Mon Apr 27 2026

Logo

ઉનાળાનો આકરો મિજાજ, સમગ્ર ઉત્તર ભારતમાં તાપમાન 45 ડિગ્રી થવાના એંધાણ

2026-04-26 09:45:00
Author: Mumbaisamachar Team
Article Image

નવી દિલ્હી/અમદાવાદઃ ગુજરાત રાજ્યમાં ઉનાળાનો આકરો મિજાજ જોવા મળી રહ્યો છે.સતત અને સખત તાપ વધતા, જનજીવન પર આની અસર થઈ રહી છે.આકાશમાંથી બપોરના સમયે જાણે અગનગોળા વરસતા હોય એવો અહેસાસ થઈ રહ્યો છે. બપોર પછીના સમયમાં ગરમ લૂ ફૂંકાતા શહેર જાણે અગનભઠ્ઠીમાં ફેરવાયું હોય એવો માહોલ છે. ગુજરાતના 9 શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર જતા લોકો રીતસરના પરસેવે ન્હાયા હતા. શનિવારે અમદાવાદ શહેરનું તાપામાન 43.8 ડિગ્રી નોંધાયું હતું.બપોરના સમયે રસ્તા પર જાણે કુદરતી કર્ફ્યૂ હોય એવો માહોલ જોવા મળ્યો હતો. 

ક્યાં કેટલું તાપમાન?
અમદાવાદનું 43.8 ડિગ્રી, અમરેલીનું 43.7 ડિગ્રી, રાજકોટનું 43.3 ડિગ્રી, ભૂજનું 43.3 ડિગ્રી, વડોદરાનું 42.5 ડિગ્રી, ડીસાનું 42.4 ડિગ્રી, ભાવનગરનું 41.7ડિગ્રી,સુરતનું 41.2 ડિગ્રી, કંડલાનું 37.7 ડિગ્રી, વલસાડનું 37.1 ડિગ્રી, નલિયાનું 36.0 ડિગ્રી,પોરબંદરનું 35.0 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અમદાવાદમાં છેલ્લા 15 વર્ષમાં એપ્રિલ મહિનામાં સૌથી વધારે તાપમાન નોંધાયું છે. આ વર્ષે પણ એપ્રિલ મહિનાની 30મી તારીખે તાપમાન 43 ડિગ્રી રહ્યું હતું. આ પહેલા ગત વર્ષે આ જ તારીખે તાપમાન 44.8 ડિગ્રી રહ્યું હતું. છેલ્લા પાંચ દિવસમાં શહેરના તાપમાનમાં ચાર ડિગ્રીનો વધારો થયો છે, જ્યારે અમદાવાદ કરતા રાજકોટનું તાપમાન વધારે નોંધાયું હતું. રાજકોટમાં છેલ્લા ત્રણ દિવસમાં પારો 3 ડિગ્રી ઉપર ચડ્યો હતો. હવામાન નિષ્ણાંતોના મત અનુસાર આગામી ત્રણ દિવસ સુધી તાપમાન ઘટવના કોઈ અણસાર નથી. 

દિલ્હીમાં વાતાવરણ પલટાશે
નવી દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારતમાં ગરમી વધી રહી છે. ભારતીય હવામાન વિભાગના રિપોર્ટ અનુસાર આવનારા ત્રણ દિવસ સુધી તપામાન ઘટવાના કોઈ એંધાણ દેખાતા નથી. તેથી ગરમીમાંથી કોઈ પ્રકારની રાહત મળવાની નથી. સામાન્ય કરતા વધારે તાપમાન જનજીવન પર માઠી અસર પાડે છે. છેલ્લા બે દિવસ સુધી દિલ્હીમાં તાપમાન 44 ડિગ્રી સુધી પહોંચતા પર્યટનથી લઈને વ્યવસાયિકો સુધી એની અસર જોવા મળી રહી છે. બીજી તરફ સતત હિટવેવને કારણે દિલ્હી શહેર એકદમ તપતું રહ્યું છે. 28 એપ્રિલ બાદ દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારતના હવામાનમાં એક પલટો જોવા મળશે. તાપ ઘટતા રાહત અનુભવાશે. આ દરમિયાન પવનની ગતિ 20-26 કિમી/કલાક થવાની સંભાવના છે. 

45 ડિગ્રી સુધી પહોંચી શકે છે પારો
દિલ્હીમાં આગામી એક દિવસમાં પારો 45 ડિગ્રી સુધી પહોંચી શકે છે. વાદળોનું આગમન થશે તો તાપમાન ઘટશે પણ બફારો અને ગરમ હવાથી છૂટકારો નહીં મળે. દિલ્હી સરકારે ઉનાળાને લઈને ગાઈડલાઈન્સ જાહેર કરી દીધી છે. ખાસ કરીને વૃદ્ધો અને બાળકો માટે એલર્ટ રહેવાની સૂચના આપવામાં આવી છે. કામ સિવાય બાહર ન નીકળવાની સલાહ આપવામાં આવી છે. પાતળા કપડાં પહેરવા, પાણી વધારે પીવું, તડકામાં નીકળતી વખતે ટોપી કે છત્રી સાથે રાખવી, મોઢા પર રૂમાલ કે માસ્ક પહેરીને નીકળવું, માથું કાયમ ઢાંકીને રાખવું જેવી સ્વાસ્થ્ય સંબંધી સૂચનાઓ આપવામાં આવી છે. 

સમગ્ર ઉત્તર ભારતમાં ગરમી
સમગ્ર ઉત્તર ભારતના મેદાની વિસ્તાર અને મહાનગરમાં ગરમીનો પારો સતત ઉપર ચડી રહ્યો છે. ઉત્તર પ્રદેશના નોઈડા, કાનપુર, લખનઉ, બરેલી તથા અયોધ્યમાં તાપ વધી રહ્યો છે. બીજી બાજુ હરિયાણાના જીંદ, હિંસાર અને ગુરૂગ્રામ જેવા શહેરો અગનભઠ્ઠી સમાન બની રહ્યા છે. સતત તાપને કારણે બપોરના સમયે જાણે કુદરતી કર્ફ્યૂ હોય એવો માહોલ દેખાઈ રહ્યો છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે, આગામી ત્રણ દિવસ સુધી તાપમાન વધશે એ પછી વાદળોનું આગમન થતા તાપમાન નીચું ઊતરશે. પણ આ વખતે એપ્રિલ મહિનાની સાથે મેં મહિનો પણ એટલો જ ગરમ રહેવાનો છે.