Mon Oct 05 2026

Logo

ગુજરાતના છેવાડાના અરજદારો માટે ન્યાયનું કિરણ બન્યું DGP કચેરીનું ‘જનસંપર્ક કાર્યાલય’, ૮ મહિનામાં ૩૧૦ રજૂઆતોનું  નિરાકરણ

2026-09-28 13:07:00
Author: Mumbai Samachar Team
ગુજરાતના છેવાડાના અરજદારો માટે ન્યાયનું કિરણ બન્યું DGP કચેરીનું ‘જનસંપર્ક કાર્યાલય’, ૮ મહિનામાં ૩૧૦ રજૂઆતોનું  નિરાકરણ

ગાંધીનગરઃ રાજ્યના છેવાડાના માનવીને ત્વરિત, પારદર્શક અને સંવેદનાસભર ન્યાય મળે તેવા સંકલ્પ સાથે પોલીસ ભવન, ગાંધીનગર ખાતે શરૂ કરવામાં આવેલું ‘જનસંપર્ક કાર્યાલય’ આજે રાજ્યના સામાન્ય નાગરિકો માટે અત્યંત વિશ્વાસપાત્ર સેતુ બની ગયું છે.

રાજ્યના પોલીસ વડા  જ્ઞાનેન્દ્રસિંહ મલિક તથા લૉ એન્ડ ઓર્ડર ડીજીપી  રાજકુમાર પાંડિયનના સીધા માર્ગદર્શન અને ઉચ્ચસ્તરીય મોનિટરિંગ હેઠળ આ કાર્યાલય દ્વારા નાગરિકોની રજૂઆતોનું સમયબદ્ધ અને પરિણામલક્ષી નિરાકરણ લાવવામાં આવી રહ્યું છે. તા. ૦૪ ફેબ્રુઆરી ૨૦૨૬થી કાર્યરત આ કાર્યાલય પ્રત્યે લોકોનો વિશ્વાસ એટલી હદે વધ્યો છે કે માત્ર ૮ મહિનાના ટૂંકા ગાળામાં સમગ્ર રાજ્યમાંથી ૩૧૦ જેટલા અરજદારોએ રૂબરૂ મુલાકાત લઈને પોતાની રજૂઆતો નોંધાવી છે.

કોઈ નાગરિક કચ્છ કે સૌરાષ્ટ્રના અંતરિયાળ વિસ્તારોમાંથી લાંબી મુસાફરી કરીને આવતું હોય કે પછી દક્ષિણ ગુજરાતના છેવાડાના આદિવાસી ગામોમાંથી, ગાંધીનગર પોલીસ ભવન પહોંચતા જ દરેક અરજદારને પૂરા સન્માન, ધીરજ અને સંવેદનશીલતાથી સાંભળવામાં આવે છે. કોઈ પણ નાગરિક સાથે અન્યાય ન થાય તે માટે પૂર્ણ તકેદારી રાખીને સમર્પિત ટીમ દ્વારા તેમની અરજીઓ સ્વીકારવામાં આવે છે. આ ટીમ સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર મુજબ અરજી નોંધણી કરીને સંબંધિત શહેર કે જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે તુરંત ટેલિફોનિક સંકલન સાધી જરૂરી સૂચનાઓ આપે છે.

જનસંપર્ક કાર્યાલયમાં આવેલી અરજીઓને માત્ર ફોરવર્ડ કરવાને બદલે તથ્યો અને પુરાવાઓના આધારે ગુણદોષ ચકાસી કાયદેસર પગલાં સુનિશ્ચિત કરવામાં આવે છે. જે અંતર્ગત ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ગંભીર અને તથ્યપૂર્ણ જણાયેલી બાબતોમાં સંબંધિત પોલીસ સ્ટેશનો મારફતે તુરંત ૨૮ FIR દાખલ કરાવાયા છે. એટલું જ નહીં, અરજી મોકલ્યા બાદ પ્રક્રિયા ક્યાં પહોંચી તે સુનિશ્ચિત કરવા આશરે ૬૭ જેટલી અરજીઓમાં ઉચ્ચ સ્તરેથી ‘Progress Report’ મંગાવી સતત એન્ડ-ટુ-એન્ડ ફોલોઅપ લેવાયું છે. બીજી તરફ પારદર્શિતા અને ન્યાયપૂર્ણ વ્યવસ્થા જળવાય તે માટે તપાસ દરમિયાન બદઈરાદાપૂર્વક કે ખોટી રજૂઆત કરનારા ૮ અરજદારો સામે નિયમોનુસાર કાયદેસર પગલાં પણ લેવામાં આવ્યા છે.

કાર્યાલયની મુલાકાતે આવતા દરેક નાગરિક પાસેથી પારદર્શક રીતે ‘Feedback Form’ ભરાવવામાં આવે છે. પોલીસ સ્ટાફનું નમ્ર વર્તન, સાંભળવાની પદ્ધતિ, ત્વરિત કાર્યવાહી અને યોગ્ય માર્ગદર્શનના આધારે મુલાકાત લેનાર નાગરિકો તરફથી કાર્યાલયની કામગીરીને એકમતે “Excellent” રેટિંગ આપવામાં આવ્યું છે.