થાણે: થાણે જિલ્લામાં પબ્લિક વર્કસ ડિપાર્ટમેન્ટ (પીડબ્લ્યુડી)માં જૉબ અપાવવાને બહાને ત્રણ યુવાન સાથે 12 લાખ રૂપિયાની છેતરપિંડી આચરવા બદલ બે જણ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હોવાનું પોલીસે જણાવ્યું હતું.આરોપીઓની ઓળખ શશિકાંત વિશ્ર્વાસ ચંદાને અને ભૂષણ વર્ધે તરીકે થઇ હતી, જેમણે યુવાનો પાસેથી ડિસેમ્બર, 2022થી સપ્ટેમ્બર, 2026 દરમિયાન રૂપિયા લીધા હતા. જોકે તેમણે યુવાનોને નોકરી અપાવી નહોતી અને રૂપિયા પાછા આપવાનો ઇનકાર કર્યો હતો.
બદલાપુર પૂર્વમાં રહેતા એક યુવાને આ પ્રકરણે નોંધાવેલી ફરિયાદને આધારે આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો હેઠળ ગુનો દાખલ કરાયો હતો.આરોપીઓએ પીડબ્લ્યુડીમાં ક્લર્ક તરીકે નોકરી અપાવવાનું આશ્ર્વાસન આપીને ફરિયાદી તેમ જ તેના પરિવારજનોનો વિશ્ર્વાસ સંપાદન કર્યો હતો. ત્યાર બાદ તેમણે ફરિયાદી તથા અન્ય બે યુવાન પાસેથી કુલ 12 લાખ રૂપિયા લીધા હતા.
જોકે આરોપીઓએ તેમને નોકરી અપાવી નહોતી અને તેમણે જ્યારે પોતાના રૂપિયા પાછા માગ્યા ત્યારે આરોપીઓએ ઉડાઉ જવાબ આપ્યા હતા. બદલાપુર પોલીસ આ મામલે તપાસ કરી રહી હોઇ હજી સુધી કોઇની પણ ધરપકડ કરવામાં આવી નથી, એમ અધિકારીએ જણાવ્યું હતું. (પીટીઆઇ)