મુંબઈઃ નાની બચત યોજનાઓ તેમ જ પોસ્ટ ઓફિસની લોકપ્રિય સ્કીમોમાં રોકાણ કરતાં કરોડો નાગરિકો માટે કેન્દ્ર સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્રિય નાણા મંત્રાલય દ્વારા ઓક્ટોબરથી ડિસેમ્બર 2026 (નાણાકીય વર્ષ 2026-2027ના ત્રીજા ત્રિમાસિક ગાળા) માટે નાની બચત યોજનાઓના વ્યાજદરો યથાવત એટલે કે નો ચેન્જ (No Change)ની જાહેરાત કરવામાં આવી છે, જેને કારણે રોકાણકારોમાં ખુશીની લહેર દોડી ગઈ છે.
પહેલી ઓક્ટોબરથી શરૂ થયેલાં આ નવા ક્વાર્ટરમાં ગત ત્રિમાસિક ગાળાના જ વ્યાજદરો લાગુ રહેશે. ઉપલબ્ધ માહિતી અનુસાર, સરકારે સતત નવમા ક્વાર્ટરમાં વ્યાજદરોમાં કોઈપણ પ્રકારનો ફેરફાર કર્યા વિના દરો 'જૈસે થે' રાખવામાં આવ્યા છે. ચાલો જોઈએ રોકાણકારોને કઈ સ્કિમમાં કેટલો વ્યાજદર નક્કી કરવામાં આવ્યો છેૃ
પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF):
લાંબા ગાળાના સુરક્ષિત રોકાણ અને ટેક્સ સેવિંગ માટે સૌથી લોકપ્રિય ગણાતી PPF સ્કીમ પર વાર્ષિક 7.1 ટકાનો વ્યાજદર યથાવત્ રાખવામાં આવ્યો છે. રોકાણકારોને આ ત્રિમાસિક ગાળામાં કોઈ વધારો કે ઘટાડો જોવા મળશે નહીં.
સુકન્યા સમૃદ્ધિ યોજના (SSY):
સરકાર દ્વારા દીકરીઓના સુરક્ષિત ભવિષ્ય અને ઉચ્ચ શિક્ષણ માટે શરૂ કરવામાં આવેલી સ્કિમ એટલે સુકન્યા સમૃદ્ધિ યોજના. આ યોજનામાં રોકાણ કરતા માતા-પિતાઓ માટે સરકારે વાર્ષિક 8.2 ટકાનો વ્યાજ દર જાળવી રાખવામાં આવ્યો છે.
નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ (NSC):
પોસ્ટ ઓફિસમાં કરવામાં આવેલું રોકાણ એ સૌથી સુરક્ષિત માનવામાં આવે છે અને પોસ્ટ ઓફિસ દ્વારા પણ રોકાણકારોના હિતને ધ્યાનમાં લઈને અલગ અલગ સ્કીમ્સ ડિઝાઈન કરવામાં આવે છે. પોસ્ટ ઓફિસની આવી જ એક સ્કિમ એટલે નેશનલ સેવિંગ સર્ટિફિકેટ. પોસ્ટ ઓફિસની સુરક્ષિત સ્કીમ NSC પર હાલમાં લાગુ 7.7 ટકા વાર્ષિક વ્યાજદર 31મી ડિસેમ્બર, 2026 સુધી સ્થિર રહેશે.
સિનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમ (SCSS):
વરિષ્ઠ નાગરિકો એટલે કે સિનિયર સિટીઝન્સ માટેની આ યોજના પર સૌથી વધારે અર્થાત્ જ 8.2 ટકાનો વ્યાજદર યથાવત્ રાખવામાં આવ્યો છે. આ સ્કિમ્સમાં રોકાણ એ નિવૃત્ત લોકોને નિયમિત આવક પૂરી પાડે છે.
bકિસાન વિકાસ પત્ર પર 7.5 ટકા અને પોસ્ટ ઓફિસ મંથલી ઇન્કમ સ્કીમ (POMIS) પર 7.4 ટકા વ્યાજદર સ્થિર રાખવામાં આવ્યો છે. પોસ્ટ ઓફિસ ટાઈમ ડિપોઝિટ (TD)ના દરો પણ તેમના કાર્યકાળ અનુસાર યથાવત રહેશે.
સતત 9મા ક્વાર્ટરમાં દરો સ્થિર:
કેન્દ્ર સરકાર દર ત્રણ મહિને આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક બોન્ડ યીલ્ડ તેમજ મોંઘવારીના દરને ધ્યાનમાં રાખીને નાની બચત યોજનાઓના વ્યાજદરોની સમીક્ષા કરે છે. આ વખતે પણ વ્યાજદરો સ્થિર રાખીને સરકારે નિશ્ચિત આવક અને ગેરંટીડ રિટર્ન ઈચ્છતા સામાન્ય મધ્યમવર્ગીય રોકાણકારો અને સિનિયર સિટીઝન્સને સલામતીની ખાતરી આપી છે.