Tue Oct 06 2026

Logo

અજબ ગજબની દુનિયા

2026-09-30 07:54:56
Author: Henry Shastri
અજબ ગજબની દુનિયા

હેન્રી શાસ્ત્રી

લફરું પકડવા જતા લફડું થયું! 

પ્રખ્યાત લેખક ચાર્લ્સ ડિકન્સની નવલકથા ‘ઓલિવર ટ્વિસ્ટ’માં મિસ્ટર બમ્બલ નામના પાત્રને કહેવામાં આવે છે કે ‘કાયદો એવું માને છે કે તમારી પત્ની તમારા વશમાં છે અને તે જે પણ કરે છે તે તમારા કહેવાથી જ કરે છે.’ એ વખતે મિસ્ટર બમ્બલ કાયદાની જડતા પર રોષે ભરાઈ કહે છે કે ‘જો કાયદો એવું માનતો હોય તો કાયદો ગધેડો છે - અને આજન્મ મૂર્ખ છે.’ 

બરાબર આ પ્રકારની અનુભૂતિ હવે જે જણાવીશ એ પ્રસંગ વાંચ્યા પછી તમને પણ થઈ શકે છે. રિપબ્લિક ઑફ ચાઇના - તાઇવાનમાં પત્નીનું લફરું ઉઘાડું પાડવાની કોશિશમાં પતિ સાથે જ લફડું થયું હોવાની ઘટના બની છે. પતિને પત્નીની ચાલચલગત પર શંકા પડી અને પાર્કિંગ ગૅરેજના સર્વેલન્સ ફૂટેજ પરથી કોઈ પુરુષ એની પત્નીને ઘરે મૂકવા આવ્યો હોવાની જાણ થઈ. વધુ નજર રાખતાં પત્નીને અફેર (વિવાહબાહ્ય સંબંધ) હોવાની જાણ થઈ. 

ટેક્નૉલૉજીમાં પાવરધો હોવાથી પતિએ ઘરની બહાર નીકળી થોડી દૂર જઈ મોબાઇલ ઍપ્લિકેશનથી ઘરનું રોબોટ વૅક્યુમ ક્લીનર ઍક્ટિવેટ કર્યું. રૂમોના આંટાફેરા દરમિયાન રોબોટે એની પત્નીને અન્ય પુરુષ સાથે બેડરૂમમાં રંગરેલિયા મનાવતી જોઈ. સજ્જડ પુરાવો હાથ લાગતાં પતિએ કોર્ટ કેસ કરી વીસ લાખ ન્યુ તાઈવાન ડૉલર (આશરે 60 લાખ રૂપિયા) વળતર પેટે માગ્યા. અદાલતે પતિની તરફેણમાં ચુકાદો આપી પત્નીને પાંચ લાખનું વળતર આપવા આદેશ આપ્યો. 

જોકે પતિનો આનંદ ઝાઝો ન ટક્યો, કારણ કે પત્નીએ પણ કાયદાનો આધાર લીધો. વીડિયોથી પત્નીનું ચારિત્ર્ય ઉઘાડું પડી ગયું, પણ સાથે સાથે બે પ્રેમીઓની અંતરંગ ક્ષણો પરવાનગી વિના રેકૉર્ડ કરવાનો અધિકાર કોઈને નથી. એનો લાભ લઈ પત્નીએ સામો કેસ ઠોક્યો અને કોર્ટે પતિને પાંચ મહિનાની જેલની સજા અને દોઢ લાખ ન્યૂ તાઈવાન ડૉલર (આશરે સાડા ચાર લાખ રૂપિયા)નો દંડ કર્યો.

આસમાન મેં ઉડનેવાલી, બુટીક મેં ખિલ જાએગી

‘મૅડમ, તમે તો ઍરફોર્સમાં હતા ને. ઍરફોર્સ ઑફિસરમાંથી બુટીકવાળી આન્ટી કેવી રીતે બની ગયાં?’
દેહરાદૂનમાં ફૅશનેબલ ક્લોધિંગનો બ્રાન્ડનો બિઝનેસ કરતી ઐશ્વર્યા મૅડમને આ સવાલ દિવસમાં દસ વખત કરવામાં આવે છે. જરાય કંટાળ્યા વિના હસ્તે મોઢે એનો જવાબ ખુલાસા સાથે આપવામાં આવે છે. સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ ‘ઇન્સ્ટાગ્રામ’ પર એશે આ બાબતે માંડીને વાત કરી છે. 

