Mon Oct 05 2026

Logo

લોહીનું એક પણ ટીપું વહાવ્યા વિના સિક્કિમ ભારતનું રાજ્ય કેવી રીતે બન્યું? જાણો RAWના 'સ્પાયમાસ્ટર'નો માસ્ટરપ્લાન

2026-09-23 17:27:00
Author: Vimal Prajapati
લોહીનું એક પણ ટીપું વહાવ્યા વિના સિક્કિમ ભારતનું રાજ્ય કેવી રીતે બન્યું? જાણો RAWના 'સ્પાયમાસ્ટર'નો માસ્ટરપ્લાન

જો ઈતિહાસમાં એક નાનકડી ભૂલ થઈ હોત તો આજે ભારતનો ઉત્તર-પૂર્વનો વિસ્તાર આપણા નકશામાંથી ગાયબ હોત! ભારતની સુરક્ષા સામે ઊભા થયેલા આ સૌથી મોટા ખતરાને ભારતીય ગુપ્તચર સંસ્થા 'રો' (R&AW)ના પ્રથમ વડા આર. એન. કાવ (રામેશ્વર નાથ કાવ) એ અત્યંત ચતુરાઈથી નિષ્ફળ બનાવ્યો હતો. તેમણે ચીનની સીમા પાસે એક પણ ગોળી ચલાવ્યા વગર સિક્કિમનું ભારતમાં વિલીનીકરણ કરાવી દીધું હતું. આર. એન. કાવ કદાચ આજની પેઢીને યાદ નહીં હોય, પરંતુ તેમનું યોગદાન ભારત માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહ્યું છે. 

તાજેતરમાં ફિલ્મ નિર્માતા કરણ જોહરે આર.એન. કાવના જીવન પર બાયોપિક બનાવવાની જાહેરાત કરી છે, જે 2028માં રિલીઝ થશે. આ ફિલ્મ વરિષ્ઠ પત્રકાર નિતિન ગોખલેના પુસ્તક 'R.N. Kao: Gentleman Spymaster' પર આધારિત છે, જેની પ્રસ્તાવના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજિત ડોભાલ દ્વારા લખવામાં આવી છે. આવો જાણીએ સિક્કિમના ભારત સાથેના ઐતિહાસિક અને રોમાંચક સમીકરણોની આખી કહાણી...

1950માં ભારત અને સિક્કિમ વચ્ચે કઈ રીતે સંધિ થઈ?

આ વાતની શરૂઆત ભારત આઝાદ થયો ત્યારથી જ શરૂ થઈ ગઈ હતી. 1947માં ભારત આઝાદ થયું ત્યારે સિક્કિમ પર ચોગ્યાલ એટલે કે રાજા તાસી નામગ્યાલનું શાસન હતું. 1950માં ભારત અને સિક્કિમ વચ્ચે એક વિશેષ સંધિ થઈ, જે મુજબ સિક્કિમ ભારતનું 'રક્ષિત રાજ્ય' બન્યું હતું. આ સંધિ હેઠળ સંરક્ષણ અને વિદેશ નીતિ ભારત હસ્તક હતી, જ્યારે આંતરિક વહીવટ રાજા ચલાવતા હતા. મૂળ વાત એ છે કે બે દાયકા સુધી આ વ્યવસ્થા શાંતિપૂર્વક ચાલી હતી, પરંતુ જ્યારે નવા રાજા પલદેન થૌન્ડુપ નામગ્યાલ ગાદી પર બેઠા ત્યારથી સિક્કિમ હાથમાંથી જઈ રહ્યું હતું. 

રાજા પલદેને હોપ કુકે નામના એક અમેરિકન મહિલા સાથે લગ્ન કર્યા. તે સમયે ભારતીય ગુપ્તચર વિભાગમાં એવી આશંકા જાગી કે રાણી સાહેબા હોપ કુકે CIA ના મોહરા તરીકે કામ કરી રહ્યાં છે અને રાજાને ભારત સામે ભડકાવી રહ્યાં છે. એટલું જ નહીં પરંતુ રાજા સિક્કિમને સ્વિટ્ઝર્લેન્ડ જેવો સ્વતંત્ર અને તટસ્થ દેશ બનાવવા માંગતા હતા અને ધીમે ધીમે નવી દિલ્હીથી અંતર બનાવી રહ્યા હતા. 

