Mon Apr 27 2026

Logo

સુરતમાં ફરી રસ્તા પર દોડશે ડબલ ડેકર બસ; વડોદરામાં ઇ-બસનું આગમન, ચૂંટણી બાદ શરૂ થશે સેવા

2026-04-26 16:38:20
Author: Vimal Prajapati
Article Image

GSRTC


સુરત/અમદાવાદઃ ગુજરાત હવે આધુનિક અને હાઈટેક પબ્લિક ટ્રાન્સપોર્ટ તરફ આગળ વધી રહ્યું છે. ડાયમંડ સિટી સુરત અને સંસ્કારી નગરી વડોદરામાં નવી બસ સેવાઓ માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે, પરંતુ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના કારણે લોકોએ આ સુવિધાનો આનંદ લેવા માટે થોડી રાહ જોવી પડશે. સુરતમાં તો ડબલ ડેકર બસનું ટ્રાયલ શરૂ કરવામાં આવશે તેવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.

સુરતમાં ડબલ ડેકર બસની 'ઘરવાપસી'

મુંબઈ અને અમદાવાદની જેમ હવે સુરતમાં પણ ડબલ ડેકર બસ દોડવાની છે. સુરત માટે આ એક ઐતિહાસિક ક્ષણ છે, કારણ કે ભૂતકાળમાં અહીં ડબલ ડેકર બસો ચાલતી હતી. આ બસનો ટ્રાયલ રન પણ પૂર્ણ થઈ ગયો છે અને બસો શહેર સુધી પહોંચી પણ ગઈ છે. જોકે, સ્થાનિક ચૂંટણીના કારણે લાગુ પડેલી આચાર સંહિતાના લીધે હાલ આ બસોને રસ્તા પર ઉતારવામાં આવી નથી. સુરતવાસીઓ માટે લાંબા સમય પછી ડબલ ડેકરની 'ઘરવાપસી' થઈ રહી છે.

ટૂંક સમયમાં વડોદરામાં પણ ઇ-બસ સેવાનો પ્રારંભ થસે

વડોદરા મહાનગરપાલિકા દ્વારા 'પીએમ ઈ-બસ સેવા' અંતર્ગત શહેરમાં 250 ઇલેક્ટ્રિક બસો દોડાવવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. પ્રથમ તબક્કામાં 40 બસોની ફાળવણી કરવામાં આવી છે, જેમાંથી 7 બસો શહેર પહોંચી પણ ગઈ છે. હાલ આ તમામ બસોને પૂજા-વિધિ બાદ ડેપોમાં પાર્ક કરી દેવામાં આવી છે.  વડોદરા મ્યુનિસિપલ કમિશનરના જણાવ્યાં પ્રમાણે, ચૂંટણી આચાર સંહિતા લાગુ હોવાથી હાલ બસ સેવાનો શુભારંભ થઈ શક્યો નથી. બસના રૂટ અને ટિકિટિંગનું આયોજન ચાલી રહ્યું છે. ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયાં બાદ પીએમઓની મંજૂરી મેળવી આ બસોને સત્તાવાર રીતે રસ્તા પર દોડતી કરી દેવામાં આવશે.

બુલેટ ટ્રેન અને વર્લ્ડ ક્લાસ કનેક્ટિવિટી

સરકાર દ્વારા ગુજરાતના મુખ્ય શહેરોમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરને સતત મજબૂત કરવામાં આવી રહ્યું છે. અમદાવાદ, સુરત અને વડોદરા ત્રણેય શહેરોમાં બુલેટ ટ્રેન સ્ટેશનોનું નિર્માણ થઈ રહ્યું છે, જે આર્થિક ગતિવિધિઓને વેગ આપશે.આ સાથે એરપોર્ટ અને બુલેટ ટ્રેન સ્ટેશન વચ્ચે મુસાફરો માટે હાઈટેક ઇલેક્ટ્રિક બસો જ મુખ્ય કનેક્ટિવિટીનું માધ્યમ બનશે. એટલું જ નહીં પરંતુ 2030 કોમનવેલ્થ ગેમ્સ અને રાજ્યના અન્ય મોટા પ્રોજેક્ટ્સને ધ્યાનમાં રાખીને રસ્તાઓને પણ વર્લ્ડ ક્લાસ બનાવવાની તૈયારીઓ ચાલી રહી છે.