Mon Oct 05 2026

Logo

પ્રાસંગિકઃ યુકે ભંગાણના આરે...

2026-09-23 07:29:13
Author: Amul Dave
પ્રાસંગિકઃ યુકે ભંગાણના આરે...

અમૂલ દવે

14 સપ્ટેમ્બર 2026ના રોજ કાર્ડિફ ખાતે સ્કોટલેન્ડના ફર્સ્ટ મિનિસ્ટર જ્હોન સ્વિની, વેલ્સના નેતા રુન અપ આયોર્વર્થ અને નોર્ધન આયરલૅન્ડના મિશેલ ઓ’નિલે એક ઐતિહાસિક સંયુક્ત સમજૂતી પર હસ્તાક્ષર કરીને વેસ્ટમિન્સ્ટર સરકાર સામે મોરચો માંડ્યો છે. આ નેતાઓએ યુનાઇટેડ કિંગડમની કેન્દ્ર સરકારને સ્પષ્ટ ચેતવણી આપતા જણાવ્યું છે કે વેસ્ટમિન્સ્ટરનો સમય હવે પૂર્ણ થઈ રહ્યો છે અને તેમનું વાસ્તવિક ભવિષ્ય યુરોપિયન યુનિયન સાથે જોડાયેલું છે. 

સ્કોટલેન્ડ 2031 પહેલાં સ્વતંત્રતા માટે નવા રેફરેન્ડમની માગ કરી રહ્યું છે, જ્યારે નોર્ધન આયરલૅન્ડ આયરલૅન્ડ સાથેના એકીકરણ તરફ આગળ વધી રહ્યું છે. બીજી તરફ, યુકેના પ્રધાનમંત્રી બર્નહામે આ તમામ માગણીઓ અને રેફરેન્ડમની શક્યતાઓને સખત રીતે ફગાવી દીધી છે.  

યુનાઇટેડ કિંગડમ (યુકે) આજે તેના ઇતિહાસના એક અત્યંત સંવેદનશીલ, જટિલ અને નિર્ણાયક બંધારણીય મોરચે આવીને ઊભું છે. સપ્ટેમ્બર 2026માં સ્કોટલેન્ડ- વેલ્સ અને નોર્ધન આયર્લેન્ડના પ્રથમ મંત્રીઓએ કાર્ડિફ ખાતે એક ઐતિહાસિક સમજૂતી પર હસ્તાક્ષર કરીને બ્રિટિશ રાજકારણમાં ભારે ચર્ચા અને ખળભળાટ જગાવ્યો છે. 

આ સંયુક્ત રાજકીય સમજૂતીમાં ત્રણેય નેતાઓએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે તેમના દેશનું ભવિષ્ય યુરોપિયન યુનિયન (ઈયુ) સાથે જોડાયેલું છે અને તેમણે લંડનની વેસ્ટમિન્સ્ટર સરકારને મોટો બંધારણીય બદલાવ લાવવા માટે તૈયારી કરવાની તાકીદ કરી છે. આ સમજૂતીનો અર્થ એ નથી કે આ ત્રણેય રાજ્ય તાત્કાલિક અસરથી યુકેથી અલગ થઈ ગયા છે, પરંતુ સ્વતંત્રતા અથવા આયર્લેન્ડના પુન: એકત્રીકરણ માટેના રેફરેન્ડમ (જનમત સંગ્રહ)ની માગણી આંતરરાષ્ટ્રીય સ્તરે અભૂતપૂર્વ રીતે મજબૂત બની છે. 

આ રાજકીય મુદ્દો ત્યારે વધુ ગરમ બન્યો જ્યારે અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પે આયર્લેન્ડની મુલાકાત દરમિયાન નોર્ધન આયર્લેન્ડ અને આયર્લેન્ડ રિપબ્લિકના પુન:એકત્રીકરણને ખુલ્લું સમર્થન આપતાં કહ્યું કે પોતે આ એકીકૃત આયર્લેન્ડ વહેલી તકે જોવા માગે છે.

