મહિલાને ગુનો આચરવા માટે ઉશ્કેરવા બદલ મંદિરના પૂજારીની ધરપકડ
લાતુર: લાતુર જિલ્લામાં પતિની પ્રેમિકાને ફસાવવા પોતાના સાત વર્ષના ભત્રીજાની હત્યા કરનારી 34 વર્ષની મહિલાને પોલીસે ઝડપી પાડી હતી, જ્યારે મહિલાને ગુનો આચરવા માટે ઉશ્કેરવા બદલ મંદિરના પૂજારીની પણ ધરપકડ કરવામાં આવી હતી.અનિતા દિનેશ સ્વામી અને મંદિરના પૂજારી સંજય કાશીનાથ સ્વામી (34)ની સોમવારે ધરપકડ કરવામાં આવી હતી અને કોર્ટે બંનેને 24 એપ્રિલ સુધીની પોલીસ કસ્ટડી ફટકારી હતી, એમ ચાકુર પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર બાલાજી ભાંડેએ જણાવ્યું હતું.
પોલીસે શરૂઆતમાં જણાવ્યું હતું કે જમીનનો વિવાદ ગુનાનું સંભવિત કારણ હોઇ શકે છે, પરંતુ તપાસ દરમિયાન હત્યાના હેતુ વિશે ચોંકાવનારી માહિતી સામે આવી હતી. 19 એપ્રિલે મંગેશ ચંદ્રકાંત સ્વામીએ ચાકુર પોલીસનો સંપર્ક સાધ્યો હતો. મંગેશે પોલીસને કહ્યું હતું કે તેનો પુત્ર દેવાંશ (7) અને ભત્રીજો સાઇચરણ (10) રમવા માટે બહાર ગયા હતા, પરંતુ તેઓ ઘરે પાછા ફર્યા નહોતા. દેવાંશ છેલ્લે સવારે 7.07 વાગ્યે પિતરાઇ સાઇચરણ સાથે સાઇકલ ચલાવતો નજરે પડ્યો હતો.
દરમિયાન બપોરના દોઢ વાગ્યાની આસપાસ દેવાંશનો મૃતદેહ ઉજલાંબ રોડ પર જૂના ઘરની નજીક ટ્રેક્ટરના ટાયર પાછળ મળી આવ્યો હતો. બાદમાં સાઇચરણ સુરક્ષિત હોવાનું જણાયું હતું. દેવાંશના મૃતદેહને હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા બાદ પોલીસે તપાસ આદરી હતી.તપાસ દરમિયાન પોલીસને સાઇચરણની માતા અનિતા દિનેશ સ્વામી પર શંકા ગઇ હતી, કારણ કે તેનાં નિવેદનમાં વિસંગતિઓ જણાઇ હતી અને ઘટના બાદ તેનો મોબાઇલ પણ સ્વીચઓફ્ફ હતો. પોલીસે અનિતાને તાબામાં લઇને પૂછપરછ કરતાં તેણે ગુનો કબૂલ્યો હતો.
અનિતાએ પોલીસને જણાવ્યું હતું કે તેના અને તેના પતિના સંબંધ વચ્ચે ખટાશ આવી ગઇ હતી, કારણ કે તેના પતિના અન્ય મહિલા સાથે અનૈતિક સંબંધ હતા. આથી પતિની પ્રેમિકાને ફસાવવા તેણે ભત્રીજા દેવાંશની ગળું દબાવી હત્યા કરી હતી અને દેવાંશ તથા પુત્ર સાઇચરણનુ અપહરણનું ખોટું નાટક કર્યું હતું. અનિતાને ગુનો આચરવા માટે ઉશ્કેરવાના આરોપસર મંદિરના પૂજારી સંજય સ્વામીની પણ બાદમાં ધરપકડ કરવામાં આવી હતી. (પીટીઆઇ)