ઈરાને અને યુએસ વચ્ચે યુદ્ધ વિરામ લંબાવવામાં આવ્યો છે, આ સંઘર્ષને સમાપ્ત કરવા બંને દેશો વચ્ચે પાકિસ્તાનમાં શાંતિ વાટાઘાટો યોજવાની છે. એવામાં ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડે બુધવારે હોર્મુઝ સ્ટ્રેટમાં ઓમાનના એક કન્ટેનર જહાજ પર ગોળીબાર કર્યો, જેનાથી જહાજને નુકસાન થયું છે.
બ્રિટિશ સૈન્યના યુનાઇટેડ કિંગડમ મેરીટાઇમ ટ્રેડ ઓપરેશન્સ (UKMTO) સેન્ટરે જણાવ્યું હતું કે બુધવારે સવારે 7:55 વાગ્યે (સ્થાનિક સમય) સ્ટ્રેટમાંથી પસાર થઇ રહેલા એક કન્ટેનર જહાજને નિશાન બનાવવામાં આવ્યું હતું.
UKMTOએ જણાવ્યું કે રિવોલ્યુશનરી ગાર્ડની ગનબોટમાંથી ગોળીબાર કરવામાં આવ્યો હતો, અહેવાલ મુજબ ગોળીબારમાં કોઈને ઈજા થઈ નથી, જહાજને નુકસાન થયું છે.
UKMTOએ એક નિવેદનમાં જણાવ્યું IRGની બોટ ઓમાનના દરિયાકાંઠે લગભગ 15 નોટિકલ માઇલ દૂર કન્ટેનર જહાજની નજીક પહોંચી અને ગોળીબાર કર્યો, જેના કારણે જહાજના પુલને "ભારે નુકસાન" થયું છે.
મંગળવારે હોર્મુઝ સ્ટ્રેટમમાંથી કોઈ પણ વ્યાપારિક જહાજ પસાર થયું ન હતું. જો કે તાજેતરના દિવસોમાં કેટલાક ઈરાની ઓઈલ ટેન્કરો યુએસ નાકાબંધીને પાર કરીને બહાર નીકળી ગયા છે.
સોમવારે યુએસ નેવીએ ઈરાનનાં એક કન્ટેનર જહાજ પર કબજો મેળવ્યો હતો. યુએસએસ સ્પ્રુઅન્સસે ઈરાનના જહાજ ટુસ્કાને રોક્યું હતું. ટુસ્કા હાલ યુએસ મરીન્સના કબજામાં છે. ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે ઈરાન સાથે યુદ્ધવિરામ લંબાવવાની જાહેરાત કરી હતી, જ્યારે યુએસ હોર્મુઝ સ્ટ્રેટ પર નાકાબંધી યથાવત રાખી છે.