ભૂતકાળમાં ડોકિયું કરીએ તો સ્કોટલેન્ડનો ઇતિહાસ લાંબો, જટિલ અને સ્વાયત્તતાની ભાવનાથી ભરેલો રહ્યો છે. 1603માં સ્કોટિશ રાજા જેમ્સ છઠ્ઠો ઇંગ્લેન્ડનો પણ રાજા બન્યો હતો અને ત્યારબાદ 1707ના ‘એક્ટ ઓફ યુનિયન’ દ્વારા સ્કોટલેન્ડ અને ઇંગ્લેન્ડનું રાજકીય વિલીનીકરણ થયું. ત્યારથી સ્કોટલેન્ડ યુકેનો ભાગ રહ્યું છે, પરંતુ તેણે પોતાની આગવી કાનૂની વ્યવસ્થા, શિક્ષણ પ્રણાલી અને વિશિષ્ટ સંસ્કૃતિ હંમેશાં જાળવી રાખી છે. 

1999માં સત્તાના વિકેન્દ્રીકરણ (ડિવોલ્યુશન) દ્વારા સ્કોટિશ પાર્લામેન્ટની સ્થાપના થઈ અને 2014ના ઐતિહાસિક સ્વતંત્રતા રેફરેન્ડમમાં 55 ટકા લોકોએ યુકે સાથે રહેવાની તરફેણમાં ‘ના’ કહ્યું હતું. જોકે, 2016ના બ્રેક્ઝિટ મતદાનમાં સ્કોટલેન્ડની બહુમતી જનતાએ ઈયુમાં રહેવાનું પસંદ કર્યું હોવા છતાં, સમગ્ર યુકે સાથે તેણે પણ ઈયુ છોડવું પડ્યું. હાલમાં સ્કોટિશ નેશનલ પાર્ટી (એસએનપી)ના નેતા જ્હોન સ્વિની પ્રથમ મંત્રી છે અને તે બીજા રેફરેન્ડમની સક્રિય માગ કરી રહ્યા છે. તાજેતરના વિવિધ સર્વેક્ષણો દર્શાવે છે કે સ્કોટલેન્ડમાં સ્વતંત્રતા પ્રત્યેનો જનસંપર્ક અને ટેકો હાલમાં લગભગ 45 થી 50 ટકા જેટલો મજબૂત છે.

બીજી તરફ, વેલ્સનો ઇતિહાસ વધુ પ્રાચીન અને સંઘર્ષમય છે. મધ્યયુગમાં ઇંગ્લેન્ડે વેલ્સ પર સૈન્ય વિજય મેળવ્યો હતો અને 1535-1542ના સંસદીય કાયદાઓ દ્વારા તેને ઇંગ્લેન્ડ સાથે સંપૂર્ણપણે જોડી દેવામાં આવ્યું હતું. આમ છતાં, વેલ્સની જનતાએ પોતાની ભાષા, પરાંપરા અને સંસ્કૃતિને આટલી સદીઓ પછી પણ જીવંત રાખી છે. 1999માં ‘સેનેડ’ (વેલ્શ પાર્લામેન્ટ)ની સ્થાપનાથી અહીં પણ સ્વશાસનનો પ્રારંભ થયો. 

2026ની ચૂંટણીમાં ‘પ્લેઇડ કમરી’ પક્ષ સૌથી મોટા રાજકીય પક્ષ તરીકે ઊભરી આવ્યો અને રૂન એપ આયોરવર્થ પ્રથમ મંત્રી બન્યા. વેલ્સમાં સ્વતંત્રતા માટેનો જનસહયોગ સ્કોટલેન્ડ કરતાં ઓછો  એટલે કે આશરે 25 થી 32 ટકા જેટલો છે. વેલ્સ હજુ પૂરતી આર્થિક આત્મનિર્ભરતા ધરાવતું ન હોવાથી, તે હાલમાં તાત્કાલિક યુકેથી અલગ થવાને બદલે લંડન પાસેથી વધુ રાજકીય સત્તા અને નાણાકીય ભંડોળની માંગ કરી રહ્યા છે. તેમણે 2030 પહેલાં કોઈ રેફરેન્ડમ યોજવાની યોજના બનાવી નથી.

