Mon Oct 05 2026

Logo

સાઉથ આફ્રિકા પાંચ વિકેટ ગુમાવ્યા પછી જીત્યું, ન્યૂ ઝીલૅન્ડ સામે સેમિ રમશે...

2026-03-01 19:13:53
Author: Ajay Motiwala
સાઉથ આફ્રિકા પાંચ વિકેટ ગુમાવ્યા પછી જીત્યું, ન્યૂ ઝીલૅન્ડ સામે સેમિ રમશે...

PTI


નવી દિલ્હીઃ ટી-20 વર્લ્ડ કપમાં સાઉથ આફ્રિકાએ ઝિમ્બાબ્વેને સુપર-એઇટમાં પોતાની અંતિમ મૅચમાં પાંચ વિકેટે હરાવીને ગ્રૂપ-1માં છ પૉઇન્ટ અને +2.259ના રનરેટ સાથે મોખરાના સ્થાન સાથે આ રાઉન્ડમાં સફર પૂરી કરી અને હવે સાઉથ આફ્રિકા (South Africa) ચોથી માર્ચે કોલકાતાની સેમિ ફાઇનલમાં ન્યૂ ઝીલૅન્ડ સામે રમશે.

અપરાજિત માર્કરમની ટીમે શરૂઆત ખરાબ કરી હતી અને 14 રનમાં એની બે તેમ જ 43 રનમાં ત્રણ વિકેટ પડી ચૂકી હતી. જોકે છેવટે તેમણે 154 રનનો લક્ષ્યાંક 17.5 ઓવરમાં (13 બૉલ બાકી રાખીને) મેળવી લીધો હતો. ઝિમ્બાબ્વે (Zimbabwe)ના સુકાની સિકંદર રઝાને 73 રન તેમ જ ત્રણ વિકેટ બદલ મૅન ઑફ ધ મૅચનો પુરસ્કાર અપાયો હતો. જોકે તેનો ઑલરાઉન્ડ પર્ફોર્મન્સ ઝિમ્બાબ્વેને વિજય અપાવવા માટે પૂરતો નહોતો.

રઝાએ ઇનિંગ્સના ત્રીજા જ બૉલમાં ક્વિન્ટન ડિકૉકને વિકેટકીપર ટૅડિવાનાશે મારુમનીના હાથમાં કૅચઆઉટ કરાવ્યો અને પછી દાવની ત્રીજી ઓવરમાં હરીફ સુકાની એઇડન માર્કરમ (ચાર રન)ને ક્લીન બોલ્ડ કર્યો હતો.

ડેવાલ્ડ બ્રેવિસ (42 રન, 18 બૉલ, ચાર સિક્સર, બે ફોર) ટૂંકી આક્રમક ઇનિંગ્સ રમ્યો હતો. તેની વિકેટ પણ રઝાએ લીધી હતી. ટ્રિસ્ટેન સ્ટબ્સ (21 અણનમ, 24 બૉલ) અને જ્યોર્જ લિન્ડે (30 અણનમ, 21 બૉલ, એક સિક્સર, બે ફોર) છેક સુધી ક્રીઝમાં રહ્યા હતા. 101મા કુલ સ્કોર પર પાંચમી વિકેટ પડ્યા બાદ સ્ટબ્સ-જ્યોર્જ વચ્ચે 53 રનની અતૂટ ભાગીદારી થઈ હતી.