- ભરત ભારદ્વાજ
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પે ફરી એક વાર ભારત વિરોધી માનસિકતાનો પરચો બતાવીને ભારતની ચાર અને અમેરિકાની ચાર એમ આઠ મોટી આઈટી કંપનીઓને ગ્રીન કાર્ડ પ્રોગ્રામમાંથી તગેડી મૂકી છે. ટ્રમ્પના ફતવાના કારણે આ આઠ કંપનીઓના અમેરિકામાં કામ કરી રહેલા કર્મચારીઓ પરમેનન્ટ રેસિડેન્સી માટે અરજી કરીને ગ્રીન કાર્ડ નહીં મેળવી શકે કેમ કે આ આઠ કંપનીઓ પોતાના કર્મચારીઓ માટે પરમેનન્ટ લેબર સર્ટિફિકેશન એટલે કે પ્રોગ્રામ ઇલેક્ટ્રોનિક રિવ્યૂ મેનેજમેન્ટ (PERM) માટે અરજી નહીં કરી શકે. આ કંપનીઓમાં ભારતની ટીસીએસ, ઇન્ફોસિસ, વિપ્રો અને એચસીએલ એ ચાર કંપનીનો સમાવેશ થાય છે જ્યારે અમેરિકાની ચાર કંપનીઓમાં માઇક્રોસોફ્ટ, એડોબી, કોગ્નિઝન્ટ અને કેપજેમિની સામેલ છે.
અમેરિકામાં એચ-વન બી (H-1B) વિઝા પર કામ કરી રહેલા વિદેશી કર્મચારીઓને અમેરિકામાં કાયમી વસવાટ અપાવવા માટે કંપનીઓ પ્રોગ્રામ ઇલેક્ટ્રોનિક રિવ્યૂ મેનેજમેન્ટ (PERM) હેઠળ અરજી કરે છે. અમેરિકાના કાયદા પ્રમાણે, અમેરિકન કંપનીએ કોઈ વિદેશી કર્મચારીને કાયમી ધોરણે નોકરીએ રાખવો હોય તો અમેરિકન શ્રમ વિભાગ પાસેથી મંજૂરી લેવી પડે છે. અમેરિકામાં વિદેશીને કાયમી નોકરી મળે એટલે તેને ગ્રીન કાર્ડ મળે છે પણ અરજી જ ના કરી શકાય તો ગ્રીન કાર્ડ ના મળી શકે તેથી કર્મચારીઓને અમેરિકામાં કાયમી વસવાટ ન મળે એટલે તેમણે ધોયેલા મૂળાની જેમ ભારત પાછા આવવું પડશે. અમેરિકાએ ચોખવટ કરી છે કે, અત્યારે જે કર્મચારીઓ એચ-વન બી વિઝા હેઠળ અમેરિકામાં કામ કરે છે અને પરમેનન્ટ લેબર સર્ટિફિકેશન માટે અરજી કરી ચૂક્યા છે તેમને કોઈ અસર નહીં થાય પણ આ કંપનીઓની નવી અરજી નહીં સ્વીકારાય.
ટ્રમ્પે ભારતીયોને ટાર્ગેટ કરવા માટે આ ફતવો બહાર પાડ્યો છે એ કહેવાની જરૂર નથી કેમ કે આઠમાંથી અમેરિકાની છે અને ચાર કંપની ભારતની છે. અમેરિકાની એવી કંપનીઓ પર ચાબૂક ચલાવાઈ છે કે જે ભારતીયોને મોટા પ્રમાણમાં નોકરીઓ આપે છે. 2009થી અત્યાર સુધીમાં આ આઠ કંપનીઓએ લગભગ 30 લાખ વિદેશી કર્મચારીઓને ગ્રીન કાર્ડ અપાવવા માટે અરજીઓ કરી હતી અને તેમાંથી 1 લાખથી વધુને ગ્રીન કાર્ડ મળ્યાં છે. તેમાંથી મોટા ભાગના ભારતની ચાર કંપનીઓમાં ટીસીએસ, ઇન્ફોસિસ, વિપ્રો અને એચસીએલના છે. અમેરિકાની માઇક્રોસોફ્ટ, એડોબી, કોગ્નિઝન્ટ અને કેપજેમિની જેવી કંપનીઓ પણ ભારતીયોની મોટા પાયે ભરતી કરીને કાયમી નોકરી આપે છે.