આ બન્ને વચ્ચે નોર્ધન આયર્લેન્ડની કથા તદ્દન અલગ અને લોહીયાળ ભૂતકાળ ધરાવે છે. 1921માં આયર્લેન્ડના વિભાજન પછી ઉત્તરનો ભાગ યુકેમાં જ રહ્યો. 1960થી 1990ના દાયકા દરમિયાન આ પ્રદેશમાં ‘ધ ટ્રબલ્સ’ નામે ઓળખાતી ભારે સશસ્ત્ર અને કોમવાદી હિંસા થઈ, જેમાં હજારો લોકોએ પોતાના જીવ ગુમાવ્યા. 

1998ના ‘ગુડ ફ્રાઇડે એગ્રિમેન્ટ’ નામના શાંતિ કરારથી ત્યાં હિંસાનો અંત આવ્યો અને સત્તા વહેંચણીનું બંધારણીય માળખું રચાયું. આ કરારમાં જોગવાઈ છે કે જો જનમતમાં મોટો ફેરફાર થાય તો આયર્લેન્ડ સાથે પુન:એકત્રીકરણ માટે મતદાન યોજી શકાય છે. હાલમાં ‘સિન ફેઇન’ પક્ષના મિશેલ ઓ’નીલ પ્રથમ પ્રધાન છે, જે આયર્લેન્ડ સાથે જોડાવવાના મુખ્ય પક્ષધર છે. સર્વે અનુસાર આયર્લેન્ડના એકીકરણને 35 થી 40 ટકા લોકોનું સમર્થન મળી રહ્યું છે.

આ પરિસ્થિતિ વચ્ચે ભવિષ્યમાં શું થશે તે એક મોટો પ્રશ્ન છે. ત્રણેય પ્રદેશના નેતાઓએ રેફરેન્ડમની માગ કરી છે, પરંતુ યુકે સંસદની કાનૂની મંજૂરી વિના આ પ્રકારનો જનમત શક્ય નથી. પ્રધાનમંત્રી એન્ડી બર્નહામે સ્પષ્ટ કર્યું છે કે જો સ્કોટલેન્ડમાં ‘સ્પષ્ટ સર્વસંમતિ’ હોય તો જ વિચારણા થઈ શકે, પરંતુ હાલમાં યુકે સરકારે કોઈ મંજૂરી આપી નથી. 

જો ભવિષ્યમાં રેફરેન્ડમ યોજાય અને ‘હા’ નો વિજય થાય, તો અર્થતંત્ર, કરન્સી, સરહદ સુરક્ષા, સંરક્ષણ વ્યવસ્થા અને ઈયુમાં પુન:પ્રવેશ જેવા જટિલ મુદ્દાઓ પર લાંબી આંતરરાષ્ટ્રીય વાટાઘાટો થશે. સ્કોટલેન્ડ અને વેલ્સ સ્વતંત્ર દેશ બની ઈયુમાં ફરી પ્રવેશ કરી શકે છે, જ્યારે નોર્ધન આયર્લેન્ડ આયર્લેન્ડ રિપબ્લિકમાં ભળી શકે છે. પરિણામે યુકે માત્ર ઇંગ્લેન્ડ પૂરતું સીમિત રહી જશે, જે વૈશ્વિક સ્તરે આર્થિક અને રાજકીય રીતે મોટો ફેરફાર લાવશે.

જોકે આ સમગ્ર પ્રક્રિયા અત્યંત જટિલ અને પડકારોથી ભરેલી છે. આર્થિક અનિશ્ર્ચિતતા, આંતરરાષ્ટ્રીય વેપાર, ઊર્જા સંસાધનો અને નાગરિકતા જેવા પ્રશ્નો ખૂબ મોટા છે. યુકે સરકાર રાષ્ટ્રની એકતા જાળવવા તમામ પ્રયાસો કરશે, જ્યારે રાષ્ટ્રવાદી પક્ષો જનસંપર્ક વધારીને પોતાની માગ વધુ બુલંદ બનાવશે. આવનારા વર્ષોમાં યુકેમાં નવા રેફરેન્ડમ, લાંબી વાટાઘાટો અને કદાચ નવું બંધારણીય માળખું જોવા મળી શકે છે. યુનાઇટેડ કિંગ્ડમની અખંડિતતા અને એકતા જાળવવી હવે લંડન માટે ઇતિહાસમાં ક્યારેય ન હતી એટલી અઘરી બની ગઈ છે.