અચંબામાં મૂકી દેનારા આ નિર્ણય પાછળ કોઈ ઉતાવળ કે ક્ષતિ જવાબદાર નથી, પણ લાગણી, પારિવારિક પ્રેમ જવાબદાર છે એ સમજાય છે. ઍરફોર્સમાં એની નોકરી શૉર્ટ સર્વિસ ઑફિસર તરીકે હતી. આ પ્રકારના જૉબમાં પાઇલટ તરીકે અથવા ગ્રાઉન્ડ સ્ટાફ તરીકે 14 વર્ષ ડ્યૂટી કરવાની હોય છે. એ મુદત પૂરી થયા પછી સ્વૈચ્છિક રીતે વધારી શકાય છે. 14 વર્ષ પૂરાં થયાં એટલે ઐશ્ર્વર્યાને પોતાનાં બાળકો, વૃદ્ધ માતા પિતા વધુ યાદ આવવા લાગ્યાં. 

દેશની જવાબદારી સામે પારિવારિક જવાબદારીનું પલડું નમી ગયું અને નોકરીમાં ત્યાગપત્ર આપી મૅડમ પહોંચી ગયાં દેહરાદૂન. જોકે લાગલગાટ 14 વર્ષ પ્રવૃત્તિમય રહેલા જીવને કેવળ ઘરમાં ગોઠે નહીં એ સ્વાભાવિક છે. ફૅશન પ્રત્યેનો લગાવ અને વસ્ત્રોની મૂળભૂત જરૂરિયાતનું સમીકરણ મગજમાં ફિટ બેસી ગયું. 

ઘરેથી ચાલીને દસેક મિનિટના અંતરે એક દુકાનમાં બુટીક શરૂ કરી દીધું જેને માફકસરનો રિસ્પૉન્સ મળી રહ્યો છે. પરિવારની સાથે રહી બાળકો અને માતાપિતાની સારસંભાળ રાખી ફૅશનના પેશનની માવજત પણ થાય છે. એશ નવી લાઇફની મજા માણી રહી છે. 

અંધારા પછી અજવાળું. પિટાઈ પછી પરણેતર

ખાતર પાડવા આવેલા ચોરને ધોલધપાટ અને પિટાઈ કર્યા પછી ઘરની તિજોરીની ચાવી સોંપવામાં આવી હોય એવું તમને જો કહેવામાં આવે તો ‘ટાઢાપહોરનું ગપ્પું મારવું રહેવા દ્યો’ એવી પ્રતિક્રિયા સહજ ગણાય. 

જોકે ઉત્તર પ્રદેશના કૌશામ્બી જિલ્લાના એક ગામમાં બનેલી ઘટના અંધારામાં અજવાળું પાથરનારી સાબિત થઈ છે. આકાશ નામનો યુવાન અને સલોની નામની છોકરી એકમેકના ગળાડૂબ પ્રેમમાં હતાં. જોકે કોઈ કારણસર બંને જણ જાહેરમાં ખુલ્લેઆમ મળી નહોતા શકતા. સલોનીના ઘરના સભ્યો બહાર ગયા હોવાની જાણ થતાં રાતના અંધારાનો લાભ લઈ આકાશ પહોંચી ગયો સલોનીનો સ્નેહ મેળવવા. મીઠી ગોઠડી કરતાં સમયનું ભાન ન રહ્યું અને ઘરના સભ્યો આવી પહોંચ્યા. 

અંધારાનો લાભ લઈ આકાશે ભાગી જવાની કોશિશ કરી, પણ પરિવાર કે હાથ લંબે હોતે હૈંનો પરચો થયો. એને પકડી ધોલધપાટ કરી ખૂબ પિટાઈ કરી. પોલીસમાં ફરિયાદ દાખલ થઈ અને પ્રેમીને પોલીસ સ્ટેશન લઈ જવાયો. જોકે કાનૂને સમજદારી દાખવી કે શું થયું ખબર ન પડી, પણ પ્રેમી - પ્રેમિકાના પરિવારજન તેમનાં લગ્ન કરાવવા રાજી થઈ ગયા. ત્રણ વર્ષના અફેરનો અંત આખરે સાત ફેરાના સહજીવનમાં પરિણમ્યો. સ્વાભાવિક છે કે એકેય પરિવાર કેસ માટે આગ્રહી ન હોય. ઘીના ઠામમાં રહેલું ઘી નવા ડબ્બામાં પૅક થઈ ગયું.

અન્ન એવો ઓડકાર, નસીબ એવાં નાણાં

કિસ્મત, ભાગ્ય, કર્મ, પ્રારબ્ધ, દૈવ, તકદીર... નસીબના પર્યાયવાચી શબ્દો છે, પણ પ્રારબ્ધનો પર્યાય તો પુરુષાર્થ જ ગણાય છે. પુરુષાર્થ વિના પ્રારબ્ધ પાંગળું છે એ બહુ જ જાણીતી કહેવત છે. આ વાસ્તવિકતા હોવા છતાં નસીબ આડેનું પાંદડું ક્યારે ખસી જાય, કિસ્મત ક્યારે કરવટ લે એના કોઈ ગણિત નથી હોતાં. પરિવર્તનશીલ જીવનમાં એક નાની ઘટના, મુલાકાત કે નિર્ણય જિંદગી આખીને ધરમૂળથી બદલી નાખવાની ક્ષમતા ધરાવે છે. 

