નાશિક: અગ્રણી આઈટી ફર્મ ટાટા ક્ધસલ્ટન્સી સર્વિસીસ (ટીસીએસ)ના નાશિક યુનિટના કર્મચારી દાનીશ શેખને કોર્ટે કથિત જાતીય સતામણી અને બળજબરીથી ધર્માંતર સંબંધી બીજા કેસમાં વચગાળાની રાહત આપવાનો ઇનકાર કર્યો હતો. આ પ્રકરણે નોંધાયેલા નવ એફઆઈઆરમાંથી એકમાં 31 વર્ષના શેખની અગાઉ ધરપકડ કરવામાં આવી હતી. હાલમાં તે અદાલતી કસ્ટડીમાં છે.
મુંબઈ નાકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કેસમાં શેખે વચગાળાના જામીન માટે અરજી કરી હતી. મુખ્ય અરજી પર નિર્ણય લેવાય ત્યાં સુધી ધરપકડ સામે વચગાળાની રાહત આપવાની દલીલ બચાવ પક્ષે કરી હતી.
જોકે ફરિયાદ પક્ષે જણાવ્યું હતું કે તેમને પ્રતિસાદ નોંધાવવા સમય જોઈએ છે. બન્ને પક્ષને સાંભળ્યા પછી કોર્ટે મંગળવારે શેખને વચગાળાની રાહત આપવાનો ઇનકાર કર્યો હતો અને ફરિયાદ પક્ષને 27 એપ્રિલ સુધી જવાબ નોંધાવવા નિર્દેશ આપ્યો હતો.
આ બીજા કેસમાં શેખ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમો 75 (જાતીય સતામણી), 299 (ધાર્મિક લાગણી દુભાવતું કૃત્ય) વગેરે હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (એસઆઈટી) દ્વારા ટીસીએસના યુનિટમાંના કથિત કાંડ સંબંધી નવેનવ કેસની તપાસ કરી રહી છે. આ મામલે ટીસીએસના નાશિક યુનિટમાં કામ કરતી મહિલા એચઆર મૅનેજર સહિત આઠ કર્મચારીની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ કરાયેલા અન્ય આરોપીઓએ પણ જામીન માટે અરજી કરી છે, જેની સુનાવણી ટૂંક સમયમાં થશે. (પીટીઆઈ)