Mon Oct 05 2026

Logo

ક્વિક-કૉમર્સ કંપનીમાં નોકરીને બહાને 10 જણને છેતર્યા: બે વિરુદ્ધ ગુનો

2026-09-09 17:32:08
Author: Yogesh C. Patel
ક્વિક-કૉમર્સ કંપનીમાં નોકરીને બહાને 10 જણને છેતર્યા: બે વિરુદ્ધ ગુનો

થાણે: ક્વિક-કૉમર્સ કંપનીમાં નોકરીની લાલચે 10 જણના મોબાઈલ નંબર અને બૅન્ક ખાતાંની વિગતો મેળવ્યા પછી આર્થિક વ્યવહાર માટે તેનો કથિત દુરુપયોગ કરવા બદલ ભિવંડી પોલીસે બે આરોપી વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.

પોલીસના જણાવ્યા મુજબ આરોપીએ કંપનીના ગોદામમાં પૅકિંગ જૉબની ખાતરી આપી બધાનો વિશ્ર્વાસ જીત્યો હતો. નોકરીની પ્રક્રિયાના ભાગ રૂપે 10 નોકરી ઇચ્છુક પાસેથી તેમની બૅન્કની પાસબુક અને તેની સાથે લિંક કરાયેલાં સિમ કાર્ડ્સ પ્રાપ્ત કર્યાં હતાં. જોકે ખાસ્સા દિવસો વીત્યા છતાં કોઈને નોકરી મળી નહોતી.

બાદમાં નોકરી ઇચ્છુકોને જાણ થઈ હતી કે તેમની જાણબહાર તેમનાં બૅન્ક ખાતાં અને મોબાઈલ નંબર્સનો ગેરકાયદે આર્થિક વ્યવહાર માટે દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે. આ વાતની જાણ થતાં છેતરાયેલી એક મહિલાએ તેના દસ્તાવેજો અને સિમ કાર્ડ્સ તાત્કાલિક પાછાં સોંપવાની વાત કરી હતી.

જોકે દસ્તાવેજો પાછા આપવાનો ઇનકાર કરી આરોપીએ ગંભીર પરિણામ ભોગવવાં પડશે, એવી ધમકી ઉચ્ચારી હતી.આખરે છેતરાયેલા લોકોેએ ભિવંડીના ભોઈવાડા પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધ્યો હતો. ફરિયાદને આધારે પોલીસે બે શખસ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. (પીટીઆઈ)