મૂડ ખરાબ હોવાથી, કામના સ્ટ્રેસને કારણે ચિત્ત ચકરાવે ચડ્યું હોવાથી અને સવારે મોડું થવાને લીધે લંચબૉક્સ સાથે નહીં લાવી શકેલી અમેરિકન મહિલાના જીવનમાં ભાગ્યે એવી ભવ્યતા દેખાડી છે કે વિરારની સિંગલ રૂમનું જીવન વાલ્કેશ્ર્વરના આલીશાન ટુ બીએચકે ફ્લૅટમાં રૂપાંતર થઈ જવાનું છે. યુએસના વર્જિનિયા સ્ટેટમાં રહેતી એક અમેરિકન મહિલા તણાવમુક્ત અને ઑફિસના વાતાવરણથી થોડો સમય દૂર થવા લંચટાઇમમાં બહાર જઈ પેટપૂજા કરવાનું નક્કી કર્યું. 

‘લવ ફૂડ માર્ટ’ પર જઈ એકાદી વાનગી ઝાપટી ઓડકાર ખાતાં ખાતાં મનમાં આવ્યું એટલે 20 ડૉલરની સ્ક્રેચ ઑફ ટિકિટ (એક પ્રકારની લૉટરી) ખરીદી. ટિકિટ સ્ક્રેચ કરતાં ખબર પડી કે એને 20 લાખ ડૉલર (આશરે 19 કરોડ રૂપિયા)ની લૉટરી લાગી છે. આંખોમાં ચમક આવી ગઈ, સ્ટ્રેસ પોબારા ગમી ગયું, પણ મહિલા ઊછળી ન પડી. જાણે કશું જ બન્યું નથી એમ ઑફિસ પહોંચી પોતાની ડ્યૂટી પૂરી કરી. પછી વર્જિનિયા લૉટરી ઑફિસરોને મળી ત્યારે એની સમક્ષ બે વિકલ્પ રાખવામાં આવ્યા. 

એક 20 લાખ ડૉલરની રકમ ત્રીસ વર્ષ દરમિયાન દર વર્ષે સરખા હપ્તે (વર્ષના 66,666) સ્વરૂપે મળશે અને જો એક સાથે જોઈતા હોય તો 9 લાખ બાવન હજાર ડૉલર (આશરે નવ કરોડ રૂપિયા) મળશે. મહિલાએ બીજો વિકલ્પ પસંદ કર્યો જેથી ટિકિટ વેચનારા દુકાનદારને પણ વિનિંગ સ્ક્રેચ કાર્ડ વેચવાનું બોનસ મળ્યું. ભાગ્યની દેવીએ થોડાક છાંટા દુકાનદાર પર પણ નાખ્યા. 

લ્યો કરો વાત 

નિકોલ કિડમેન એટલે અજબ અભિનેત્રીના ગજબ શોખ. આ ઑસ્ટ્રેલિયન અદાકારાને પાર્ટી-શાર્ટી અને ડાન્સિંગ-બાંસિન્ગનો જબરો શોખ છે. ક્લબમાં જઈને નાચવાની અદમ્ય ઇચ્છા ઊભરી આવે તો વેશભૂષા બદલી (વિગ પહેરી કાળા ગૉગલ્સ ચડાવી) રાતના એક વાગ્યે પહોંચી જાય. આ સિવાય ઍક્ટ્રેસને એક વિચિત્ર શોખ પણ છે, જંતુઓ અને પ્રાણીઓ સાથે પાર્ટી કરવાનો, બોલો! નિકોલ કિડમેનનું કહેવું છે કે તે અગાઉ સાપ સાથે ખૂબ પાર્ટી કરતી હતી અને એમાં એને મજા પણ આવતી હતી. આ વાત આગળ વધારીને એ કહે છે કે નાનપણમાં તેને એક કરોળિયો પાળ્યો હતો અને એની સાથે તેની ઘણી સ્મૃતિઓ જોડાયેલી છે. ઘણી વાર કરોળિયાની સ્મૃતિઓ વાગોળે છે. જોકે ઝેરી પ્રાણીઓ સાથે દોસ્તી કરનાર નિકોલ સ્વભાવે ઝહેરીલી નથી. ઘણી શાંત અને સરળ છે.