Tue Oct 06 2026

Logo

થાણેમાં ઠાકરે જૂથના નેતા પ્રદીપ ‘બાળા’ પૂર્ણેકરની ગોળી મારી હત્યા

2026-09-30 00:08:00
Author: Mumbai Samachar Team
થાણેમાં ઠાકરે જૂથના નેતા પ્રદીપ ‘બાળા’ પૂર્ણેકરની ગોળી મારી હત્યા

ગણેશનગરની ઓફિસમાં 3-4 અજાણ્યા હુમલાખોરોએ કર્યો હુમલો

(ચેતના રાજા)

મુંબઈ: થાણેમાં શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે યુબીટી) જૂથના શાખાપ્રમુખ પ્રદીપ (બાળા) પૂર્ણેકર પર આજે રાત્રે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. પ્રાથમિક માહિતી મુજબ, માનપાડાના ગણેશનગર ખાતે આવેલી તેમની ઓફિસમાં 3થી 4 અજાણ્યા હુમલાખોરોએ તેમના પર બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. ગોળી વાગતાં પૂર્ણેકર ગંભીર રીતે ઘાયલ થયા હતા અને તેમને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું.

ગોળીબાર બાદ ગંભીર હાલતમાં પૂર્ણેકરને કાપુરબાવડી પોલીસ સ્ટેશનની હદમાં આર મોલ નજીક આવેલી ઈન્ફિનિટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમની સ્થિતિ ગંભીર હોવાનું ફરજ પરના તબીબોએ જણાવ્યું હતું. તબીબોની સારવાર છતાં તેમનો જીવ બચાવી શકાયો નહોતો. હુમલાખોરો માસ્ક પહેરીને આવ્યા હોવાની માહિતી પણ સામે આવી છે.

હુમલો કોણે કર્યો અને તેની પાછળનું ચોક્કસ કારણ શું હતું તે હજુ સ્પષ્ટ થયું નથી. ઘટનાની જાણ થતાં કાપુરબાવડી પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી. પોલીસ હવે હુમલાખોરોની ઓળખ અને તેમના સુધી પહોંચવા માટે તપાસ કરી રહી છે. આ હત્યાને પગલે ઠાણેના રાજકીય અને સ્થાનિક વર્તુળોમાં ખળભળાટ મચ્યો છે.

થાણેમાં ફરી કાયદો-વ્યવસ્થાનો મુદ્દે ગંભીર સવાલ

પૂર્ણેકરની હત્યાથી થાણેમાં કાયદો અને વ્યવસ્થાને લઈને ફરી સવાલો ઊભા થયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલાં જ થાણે શહેરમાં એક પોલીસ સબ-ઇન્સ્પેક્ટરની હત્યાની ઘટના બની હતી અને હવે ટૂંકા અંતરમાં બીજી હત્યાની ઘટના સામે આવી છે. પોલીસે આ બંને ઘટનાઓ વચ્ચે કોઈ સંબંધ છે કે કેમ તે અંગે કોઈ માહિતી જાહેર કરી નથી.

પ્રદીપ પૂર્ણેકર થાણેમાં શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે) જૂથના શાખાપ્રમુખ હતા. થાણે મહાનગરપાલિકાની ચૂંટણીમાં મનોરમાનગર વિસ્તારના પ્રભાગ નંબર 3માંથી તેમની પત્ની વિજેતા પૂર્ણેકર અને ભાઈ જયનાથ પૂર્ણેકરે ઠાકરે જૂથ તરફથી ચૂંટણી લડી હતી, જોકે બંનેનો પરાજય થયો હતો. જયનાથ પૂર્ણેકર થાણે મહાનગરપાલિકાના ભૂતપૂર્વ નગરસેવક પણ રહી ચૂક્યા છે.

હાલ પોલીસનું મુખ્ય ધ્યાન હુમલાખોરોની ઓળખ, હત્યાનું કારણ અને હુમલા પાછળના સંભવિત ષડયંત્રની તપાસ પર છે. પોલીસની તપાસ આગળ વધ્યા બાદ જ હત્યાના ચોક્કસ કારણ અને હુમલાખોરો અંગે વધુ વિગતો સામે આવશે.