આંકડાની રીતે આઠ કંપનીઓ વધારે ના લાગે કેમ કે દુનિયામાં સેંકડો આઈટી કંપનીઓ છે પણ આ કંપનીઓનો વ્યાપ જોતાં સમજાય કે, ટ્રમ્પે ભારતીય કંપનીઓને સાવ કચડી નાંખવા માટે જ આ પગલું ભર્યું છે. ટીસીએસ, ઇન્ફોસિસ, વિપ્રો અને એચસીએલ એ ચારેય કંપની ભારતના આઈટી ઉદ્યોગની આધારશિલા છે. વિદેશી કંપનીઓ ભારતમાં આઈટી આઉટસોર્સિંગ કરે તેમાંથી મોટા ભાગના જોબ આ ચાર કંપનીઓને જ મળે છે ને ટ્રમ્પે તેમને જ લપેટી લેતાં આખો ભારતીય આઈટી ઉદ્યોગ જ હચમચી જશે.
ટ્રમ્પે માઇક્રોસોફ્ટ, એડોબી, કોગ્નિઝન્ટ અને કેપજેમિનીને એટલે ટાર્ગેટ કરી છે કે, આ કંપનીઓ ભારતમાં સૌથી વધારે આઉટસોર્સિંગ કરે છે. ટ્રમ્પે જુદી જુદી રીતે આ કંપનીઓને દબાવીને ભારતમાં આઉટસોર્સિંગ બંધ કરવા અને ભારતીયોને નોકરીઓ નહીં આપવા કહેલું પણ આ કંપનીઓ ટ્રમ્પને ના ગાંઠી. ટ્રમ્પને રવાડે ચડીને પોતાનાં હિતોને નુકસાન પહોંચાડવાની તેમની તૈયારી નહોતી એટલે ટ્રમ્પની વાત એક કાનેથી સાંભળીને બીજા કાનેથી કાઢી નાંખી તેમાં ફૂંગરાયેલા ટ્રમ્પે તેમને સીધી કરવા ફતવો બહાર પાડી દીધો.
આ ચાર કંપનીઓને ટાર્ગેટ કરીને બીજી અમેરિકન કંપનીઓને પણ ટ્રમ્પે આડકતરી ધમકી આપી દીધી કે, ભારતીયોને નોકરીએ રાખ્યા કે, ભારતીય કંપનીઓને કામ આપ્યું તો તમારા હાલ પણ માઈક્રોસોફ્ટ સહિતની ચાર કંપનીઓ જેવા જ થશે. માઈક્રોસોફ્ટ અમેરિકાની જ નહીં પણ આખા દુનિયાની સૌથી મોટી આઈટી કંપની છે. ટ્રમ્પ માઈક્રોસોફ્ટને નથી છોડતા તો પોતાની તો શું વલે કરે એ ડરે બીજી આઈટી કંપનીઓ ભારતીયોને કામ ના આપે કે નોકરી પણ ના આપે એવો ફફડાટ પેદા કરવાનો ટ્રમ્પનો ઈરાદો છે એ સ્પષ્ટ છે.
