Tue Oct 06 2026

Logo

પ્રાસંગિકઃ જર્મનીમાં જમણાપંથી આત્યંતિક શક્તિઓનો ઉદય

2026-09-16 10:16:00
Author: Amul Dave
પ્રાસંગિકઃ જર્મનીમાં જમણાપંથી આત્યંતિક શક્તિઓનો ઉદય

અમૂલ દવે

જર્મનીમાં છેલ્લાં કેટલાંક વર્ષો દરમિયાન જમણાપંથી રાજકીય અને આત્યંતિક શક્તિઓના ઝડપી ઉદયે દેશની લોકતાંત્રિક વ્યવસ્થા તેમ જ સમગ્ર યુરોપીય સમુદાય સમક્ષ એક ગંભીર અને સંકટપૂર્ણ સ્થિતિ ઊભી કરી છે.

બીજા વિશ્વયુદ્ધ પછી જર્મનીએ જે ઉદારવાદી લોકશાહી, સામાજિક સુમેળ અને માનવાધિકારોની સુરક્ષાનો પાયો નાખ્યો હતો, તે પાયો આજે આત્યંતિક વિચારધારાના પ્રસારને કારણે નબળો પડી રહ્યો હોવાની ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ પરિસ્થિતિનું સૌથી મોટું અને સ્પષ્ટ કેન્દ્રબિંદુ અલ્ટરનેટિવ ફોર જર્મની (એએફડી) પાર્ટીનો સતત વધતો રાજકીય પ્રભાવ છે. 

આ પાર્ટીને જર્મનીની ઘરેલું ગુપ્તચર એજન્સી (બીએફવી) દ્વારા સત્તાવાર રીતે જમણાપંથી આત્યંતિક સંગઠન અથવા આત્યંતિક વલણ ધરાવતા જૂથ તરીકે વર્ગીકૃત કરવામાં આવી છે. AfDના આ ઝડપી રાજકીય વિકાસ અને તેના કારણે સમાજમાં વધી રહેલા ધ્રુવીકરણના લીધે જર્મન સરકાર તેમ જ અન્ય યુરોપીય દેશો અત્યંત ચિંતિત બન્યા છે.

સપ્ટેમ્બર 2026માં પૂર્વ જર્મનીના સેક્સની-આનહાલ્ટ રાજ્યમાં યોજાયેલી રાજ્ય વિધાનસભાની ચૂંટણીના પરિણામોએ સમગ્ર જર્મન રાજકારણમાં ભૂકંપ જેવી અસરો પેદા કરી હતી.આ ચૂંટણીમાં અરઉએ આશરે 44 ટકા જેટલાં મતો મેળવીને એક અભૂતપૂર્વ અને ઐતિહાસિક વિજય હાંસલ કર્યો.આ પરિણામ પાર્ટીના અગાઉના ચૂંટણી પ્રદર્શન કરતાં લગભગ બમણું હતું, જે દર્શાવે છે કે જમણાંપંથી વિચારો લોકપ્રિયતાના નવા શિખરો સર કરી રહ્યા છે. 

કેવળ થોડી બેઠકોના અભાવે આ પાર્ટી સ્પષ્ટ બહુમતી મેળવવાથી વંચિત રહી ગઈ, પરંતુ તેણે પરંપરાગત રાજકીય પક્ષોના ગઢ ગણાતા વિસ્તારોમાં મોટું ગાબડું પાડ્યું. કેન્દ્રીય સરકારનું નેતૃત્વ કરી રહેલા ચાન્સેલર ફ્રિડરિખ મેર્ઝની પાર્ટી ક્રિશ્ચિયન ડેમોક્રેટિક યુનિયન (સીડીયુ)નો મતભાગ ઘટીને માત્ર 17 ટકા જેટલો જ રહી ગયો હતો. આ કારમી હારે જર્મન ચાન્સેલર અને તેમની ગઠબંધન સરકાર પર નીતિગત અને રાજકીય સ્તરે ભારે દબાણ ઊભું કર્યું છે.

