Mon Oct 05 2026

Logo

કરોડો મોબાઈલ યુઝર્સને મોંઘા રિચાર્જમાંથી મુક્તિ! TRAI દ્વારા લેવામાં આવ્યો મહત્ત્વનો નિર્ણય, જાણી લેશો તો ફાયદામાં રહેશો...

2026-09-22 16:04:56
Author: Darshana Visaria
કરોડો મોબાઈલ યુઝર્સને મોંઘા રિચાર્જમાંથી મુક્તિ! TRAI દ્વારા લેવામાં આવ્યો મહત્ત્વનો નિર્ણય, જાણી લેશો તો ફાયદામાં રહેશો...

દેશના કરોડો મોબાઇલ ગ્રાહકોના હિતમાં ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) એ મોટો અને ઐતિહાસિક નિર્ણય લીધો છે. ટ્રાઈ દ્વારા ઓફિશિયલી જાહેર કરાયેલા 'ટેલિકોમ કન્ઝ્યુમર પ્રોટેક્શન (13મો સુધારો) રેગ્યુલેશન, 2026' હેઠળ દેશની તમામ પ્રાઇવેટ અને સરકારી ટેલિકોમ કંપનીઓએ હવે ફરજિયાતપણે માત્ર વોઇસ કોલિંગ અને SMS સુવિધા આપતા સસ્તા રિચાર્જ પ્લાન રજૂ કરવા પડશે.

હવે ગ્રાહકોએ નાછૂટકે ડેટા સાથે આવતા મોંઘા રિચાર્જ ખરીદવાની મજબૂરી રહેશે નહીં, જેનાથી સામાન્ય વર્ગ અને ફીચર ફોન વાપરનારા પ્રવાસીઓ-ગ્રાહકો પરનો આર્થિક બોજ મોટા પાયે હળવો થશે.

દર મહિને નક્કી તારીખે રિચાર્જ રિન્યૂ કરવાનો નવો વિકલ્પ:
નવા નિયમો અનુસાર, 30 દિવસ કે તેથી ઓછી વેલિડિટી પસંદ કરતા તમામ ગ્રાહકો માટે કંપનીઓએ ડેટા વગરનો સ્પેશિયલ કોલિંગ અને એસએમએસ પ્લાન આપવો પડશે.  કંપનીઓએ ગ્રાહકોને એવો વિકલ્પ પૂરો પાડવો પડશે કે જેથી તેઓ દર મહિને એક જ ચોક્કસ તારીખે (દા.ત. દર મહિનાની એક કે પાંચ તારીખે) પોતાનું રિચાર્જ રિન્યૂ કરી શકે. આ વ્યવસ્થાથી ૨૮ દિવસના ચક્રને કારણે વારંવાર બદલાતી તારીખોની ઝંઝટમાંથી યુઝર્સને કાયમી મુક્તિ મળશે.

લાંબી વેલિડિટી ધરાવતા ગ્રાહકો માટે પણ વિશેષ જોગવાઈ:
ટ્રાઇએ સ્પષ્ટ નિર્દેશ આપ્યો છે કે 30 દિવસથી વધુની (જેમ કે 84 દિવસ કે વાર્ષિક) વેલિડિટી ઇચ્છતા ગ્રાહકો માટે પણ કંપનીઓએ ઓછામાં ઓછો એક એવો પ્લાન ફરજિયાત રાખવો પડશે જેમાં માત્ર અનલિમિટેડ કોલિંગ અને SMS હોય. રેગ્યુલેટરે ટેલિકોમ ઓપરેટરોને આદેશ આપ્યો છે કે આવા પ્લાન્સની કિંમત સામાન્ય ડેટા પ્લાન્સ કરતાં ઘણી સસ્તી અને વ્યાજબી હોવી જોઈએ, જેથી યુઝર્સને સીધો નાણાકીય ફાયદો મળી શકે.

કીપેડ યુઝર્સ અને સીનિયર સિટીઝન્સને સૌથી મોટો ફાયદો:
આ નિર્ણયનો સૌથી મોટો લાભ એવા નાગરિકોને થશે જેઓ સ્માર્ટફોન વાપરતા નથી પરંતુ સાદો કીપેડ (ફીચર) ફોન વાપરે છે અથવા ઘરમાં બ્રોડબેન્ડ હોવાથી મોબાઇલ ડેટાની જરૂર હોતી નથી. ખાસ કરીને સીનિયર સિટીઝન્સ અને સામાન્ય આવક ધરાવતા પરિવારોને હવે ફક્ત સિમ કાર્ડ એક્ટિવ રાખવા કે વાત કરવા માટે મોંઘાદાટ રિચાર્જ કરાવવા પડશે નહીં.

1100થી વધુ સૂચનો અને જનઆક્રોશ બાદ લેવાયો નિર્ણય:
બજારમાં માત્ર કોલિંગ વાળા સસ્તા પ્લાનની ભારે અછત હોવાથી ગ્રાહકો નાછૂટકે મોંઘા પ્લાન ખરીદવા મજબૂર બન્યા હતા. ટ્રાઇએ આ મુદ્દે જારી કરેલા કન્સલ્ટેશન પેપર અને ડ્રાફ્ટ રેગ્યુલેશન પર સામાન્ય જનતા, ગ્રાહક સુરક્ષા મંચો અને નિષ્ણાતો પાસેથી 1,132 જેટલી પ્રતિક્રિયાઓ અને લેખિત સૂચનો મેળવ્યા હતા. આ તમામ પાસાંઓનો ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યા બાદ આ નવો કાયદો અંતિમ સ્વરૂપે અમલી બનાવવામાં આવ્યો છે.