ટ્રમ્પ લાંબા સમયથી એક રેકર્ડ વગાડ્યા કરે છે કે, અમેરિકામાં વિદેશીઓ સ્થાનિક કર્મચારીઓની નોકરીઓ છિનવી રહ્યા છે અને અમેરિકાની કંપનીઓ પણ અમેરિકનોને કાયદેસરના લાભ ના આપવા પડે, વધારે ખર્ચ કરવો પડે એટલા માટે વિદેશી કર્મચારીઓને નોકરી પર રાખે છે કે પછી આઉટસોર્સિંગ કરે છે. અમેરિકામાં સૌથી વધારે આઉટસોર્સિંગ કે વિદેશીઓને નોકરી આપવાનું કામ આઈટી કંપનીઓ કરે છે તેથી ટ્રમ્પે આઈટી કંપનીઓને નિશાન બનાવી છે. ભવિષ્યમાં બીજાં ક્ષેત્રો માટે પણ આ ટ્રમ્પ આવો ફતવો બહાર પાડી શકે ને વિદેશી કંપનીઓ કે કર્મચારીઓ માટે કાયમી દરવાજા બંધ કરી શકે.
ટ્રમ્પને એવું લાગે છે કે, આ ફતવાના કારણે ભારતીયો ફફડી જશે પણ એવું કશું થવાનું નથી કેમ કે ભારતીયો લાંબા સમયથી અમેરિકાને કોરાણે મૂકીને બીજા દેશો તરફ મીટ માંડી જ રહ્યા છે. ભારતીયો માટે અમેરિકામાં ગ્રીન કાર્ડ કતારની બહુ લાંબી છે ને ઘણાંને તો આખો જન્મારો રાહ જોયા પછી પણ ગ્રીન કાર્ડ ના મળે એવી હાલત છે તેથી ભારતીયોમાં ભણેલા લોકો તો અમેરિકન ડ્રીમને છોડી જ રહ્યા છે. ભારતીયો માટે અમેરિકામાં ગ્રીન કાર્ડ મેળવવા માટે અત્યારે જ લગભગ 15 વર્ષનું વેઈટિગ લિસ્ટ છે.
અમેરિકામાં ખૂબ જ ભણેલા અથવા અનુભવી પ્રોફેશનલ્સને EB-2 અથવા EB-3 કેટેગરીના વિઝા મળે છે. આ પ્રોફેશનલ્સ પોતાના કામથી અમેરિકન કંપનીઓને સંતોષ આપે પછી તેમને કાયમી નોકરી મળે એટલે કંપની જ ગ્રીન કાર્ડ માટે પરમેનન્ટ લેબર સર્ટિફિકેશન મેળવવા અરજી કરતી હોય છે. અત્યારે સ્થિતિ એ છે કે, 2015માં પરમેનન્ટ લેબર સર્ટિફિકેશન માટે અરજી કરી હોય તેમને તો ગ્રીન કાર્ડ મળી જ નથી રહ્યું. અમેરિકામાં હાલમાં એવા ભારતીયોને ગ્રીન કાર્ડ મળી રહ્યું છે જેમણે 2012 અથવા 2014માં અરજી કરી હોય. આ વર્ષ માટે ભારતીયોનો કોટા સમાપ્ત થઈ ગયો છે, તેથી 2014 પછી અરજી કરનારાનો વારો તો આવતા વરસે જ આવવાનો છે. આ કારણે ભારતીયો માનસિક રીતે તૈયાર જ છે તેથી ટ્રમ્પના ફતવાની બહુ અસર નહીં પડે.
ટ્રમ્પ અમેરિકાને ફાયદો થાય એવા ટે્રડ ડીલ પર સહી કરવા માટે દબાણ સર્જવા આ બધાં ત્રાગાં કરી રહ્યા છે પણ ભારત સરકારે મચક નથી આપી તેથી ટ્રમ્પે આ નવું ત્રાગું કર્યું છે. ભારત સરકારનું વલણ યોગ્ય છે ને હવે પણ અમેરિકાના દબાણ સામે ઝૂકવાના બદલે ભારતે બીજા વિકલ્પો વિશે વિચારવું જોઈએ.