Mon Oct 05 2026

Logo

મહારાષ્ટ્રના આ ગામે લગાવ્યા 'ગામ વેચવાનું છે'ના બોર્ડ! ઉદ્યોગપતિઓને ખરીદી લેવા કરી અપીલ; જાણો આ પાછળનું કારણ...

2026-09-28 14:13:28
Author: Darshana Visaria
મહારાષ્ટ્રના આ ગામે લગાવ્યા 'ગામ વેચવાનું છે'ના બોર્ડ! ઉદ્યોગપતિઓને ખરીદી લેવા કરી અપીલ; જાણો આ પાછળનું કારણ...

તમે અત્યાર સુધી કોઈ જમીનનો ટુકડો, ખેતર કે મકાન વેચાતું હોવાની જાહેરાતો જોઈ કે સાંભળી હશે, પરંતુ મહારાષ્ટ્રમાંથી એક અત્યંત ચોંકાવનારી અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે જ્યાં ગ્રામજનોએ સમગ્ર ગામ જ વેચવા કાઢ્યું છે! ચોંકી ઉઠ્યા ને? ચાલો તમને આ વિશે જણાવીએ વિસ્તારથી... 

સોલાપુર જિલ્લાના માઢા તાલુકા હેઠળ આવતા તુળશી (Tulshi) ગામના લોકોએ વર્ષો જૂની પીવાના અને સિંચાઈના પાણીની ગંભીર સમસ્યાથી કંટાળીને ગામના પ્રવેશદ્વારે "ગામ વેચવાનું છે" (गाव विकणे आहे)ના બોર્ડ લગાવી દીધા છે. દેશના મોટા ઉદ્યોગપતિઓને પોતાનું ગામ ખરીદી લેવા આહ્વાન કરતાં ગ્રામજનોએ સરકાર અને સ્થાનિક વહીવટીતંત્રની ઉદાસીનતા સામે આ અનોખો અને દર્દનાક આક્રોશ વ્યક્ત કર્યો છે.

તુળશી ગામથી માત્ર 800 મીટરના અંતરેથી સિંચાઈની કેનાલ પસાર થાય છે, તેમ છતાં ગામને ખેતી કે પીવા માટે એક ટીપું પાણી મળતું નથી. સરકારી સીના માઢા લિફ્ટ ઇરિગેશન સ્કીમના કમાન્ડ એરિયામાં આ ગામનો સમાવેશ જ કરવામાં આવ્યો નથી . ગ્રામજનોએ પાણી માટે અસંખ્ય વખત ઉપવાસ, ધરણાં અને આંદોલનો કર્યા, પરંતુ દર વખતે માત્ર કાગળ પરના આશ્વાસનો આપીને આંદોલન સમેટી લેવાયા અને પરિસ્થિતિ જૈસે થે રહી.

આ ઉપરાંત ગામમાં પીવાનું પાણી પણ ઉપલબ્ધ ન હોવાથી ગ્રામજનોએ બાજુના ગામોમાંથી સાયકલ, બળદગાડા કે ટેમ્પોમાં વાદળી રંગના પ્લાસ્ટિક ડ્રમ ભરીને પાણી લાવવું પડે છે. દરેક ઘર બહાર ખાલી ડ્રમ જોવા મળે છે. ધોમધખતા તડકામાં મહિલાઓને માઈલો સુધી ચાલીને પાણી ભરવા જવું પડે છે. ગામમાં પાણીનું ભયંકર સંકટ હોવાને કારણે આસપાસના ગામના લોકો પોતાની દીકરીઓ આ ગામમાં પરણાવવા તૈયાર થતા નથી, જેના લીધે અનેક યુવાનોના લગ્ન અટકી પડ્યા છે.

દૂધ ઉત્પાદનમાં મોટો ઘટાડો અને રોજગારની તંગી:

એક સમયે જે ગામમાં દરરોજ 40થી 45 હજાર લિટર દૂધનું કલેક્શન થતું હતું, તે આજે પાણી અને ઘાસચારાના અભાવે ઘટીને માત્ર 10થી 15 હજાર લિટરે આવી ગયું છે. આસપાસના સમૃદ્ધ ગામોમાં ખેતમજૂરી કરીને ગુજરાન ચલાવતા આશરે 100 જેટલા મજૂરો માટે પણ આ વર્ષે વરસાદની ઘટને કારણે કામ મળવું બંધ થઈ ગયું છે. ગામમાં પાણી નથી અને બહાર રોજગાર નથી તેવી બેવડી મુસીબતમાં લોકો ફસાયા છે. 

દેશ જ્યારે આઝાદીના અમૃત કાળની ઉજવણી કરી રહ્યો છે, ત્યારે મૂળભૂત પ્રાથમિક સુવિધાઓથી વંચિત રહેલા ગ્રામજનો એટલી હદે હતાશ થઈ ગયા છે કે તેઓ કહી રહ્યા છે કે, આ લોકશાહી કરતાં તો બ્રિટિશ શાસન સારું હતું જ્યાં કમસેકમ વ્યવસ્થા તો હતી.

હવે જોવાનું એ રહે છે કે આ આક્રોશપૂર્ણ પગલાં બાદ મહારાષ્ટ્ર સરકાર અને જળસંપત્તિ વિભાગ જાગશે કે પછી તુળશી ગામના ખેડૂતોની આ વેદના કાગળ પર જ દબાઈ જશે.