જર્મનીની ઘરેલું ગુપ્તચર સેવાના અહેવાલો દર્શાવે છે કે દેશમાં આત્યંતિક વિચારો ધરાવતા વ્યક્તિઓની સંખ્યા વધીને આશરે 58,700 સુધી પહોંચી ગઈ છે. આ સંખ્યાત્મક ઉછાળા પાછળ અરઉની સદસ્યતામાં થયેલો મોટો વધારો એક મુખ્ય પરિબળ માનવામાં આવે છે. પાર્ટીના આશરે 70,000થી વધુ સદસ્યોમાંથી હજારો સદસ્યો સક્રિયપણે આત્યંતિક અથવા કટ્ટરપંથી વિચારધારાઓ સાથે સીધા જોડાયેલા છે. 

આ ભયાનક સ્થિતિને ધ્યાનમાં રાખીને જર્મન સરકાર અને દેશના મુખ્ય લોકતાંત્રિક પક્ષોએ `બ્રાન્ડમાઉઅર' અથવા `ફાયરવોલ' ની નીતિ અપનાવી છે. આ નીતિ હેઠળ, સ્થાનિક કે રાષ્ટ્રીય કોઈ પણ સ્તરે અરઉ સાથે કોઈ પણ પ્રકારનું રાજકીય ગઠબંધન કે સહકાર ન આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેથી આત્યંતિક વિચારો ધરાવતી પાર્ટી સત્તાના શિખરે ન પહોંચી શકે. આ નીતિને બીજા વિશ્વયુદ્ધ પછીની જર્મન લોકશાહીના રક્ષણ માટે અત્યંત મહત્ત્વપૂર્ણ કવચ ગણવામાં આવે છે.

જર્મન ચાન્સેલર અને સુરક્ષા એજન્સીઓની ચિંતા માત્ર ચૂંટણીના પરિણામો પૂરતી સીમિત નથી, પરંતુ તે દેશની આંતરિક સુરક્ષા અને સામાજિક તાણાવાણા સાથે ઊંડી રીતે જોડાયેલી છે. અરઉ દ્વારા રજૂ કરવામાં આવેલી `રીમાઇગ્રેશન' નીતિ, જે હેઠળ વિદેશી મૂળના લોકો અને શરણાર્થીઓને દેશમાંથી બહાર મોકલવાની વાત કરવામાં આવે છે, તેને ઘણા રાજકીય વિશ્લેષકો અને નેતાઓએ વંશીય શુદ્ધિકરણના પ્રયાસ સમાન ગણાવી છે. 

આ ઉપરાંત, પક્ષના કેટલાક આંતરિક જૂથો નિયો-નાઝી વિચારધારા અને સંગઠનો સાથે સંબંધ ધરાવતા હોવાના પુરાવા મળ્યા છે. જર્મનીના નાઝીવાદ અને હિટલરના શાસનના કાળી ડાઘ જેવા ઇતિહાસને ધ્યાનમાં રાખતા, આવા વિચારોનું પુન:ઉત્થાન જર્મન સમાજ માટે અત્યંત ભયજનક ચિહ્ન છે.

આ સ્થિતિથી માત્ર જર્મની જ નહીં, પરંતુ સમગ્ર યુરોપના દેશોમાં ચિંતાનો માહોલ છે. ફ્રાન્સ, ઇટાલી, સ્પેન અને અન્ય યુરોપીય દેશોના નેતાઓએ સેક્સની-આનહાલ્ટના ચૂંટણી પરિણામોને યુરોપિયન લોકશાહી માટે એક ગંભીર ચેતવણી તરીકે વર્ણવ્યા છે.હાલના સમયે યુરોપના ઘણા દેશોમાં જમણાંપંથી પક્ષોનો દબદબો વધી રહ્યો છે. 

ઇટાલી, હંગેરી અને સ્લોવાકિયા જેવા દેશોમાં જમણાપંથી પક્ષો સત્તા પર છે અથવા તો મજબૂત વિરોધ પક્ષ તરીકે ઊભરી આવ્યા છે. જર્મની એ યુરોપીય યુનિયન (EU)નું આર્થિક અને રાજકીય એન્જિન માનવામાં આવે છે. જો જર્મની જેવા મજબૂત દેશમાં આત્યંતિક બળો શક્તિશાળી બનશે, તો તેની સીધી નકારાત્મક અસર સમગ્ર યુરોપીય યુનિયનની એકતા, વિદેશ નીતિ અને સ્થિરતા પર પડશે.