'ચિકન નેક' પર તોળાતા સંકટને એક જ ધડાકે ખતમ

સિક્કિમ જો ભારતથી અલગ થઈ જાય અથવા તો અથવા ચીનના પ્રભાવમાં આવે તો ભારત માટે ચિકન્સ નેક ગુમાવવાનું જોખમ ઊભું થઈ શકે તેમ હતું. જો ચીન આ કોરિડોર પર કબજો કરી લેત તો સમગ્ર ઉત્તર-પૂર્વ ભારત મુખ્ય ભૂમિથી કપાઈ જાત અને આપણે એ વિસ્તારને ગુમાવી દીધો હોત. પરંતુ 1971માં પાકિસ્તાન સામેના યુદ્ધમાં ઐતિહાસિક જીત મેળવ્યા બાદ તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ RAWના ચીફ આર.એન. કાવને બોલાવીને સિક્કિમના મુદ્દાનો કાયમી ઉકેલ લાવવાની જવાબદારી સોંપી અને સમગ્ર સમીકરણો બદલાઈ ગયાં.

સિક્કિમને ભારત સાથે જોડવા RAWનો માસ્ટરપ્લાન

કાવની ટીમના જાંબાઝ અધિકારી પી. એન. બેનર્જીએ માત્ર ચાર દિવસમાં જ એક યોજના બનાવી હતી, જેને તત્કાલીન પીએમ ઈન્દિરા ગાંધી દ્વારા મંજૂરી આપી દેવામાં આવી હતી. યોજના પ્રમાણે રાજાશાહીની શાસનવ્યવસ્થાને આંતરિક રીતે નબળી પાડવા અને પ્રજામાં લોકશાહી પ્રત્યે જાગૃતિ લાવી આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું. જેના માટે સિક્કિમ નેશનલ કોંગ્રેસના નેતા કાજી લેન્ડુપ દોરજી અને અન્ય યુવા નેતાઓને સાથે રાખવામાં આવ્યાં હતાં. સિક્કિમમાં બહુમતી ધરાવતી નેપાળી લોકો પણ રાજાથી કંટાળી ગયા હોવાથી તેમને પણ સાથ મળી રહ્યો હતો. આ દરેક લોકોને સાથે રાખીને RAWએ આ અસંતોષને લોકશાહી આંદોલનનું સ્વરૂપ આપ્યું હતું.

લાચાર થઈને રાજાએ ભારતની મદદ લીધી

તમને જણાવી દઈએ કે, 4 એપ્રિલ 1973ના રાજાના 50મા જન્મદિવસે ભવ્ય ઉજવણી ચાલી રહી હતી ત્યારે વિરોધ કરી રહેલી જનતાએ રાજમહેલને ઘેરી લીધો હતો આ દરમિયાન રાજાના ગાર્ડ્સે ગોળીબાર અને બેથી ત્રણ લોકોના મૃત્યુ થયું હોવાને કારણે આ વિરોધ ઉગ્ર બન્યો હતો. તેના કારણે આખા સિક્કિમમાં ચક્કાજામ થયો અને કાયદો-વ્યવસ્થા પડી ભાંગી હતી. આ સ્થિતિમાં આખરે લાચાર થઈને ચોગ્યાલે ભારત સરકાર પાસે મદદ માંગવી પડી હતી. 9 એપ્રિલ 1975ની સવારે બ્રિગેડિયર દેવેન્દ્ર સિંહના નેતૃત્વમાં ભારતીય સેનાની ત્રણ બટાલિયને ગંગટોક સ્થિત રાજમહેલને ચારેય તરફથી ઘેરી લીધો હતો, જેથી રાજાના વફાદાર 243 સિક્કિમ ગાર્ડ્સે કોઈ પણ લોહી વહાવ્યા વિના આત્મસમર્પણ કરી દીધું હતું. આ બધું જ યોજના પ્રમાણે થયું અને રાજમહેલ પરથી ચોગ્યાલનો ધ્વજ હટાવીને ગૌરવપૂર્વક ભારતનો ત્રિરંગો લહેરાવવામાં આવ્યો હતો. 

AI

1975માં સિક્કિમ ભારતનું 'રાજ્ય' બન્યું

RAWના આ સફળ ઓપરેશન બાદ સિક્કિમમાં ઐતિહાસિક જનમત યોજવામાં આવ્યો હતો, જેમાં સિક્કિમની પ્રજાએ 97.5 ટકા જેટલા જંગી મતોથી રાજશાહીને બદલે ભારત સાથે જોડાવવાનો નિર્ણય લીધો હતો. અંતે, 16 મે 1975ના સિક્કિમ સત્તાવાર રીતે ભારતનું 22મું રાજ્ય બન્યું હતું. એટલે કે, કોઈ યુદ્ધ લડ્યા વિના અને કોઈ મોટી જાનહાનિ વિના માત્ર વ્યૂહાત્મક વ્યૂહરચના જીતાયેલી આ લડાઈ ભારતીય ગુપ્તચર ઈતિહાસના સુવર્ણ અક્ષરે લખાયેલી છે, જ્યારે એના અસલી હીરો આર.એન. કાવ હતા.