Mon Oct 05 2026

Logo

ફરી રોકાણના બહાને સાયબર ઠગોએ એક વૃદ્ધના રૂ. એક કરોડ લૂંટી લીધા

2026-09-28 21:05:43
Author: Pooja Shah
ફરી રોકાણના બહાને સાયબર ઠગોએ એક વૃદ્ધના રૂ. એક કરોડ લૂંટી લીધા

અમદાવાદઃ સુરતમાં ફરી રોકાણમાં સારા નફાની લાલચ આપી  71 વર્ષીય નિવૃત્ત વ્યક્તિના  કથિત રીતે 1.10 કરોડ રૂપિયા પડાવી લેવાનો કેસ નોંધાયો હતો.  27 સપ્ટેમ્બરના રોજ નોંધાયેલી ફરિયાદ મુજબ, આ છેતરપિંડી 30 ઓક્ટોબરથી 12 ડિસેમ્બર, 2025 દરમિયાન થઈ હતી.

અહેવાલો અનુસાર આ કેસમાં પણ મોડસ ઑપરેન્ડી એક સરખી જ હતી. પહેલા વૉટ્સ એપ ગ્રુપ દ્વારા તેમને આકર્ષવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમને એપીકે ફાઈલ આપી તેમના ટ્રાન્ઝેક્શન પર નજર રાખવામાં આવી હતી. 

ફરિયાદીનો કથિત રીતે અનેક મોબાઇલ નંબરો પરથી સંપર્ક કરવામાં આવ્યો હતો. છેતરપિંડી કરનારાઓએ તેમને રોકાણ અને સંબંધિત વ્યવહારો માટે ભંડોળની જરૂર હોવાનું જણાવીને વિવિધ બેંક ખાતાઓમાં પૈસા ટ્રાન્સફર કરવા માટે કહ્યું હતું. વિશ્વાસ કેળવવા માટે, તેઓએ શરૂઆતમાં 5,000 રૂપિયા ઉપાડવાની મંજૂરી આપી.

ફરિયાદમાં ૪ નવેમ્બરથી ૧૨ ડિસેમ્બર, ૨૦૨૫ દરમિયાન કુલ ૧.૧૦ કરોડ રૂપિયાના ૧૭ વ્યવહારોની વિગતો આપવામાં આવી છે. ૧૮ નવેમ્બરના રોજ ૨૦ લાખ રૂપિયા, ૨૪ નવેમ્બરના રોજ ૭.૬૦ લાખ રૂપિયા અને ૩.૭૦ લાખ રૂપિયા અને ૪ ડિસેમ્બરના રોજ ૪૫ લાખ રૂપિયાનું સૌથી મોટું સિંગલ ટ્રાન્સફર થયું હતું.

પૈસા ટ્રાન્સફર કર્યા પછી, ફરિયાદીને ખ્યાલ આવ્યો કે તેની સાથે છેતરપિંડી થઈ છે અને તેણે ફરિયાદ નોંધાવી હતી. તે ફરિયાદના આધારે, ૨૭ સપ્ટેમ્બરના રોજ સુરત સાયબર ક્રાઇમ પોલીસે ઔપચારિક એફઆઈઆર દાખલ કરી હતી.