જર્મનીમાં આત્યંતિક વિચારોના ઝડપી પ્રસાર પાછળ અર્થતંત્રમાં આવેલી મંદી, વધતી જતી મોંઘવારી, બિન-નિયંત્રિત સ્થળાંતર (ઇમિગ્રેશન) ની સમસ્યા અને પરંપરાગત રાજકીય પક્ષો પ્રત્યે જનતામાં વ્યાપેલો તીવ્ર અસંતોષ જવાબદાર છે. ખાસ કરીને પૂર્વ જર્મનીના વિસ્તારોમાં આર્થિક અસમાનતા અને બેરોજગારીનું પ્રમાણ વધુ હોવાથી ત્યાં આ વિચારધારાને વધુ સમર્થન મળી રહ્યું છે. આ ઉપરાંત, સોશ્યલ મીડિયા અને ઓનલાઇન ડિજિટલ પ્લેટફોર્મ્સ દ્વારા યુવાનોમાં કટ્ટરપંથી વિચારોનું બ્રેનવોશિંગ કરવામાં આવી રહ્યું છે, જે ગુપ્તચર એજન્સીઓ માટે વધુ એક મોટો પડકાર બની ગયું છે.

આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે જર્મન સરકાર સુરક્ષા એજન્સીઓને વધુ કાનૂની સત્તા આપવા, સ્થળાંતર નીતિઓમાં કડક સુધારા કરવા અને મુખ્ય પક્ષો વચ્ચે આંતરિક સહકાર વધારવા જેવા પગલાં ભરી રહી છે. છતાં પણ, સામાન્ય જનતાનો વિશ્વાસ પુન: પ્રાપ્ત કરવો અત્યંત મુશ્કેલ બની રહ્યો છે. રાષ્ટ્રીય સ્તરના સર્વેક્ષણોમાં AfD હવે દેશની બીજી સૌથી મોટી અથવા સૌથી મોટી રાજકીય શક્તિ તરીકે ઊભરી રહી છે.જો લોકશાહી પક્ષો સામાન્ય લોકોની સામાજિક અને આર્થિક સમસ્યાઓ નો સમયસર અને અસરકારક ઉકેલ નહીં લાવે, તો જર્મની અને યુરોપનો રાજકીય નકશો સંપૂર્ણપણે બદલાઈ જશે તેવી આશંકા સેવાઈ રહી છે. 
---
યુકેનું વિભાજન?
યુનાઈટેડ કિંગ્ડમ (યુકે)નું વિભાજન થશે. યુનાઈટેડ કિંગ્ડમની સંસદ પાસેથી સત્તા મેળવનાર ત્રણ ધારાસભા-સ્કોટલૅન્ડ, નોર્ધન આયર્લૅન્ડ અને વેલ્સના ચૂંટાયેલા પ્રતિનિધિઓએ સોમવારે ઐતિહાસિક સંધિ કરીને યુકેની કેન્દ્રીય સંસદ વેસ્ટમિન્સ્ટરમાંથી અલગ થવાની જાહેરાત કરી હતી. આ ત્રણેય દેશે કરેલું સમજૂતીપત્ર જણાવે છે કે રાજકીય સિનારિયો અમારા ટાપુમાં બદલાતો જાય છે. પહેલી વાર સ્કોટલૅન્ડ, વેલ્સ અને નોર્ધન આયર્લેન્ડમાં ફર્સ્ટ મિનિસ્ટર છે જે યુનાઈટેડ કિંગ્ડમમાંથી આઝાદી ઈચ્છે છે. વિશ્વના લોકો માટે એ સંકેત છે કે વેસ્ટમિન્સ્ટરનો સમય પૂરો થયો છે. આવતા અઠવાડિયે આપણે આની વિગતવાર ચર્ચા કરીશું.