Wed Oct 07 2026

Logo

ચંદ્રપુરમાં પ્રદૂષણ ફેલાવતા એકમો સામે સુધીર મુનગંટીવારની પોલીસ ફરિયાદ

2026-04-21 21:39:12
Author: Mumbai Samachar Team
ચંદ્રપુરમાં પ્રદૂષણ ફેલાવતા એકમો સામે સુધીર મુનગંટીવારની પોલીસ ફરિયાદ

ચંદ્રપુરઃ ભાજપના ધારાસભ્ય અને ભૂતપૂર્વ પ્રધાન સુધીર મુનગંટીવારે ચંદ્રપુર જિલ્લાના એક ગામમાં પ્રદૂષણને કારણે પાકને નુકસાન થવાના આરોપમાં એક કંપની અને મહારાષ્ટ્ર પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (એમપીસીબી)ના અધિકારી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

ભાજપ નેતાએ જણાવ્યું હતું કે, તેમણે ચંદ્રપુર તાલુકાના બેલસાણી ગામના કેટલાક ખેડૂતોના પ્રતિનિધિમંડળ સાથે સોમવારે રામનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં, આરોપ લગાવ્યો હતો કે કંપનીએ 2024 થી કોલસા ધોવાની ભઠ્ઠીઓ ચલાવીને વ્યાપક પર્યાવરણીય પ્રદૂષણ ફેલાવ્યું છે.

તેમણે દાવો કર્યો હતો કે પ્રદૂષણથી કપાસ, સોયાબીન અને અન્ય પાકોને ભારે નુકસાન થયું છે, પશુધનના મૃત્યુ થયા છે અને સ્થાનિકોના સ્વાસ્થ્ય પર પ્રતિકૂળ અસરો થઈ છે. સરકાર દ્વારા નિયુક્ત સમિતિએ નિરીક્ષણ કર્યું હતું અને અસરગ્રસ્ત ખેડૂતોને કુલ રૂ. 68,61,864 નું વળતર નક્કી કર્યું હતું, તેમ છતાં કંપની તરફથી હજુ સુધી વળતર વસુલવામાં નિષ્ફ્ળ રહ્યા છે.

તેમણે કંપની અને અધિકારી બંને સામે કાર્યવાહી કરવાની માંગ કરતી વખતે આરોપ લગાવ્યો કે એમપીસીબીના પ્રાદેશિક અધિકારી તેમની ફરજો નિભાવવામાં નિષ્ફળ ગયા અને ભંડોળ વસૂલવા માટે કોઈ કાર્યવાહી કરી નથી.
(પીટીઆઈ)