ગોલ્ડ મેડલ અને ઑસ્ટ્રેલિયાએ સિલ્વર મેડલ જીતી લીધો હતો.

યોગાનુયોગ, ગુરબક્ષ (Gurbax) ત્યારે ભારતની જે ઑલિમ્પિક ટીમમાં હતા એ જ ટીમમાં તેમના ભાઈ બલબીર સિંહ ગ્રેવાલ પણ હતા. આ સૌથી મોટા રમતોત્સવમાં હૉકીની મૅચમાં એક જ ટીમમાં બે ભાઈનો સમાવેશ હોય એ અનોખા કિસ્સાની હજી પણ ખેલજગતમાં ચર્ચા થઈ રહી છે.

ભારત ઑલિમ્પિક્સમાં હૉકીના વિક્રમજનક આઠ ગોલ્ડ મેડલ જીત્યું છે. ભારતને પ્રથમ સિલ્વર મેડલ 1960માં અને પ્રથમ બ્રૉન્ઝ મેડલ 1968માં મળ્યો હતો. એ બ્રૉન્ઝ બાદ ભારતીય હૉકી ખેલાડીઓ 1972, 2020 અને 2024માં પણ બ્રૉન્ઝ જીત્યા હતા.

ગુરબક્ષ સિંહ ખેલાડી તરીકેની કારકિર્દી બાદ પશ્ચિમ રેલવેમાં સિનિયર સ્પોર્ટ્સ ઑફિસર તરીકે નોકરી કરતા હતા. તેમણે ખાસ કરીને રાજસ્થાનમાંથી ભારતીય હૉકીને ટૅલન્ટેડ ખેલાડી અપાવ્યા હતા. મુંબઈમાં રેલવે વિભાગમાંથી નિવૃત્ત થયા બાદ તેઓ મુંબઈ હૉકી અસોસિયેશનના માનદ સચિવના હોદ્દા પર હતા.